બેકારીની બૂમરામ વચ્ચે સરકાર પગલાં લેશે : સરકાર દ્વારા હાલમાં ઈ શ્રમ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રના મજૂરોનું રજિસ્ટ્રેશન પણ આ જ હેતુથી કરાઈ રહ્યુ હોવાનું કહેવાઈ રહ્યું છે
નવી દિલ્હી, તા. ૨૯
દેશમાં બેકારી વધી રહી હોવાની પડી રહેલી બૂમો વચ્ચે સરકાર ગામડાઓની જેમ શહેરોમાં પણ રોજગારી આપવા માટે મનરેગા જેવી યોજના લાગુ કરવા વિચાર કરી રહી છે. આગામી બજેટમાં આવી યોજનાનુ એલાન થાય તેવી શક્યતા છે.સરકાર દ્વારા હાલમાં ઈ શ્રમ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રના મજૂરોનુ રજિસ્ટ્રેશન પણ આ જ હેતુથી કરાઈ રહ્યુ હોવાનુ કહેવાઈ રહ્યુ છે.આ મજૂરોને શહેરી મનરેગા યોજના હેઠળ રોજગારી આપવામાં આવી શકે છે. યોજનાનુ હેતુ એ છે કે, શહેરોમાં કોરોનાના કારણે રોજગાર ગુમાવનાર લોકોને ફરી કામ મળી શકે.કારણકે સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમિના કહેવા પ્રમાણે શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ૮.૨૧ ટકા પર પહોંચી ચુકયો છે. આ પહેલા આરએસએસના શ્રમિક સંગઠન ભારતીય મજદૂર સંગઠનના આગેવાનો પણ નાણા મંત્રી સાથે બજેટ પહેલા યોજાયેલી બેઠકમાં શહેરી વિસ્તારો માટે મનરેગા જેવી યોજના લાગુ કરવાની માંગ કરી ચુકયા છે. શ્રમ મંત્રાલય સાથે સંકળાયેલી સંસદીય સમિતિએ પણ શઙેરી વિસ્તારોમાં અર્બન નેશનલ જોબ ગેરંટી સ્કીમ લાગુ કરવા માટે ભલામણ કરી છે.જેથી કોરોનાના કારણે નોકરી ગુમાવનારા લોકોને રાહત મળી શકે. ગ્રામ્ય વિસ્તારો માટે રોજગારી આપવા મનરેગા યોજનાને ૨૦૦૮માં યુપીએ સરકારે લાગુ કરી હતી.જેમાં એક વર્ષમાં ૧૦૦ દિવસ રોજગારીની ગેરંટી આપવામાં આવે છે.જેનો ફાયદો ગ્રામ્ય વિસ્તારોમાં બેકારીની સમસ્યાને ઓછી કરવામાં મળ્યો છે.