ત્રેવીસ વર્ષનો એ દીકરો,..એનું નામ હર્ષ લખાણી… નામ પ્રમાણે જ મુખ પર સદાય હર્ષની,આનંદની ઝાંખી જ છલકાય… એ રેડીએશનની ટ્રીટમેન્ટ માટે આવ્યો ત્યારે મારી એની સાથે પ્રથમ મુલાકાત થઈ. એ બહાદુર દીકરાએ કેન્સર જેવાં રોગને કેવી રીતે મહાત કર્યોં, એ આપણે એનાં જ શબ્દોમાં અનુભવીએ.
હર્ષ લખે છે…
” હું જ્યારે આ લખું છું ત્યારે મારી ઉંમર ૨૩ વર્ષ ને એક મહિનાની છે. હું જ્ઞાતિએ હિન્દુ,..પટેલ, અને કર્મથી મિકેનિકલ એન્જિનિયર છું. આમ તો મારું જીવન એકદમ સરસ ચાલતું હતું પણ, કહેવાય ને કે ક્યારે એ બદલાઈ જાય છે એની તો ભગવાન રામને પણ ખબર નોતી.
મને હમણાં ખબર પડી કે મને કેન્સર છે, આમ તો મેં જીવનમાં ધાણાદાળ જેવો મુખવાસ પણ મોઢે અડાડ્યો નથી.. પણ આ મુશ્કેલીને ગોડગિફ્ટ માનો કે ન માનો પણ સ્વીકારવી તો પડે જ!!
હું સ્વામિનારાયણ ધર્મમાં માનવા વાળો છું એટલે બહારનું પણ મોટાભાગે ન ખાઉં.. તો પણ આ કેન્સર થયું તો હવે શું?
હવે કંઈ નહીં, મેં મનથી મજબૂત બની ને પરિસ્થિતિ સ્વીકારી લીધી છે.મારા તરફથી હું પુરેપૂરી લડત આપી રહ્યો છું. અને આ દરમિયાન હું ઘણા દર્દીઓને મળ્યો. બધા ખૂબ ડરી ગયેલા! પણ મને આમ હિંમતવાન જોઈને એ લોકોમાં પણ જોશ આવતા મેં મારી નજરે જોયેલ છે.”….
વાહ, દીકરા વાહ!! તારી બહાદુરીને તો સલામ ભરવી પડે હો! આ બહાદુર દીકરાએ પોતાના રોગથી ઢીલા પડેલાં માતાપિતા અને બહેનને પણ મજબૂત બનાવી દીધા છે.
અત્યારે એને કીમોની બોટલ ચડી રહી છે. અને પછી છેલ્લો એક કીમો બાકી રહેશે એ પણ ટૂંક સમયમાં પૂરો..
એ માને છે કે ઈશ્વરે દર્દ આપ્યું છે તો એની સામે લડવાની હિંમત પણ એણે જ આપી છે…!!
દીકરા હર્ષ, આ તારી કેવી જોરદાર ખુમારીને નત મસ્તકે પ્રણામ.
જીવનના પૂરાં નવ મહિના સુધી આ રોગ સામે ઝઝૂમીને અન્યને પ્રેરણારૂપ બનનારો આ ઝગમગતા દીવડામાં સદાય સુખનું દિવેલ પુરાતું જ રહેશે…
સર્વે સંતુ નિરમયા….