સુરતમાં ખાનગી બસ સળગવા મુદ્દે FSLએ રહસ્ય ઉકેલ્યુ
સુરતના હીરાબાગ વિસ્તારમાં લક્ઝરી બસમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં એક નવો જ ખુલાસો થયો છે. આ મામલે ફોરેન્સિક વિભાગ દ્વારા પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બસમાં બ્લાસ્ટ હીરા સાફ કરવાના એસિડના કારણે ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે કાપોદ્રા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં એક મહિલાનું આગમા કરૂણ મોત નીપજ્યું હતું. આ રિપોર્ટ બાદ પોલીસે બસના ડ્રાઈવર, કંડક્ટર અને વેપારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હીરાબાગ વિસ્તારમાં લક્ઝરી બસમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં એફએસએલ દ્વારા ઘટના સ્થળે મળી આવેલા સેમ્પલોના આધારે પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. પોતાના રિપોર્ટમાં એફએસએલએ જણાવ્યું કે, બસમાં કોમર્શિયલ પાર્સલો પણ હતા. જેમાં હીરા સાફ કરવાનું લિક્વિડ એસિડ, સેનેટાઈઝર અને હાઈડ્રોક્લોરિક એસિડ પણ હતું. આ કેમિકલ ખૂબ જ જ્વલનશીલ પદાર્થ છે. જેના કારણે બસમાં બ્લાસ્ટ બાદ આગ ભડકી હતી. સુરતમાં તક્ષશીલા આગકાંડ બાદ વધુ એક આગનો ગોઝારો બનાવ બન્યો હતો. સુરતમાં લક્ઝરી બસમાં બ્લાસ્ટ થયા બાદ ૫૮ સેકન્ડમાં જ આગ લાગી હતી. નવદંપતી લગ્ન બાદ હનિમૂનથી પરત ફરી રહ્યું હતું. ત્યારે નવયુવાન પત્ની બસમાં જ ભડથું થઈ ગઈ ગઈ હતી. જ્યારે, પતિ હાલ ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આગ પહેલાના બસના સીસીટીવી સામે આવ્યા હતો. માત્ર ૩૦ સેકન્ડમાં બસ આગની જ્વાળામાં લપેટાઈ જાય છે. રોડ પર ચાલુ બસ ઝટકા મારે છે, અને બાદમાં અચાનક બસ બંધ પડે છે. આગ લાગતા એક વ્યક્તિ બસમાંથી ઉતરી જાય છે અને ત્યારે જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થાય છે. બસમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. આ ઘટનામાં જે મહિલા આગમાં લપેટાયેલી દેખાય છે તે પતિ સાથે હનિમૂન પરથી પરત ફરી રહી હતી. સુરત પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની બસ ઉભી હતી. બસમાં ૧૨ પેસેન્જર બેસાડાયા હતા, તેના બાદ બદ અક્ષરદીપ કોમ્પ્લેક્સ વેડ રોડથી કતારગામ તરફ જઈ રહી હતી. બસમા એસીનુ કમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી. જેમાં સવાર ભાવનગરનો રહેવાસી વિશાલ નવલાની (ઉંમર ૩૨ વર્ષ) ચાલુ બસમાઁથી નીચે કૂદી ગયો હતો. તેને મોઢાના ભાગે ઈજા થઈ હતી. પરંતુ તેની પત્ની તાનિયા નવલાની (ઉંમર ૩૦ વર્ષ) બસમાંથી કૂદી શકી ન હતી. આગને કારણે તે આખા શરીરે દાઝી ગઈ હતી. જેથી તે આગમા જ મોતને ભેટી હતી. આ દંપતી મૂળ ભાવનગરનું હતું. તેઓ લગ્ન બાદ ગોવા હનિમૂન પર ગયા હતા. ગોવાથી નવદંપતી ફ્લાઈટ દ્વારા સુરત આવ્યુ હતુ. જ્યાથી તેઓ બસ દ્વારા ભાવનગર જવા નીકળ્યા હતા.