ઘોઘાના વાળુકડ ગામે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, સ્વાતંત્ર્ય સંગ્રામ પાંચ સ્તંભો વિશેની ઝાંખી કરાવતું ચિત્ર પ્રદર્શન યોજાયું

118

રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ અંગે લોકોને જાણકારી અપાઈ
દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ વિભાગો દ્વારા તેની અનેક રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વરાજ્ય થી સુરાજ્યની યાત્રાની આ ઉજવણી કરવાં માટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે વાળુકડ કેળવણી મંડળ ટ્રસ્ટ હાઇસ્કૂલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશેની જાણકારી આપી લોકોમાં રાષ્ટ્ર ભાવનાનો સંચાર કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત થયેલા આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન, કોવિડ-19 જાગૃતતા અભિયાન, કોવિડ-19 રસીકરણ અભિયાન જેવાં જન અભિયાનો વિશેની જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ અંગે પણ લોકોની જાણકારી આપીને લોકોમાં આ અંગે જનજાગૃતિ કેળવાય તે માટેના પ્રયાસો કરી જાણકારી આપવા સાથે લોકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ આઝાદીનો અમૃત મહોત્સવ એ દેશના નાગરિકોમાં રાષ્ટ્ર ભાવના સાથે જનચેતનાને જાગૃત કરવાનો અવસર છે તેમ જણાવી આઝાદીની જુદી-જુદી ચળવળ સાથે સ્વતંત્રતા સંઘર્ષ વિશે જાણકારી આપી દેશમાં ઉજવાઈ રહેલાં આઝાદીના અમૃત મહોત્સવ વિશેની જાણકારી આપી હતી. અમૃત મહોત્સવની ઉજવણીના પાંચ સ્તંભો આઝાદીનો સંઘર્ષ, 75 વર્ષે વિચારો, 75 વર્ષે સિદ્ધિઓ, 75 વર્ષે કાર્યો અને 75 વર્ષે આપણાં સંકલ્પો વિશે વિસ્તૃત જાણકારી આપવાની સાથે સરકારની વિભિન્ન યોજનાઓ અને અભિયાનો વિષયક જાણકારી તેમજ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. ઘોઘા મામલતદાર એ.આર. ગઢવીએ અમૃત મહોત્સવની ઉજવણીમાં સૌ કોઈને સહભાગી થવાં હાકલ કરવાની સાથે તાલુકામાં ચાલતી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. તાલુકા વિકાસ અધિકારી એ.આર.પટેલે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તાલુકામાં ચાલતી વિવિધ કામગીરી અંગે જાણકારી આપવાની સાથે સ્વચ્છ ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબધ્ધ થવાં અપીલ કરી હતી. છેવાડાના ગામ અને નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચતી સરકારની વિવિધ યોજનાઓની જાણકારી અને તેના દ્વારા તેને મળતા લાભો અંગે આનંદ વ્યક્ત કરતાં વાળુકડ કેળવણી મંડળના ટ્રસ્ટી દિગ્વિજયસિંહે અમૃત મહોત્સવની ઉજવણીના આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. કોરોના માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે આયોજિત થયેલા આ કાર્યક્રમમાં આયુષ મેડિકલ ઓફિસર ડૉ.મનીષ ભોજે કોરોના સંબંધિત જાણકારી આપવાની સાથે આ મહામારીથી બચવાનાં અને તેનાથી સુરક્ષિત રહેવાંનાં ઉપાયો સૂચવ્યા હતાં અને તે અંગે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની ઝાંખી કરાવતું ચિત્ર પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાથે જ ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ પ્રશ્નોત્તરી સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. જેના વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમનું કાર્યક્રમનું સંચાલન તરુણભાઈ વ્યાસે કર્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે હાઇસ્કૂલનાં આચાર્ય માહિપાલસિંહ તેમજ શિક્ષકગણની કામગીરી પ્રશંસનીય રહી હતી. આ કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર દિવ્યરાજસિંહ સરવૈયા, ગ્યાસુદ્દીનભાઈ તેમજ ગામના સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો તેમજ વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleરાજ્યના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીનું ભાવનગર ખાતે નિધન, સરપંચથી કારકિર્દીની શરૂઆત કરી ગૃહપ્રધાન સુધી પહોંચ્યા હતા
Next articleભાવનગરમાં સિક્સલેનનુ કામ માર્ચના અંત સુધીમાં પૂર્ણ કરવા કંપનીને મેયરે કડક સુચના આપી