“સમાજની શુદ્ધિ” :- શિવમ સાંકરી (વચનામૃત : જીવન માર્ગદર્શક )

90

સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ કોઈ પોલીસ સ્ટેશન એવું હશે કે જ્યાં વર્તમાનમાં ગુનાખોરીનો આંક પૂર્વે કરતાં ઓછો હશે. કદાચ જ કોઈ એવી કોર્ટ હશે કે જ્યાં કેસ દાખલ થવાનો ગ્રાફ ઘટ્યો હશે. હા,સવારે છાપું ખૂલે છે અને ચાની ચૂસ્કી સાથે ચોરીના સમાચાર નજરે ચઢે છે. લૂંટફાટ કે ખૂનખરાબાના સમાચાર તો ક્યારેક છેતરપિંડીનાસમાચાર !તો વળી ક્યારેક આતંકવાદ કે અકસ્માતની દયનીય છબીઓ…
આજકાલ ચોરીને અટકાવવા માટે લોકો અવનવા ઉપાયો શોધે છે. આપણો અનુભવ છે કે, મોલ કે મોટેલમાં, રોડ કે રેસ્ટોરાંમા, દુકાનો કે દેવાલયમાં, શાળા કે સામાજિક સ્થાનોમાં એક વાક્ય સદા દૃષ્ટિપથ પર અંકિત થાય છે. તે પણ વિવિધ ભાષામાં;‘તમે સીસી ટીવી કેમરાની નજરમાં છો, આપ સીસી ટીવી કેમરે કી નિગરાની મેં હો.’
આવા બાહ્ય વિચારોથી ચોરને પકડી શકાય પણ ચોરની વૃત્તિને કાપી ન શકાય. ગુનેગારને પકડી શકાય પણ ગુનેગારને અટકાવી ન શકાય. છેતરનારને પકડી શકાય પણ છેતરપિંડીની છીછરી વૃત્તિને જાણી ન શકાય… પરંતુ આવી સમસ્યાનો આત્યંતિક ઉકેલ આપણાં સનાતન હિંદુ શાસ્ત્રોમાં છે. શ્રીમદ્ભગવદ્‌ગીતા જણાવે છે…
અર્થાત્‌ ‘પરમાત્મા સર્વ અંતર્યામીપણે અને સર્વત્ર રહ્યા છે. એવું માનીને જે ભગવાનનું ભજન કરે છે તે પરમાત્માને પ્રિય છે.’ પરમાત્મા સર્વત્ર વ્યાપક છે સર્વના અંતર્યામી છે. આ ઉપદેશ સાંભળતાં જ અમેરિકન તત્ત્વચિંતક અમેર્સનતો હર્ષપુલકિત થને નાચવા માંડ્યા. અને આજ ભાવનાના ભારતીય સંતકવિઓએ વારંવાર દૃઢાવ્યું છે- ‘જ્યાં જૂવો ત્યાં રામજી બીજુ ના ભાસે કાંઈ.’ તથા તુલસીદાસજી ગાય છે- ‘સિયારામ જબ જગ જાની કરહું પરનામ જોરી જુગ પાનિ’ આ ભાવનાને જ ઉપનિષદ ઉપરણું લેતા કહે છે. અર્થાત્‌ વિશ્વની વસ્તુમાત્રમાં પરમાત્મા છે. જો આ ઉપનિષદિક અંશ અમલમાં આવે તો સમાજના ગુના જરૂર ઓછા થઈ જાય. પોલીસ કે કોર્ટ કચેરીની સંખ્યા પણ ઓછી થઈ જાય.
જાહેરાતોમાં સીસીટીવી કેમરાની જરૂર જ ન પડે ! એટલે કે દુનિયામાં થતાં અઘટિત કાર્યો અટકી જાય કારણ કે, ભગવાનનોકેમરો સર્વત્ર ગોઠવાયો છે. અને તે મારી પ્રત્યેક ક્રિયાની છબિ ઝીલે છે. તેવી સમજથી સમગ્ર જીવન વ્યવસ્થિત થઈ જાય. જો ડોક્ટરો દર્દીમાં ભગવાન જૂવે તો બિનજરૂરી શસ્ત્રક્રિયાનો સરવાળો શૂન્ય થઈ જાય. જો વેપારી ગ્રાહકમાં ભગવાન જુવે તો છેતરપિંડીનો આંક શૂન્ય થઈ જાય. જે નેતા પ્રજામાં ભગવાન જૂએ તો સમગ્ર સમાજમાં ભ્રષ્ટાચારનો આંક શૂન્ય થઈ જાય.
આવી રીતે ભગવાનનાવ્યાપકપણાનો ઉપદેશ તો ભારતીય સંસ્કૃતિમાં બાળકોને નાનપણથી જ અપાતો. એકવાર એક ઋષિએ પોતાના તમામ વિદ્યાર્થીઓને એક ફળ આપીને કહ્યું,“આ ફળને તમારે કોઈ ન જૂએ તેવી જગ્યાએ જઈને ખાવાનું.” ગુરુના આદેશને અનુસરી કોઈ છાત્ર ઝાડની ટોચ પર, તો કોઈએ ઝાડની બખોલમાં સંતાઈને, તો વળી કોઈએ ગુફામાં જઈ અથવા તો ખેતરમાં પાકની વચ્ચે બેસીને ફળ ખાધું. બીજી દિવસે સૌ ફળ ખાઈને પરત આવ્યા, ત્યારે એક વિદ્યાર્થીનું ફળ એવું ને એવું જ હતું. તે જોઈને ઋષિએ પૂછ્યું,“શું તને એવી કોઈ જગ્યા જ ન મળી કે જ્યાં તને કોઈ ન જોઈ શકે?”
ત્યારે છાત્રે કહ્યું, “ગુરુજી ! તમે જ શીખવ્યું છે કે બધે જ ભગવાન છે અને આપણને હંમેશા જૂએ છે. તેથી હું આપની શરતનું અનુસરણ નથી કરી શક્યો.”
ગળથૂથીમાં જ સિંચાયેલા આ સંસ્કાર આગળ જતાં સંસ્કારસમૃદ્ધ સમાજનું સર્જન કરે છે. હા, સર્વમાં ભગવાનનો નિવાસ છે તે સમજણથી સર્વત્ર સમભાવ પ્રવર્તે છે.
આ સમજનું સાકારસ્વરૂપ ત્યાંરે તાદૃશ્ય થયું જ્યારે વિશ્વવંદનીય સંત પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે તેઓના ૭૯મા જન્મજયંતી મહોત્સવે તીથલમાં પોતાના ઈષ્ટદેવ સાથે દોઢ લાખ ભક્ત-મેદનીની આરતી ઉતારી. ત્યારે સંતોએ પૂછ્યું કે “સૌ ભક્તોજનો આપની આરતી ઉતારે તે યોગ્ય છે પરંતુ આપે કેમ ભક્તોની આરતી ઉતારી?” તેના પ્રત્યુત્તરમાં તેઓ જણાવ્યું કે, “આપ સૌમાં ભગવાન રહ્યા છે. માટે આપની પણ આરતી ઉતારવી જોઈએ. અને વંદન પણ કરવા જોઈએ. આ મારી એક ભક્તિ છે.” આમ, ગીતામાં આ ઉક્તિ જાણે તેઓમાં મૂર્તિમાન સ્વરૂપેપ્રગટ દેખાઈ.
આમ, ‘બધે જ ભગવાન છે’ એવી ભાવનાથી ‘હું મોટો અને તું નાનો’ એવો ભાવ જ નીકળી જાય. આવો આપણે પણ આવી સમજણ રાખીએ અને અન્યને પણ આ સંદેશ પાઠવીને સમાજને શુદ્ધ કરવાનું વચન લઈએ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next article૩૦મી જાન્યુઆરી એ સમગ્ર દેશમાં ગાંઘી નિર્માણ દિવસને ‘શહીદ દિવસ તરીકે શા માટે ઉજવાય છે ?