એમ્બરગ્રીસના જથ્થા સાથે જામનગર પોલીસે એક શખ્સની અટકાયત કરી : પરફ્યુમ ઈન્ડસ્ટ્રીઝ અને દવા માટે થાય છે ઉપયોગ
જામનગર,તા.૩૦
સામાન્ય રીતે ઉલટી શબ્દ સાંભળીને બધાના મો ઢાઢી જતા હોય છે. પરંતુ વ્હેલ માછલીની ઉલટી કરોડો રૂપિયામાં વેચાય છે. જામનગર ખાતે એક શખ્સ પાસેથી વ્હેલ માછલીની ઉલટી મળી આવી છે. જેની કિંમત કરોડો રૂપિયા થવા જાય છે. ૮૩૦ ગ્રામ એમ્બરગ્રીસ (વહેલની ઉલટી) સાથે એસઓજી પોલીસે તેને ઝડપી પડ્યો છે. તેની પાસેથી અદાજીત એક કરોડની કિંમતની એમ્બરગ્રીસ કબ્જે કરાઈ જ્યારે કોઈ વ્હેલ કટલફિશ કે ઑક્ટોપસ કે અન્ય કોઈ દરિયાઈજીવનો શિકાર કરે, ત્યારે તેના ધારદાર અંગ કે દાંતને વહેલના શરીરને નુકસાન ન પહોંચાડે તે માટે તેના શરીરની પાચનવ્યવસ્થામાં વિશેષ પ્રકારના સ્રાવ ઝરે છે, જેની મદદથી પાચનક્રિયા થાય છે. બાદમાં બિનજરૂરી પદાર્થોને સ્પર્મ વ્હેલ મોં વાટે શરીરમાંથી કાઢીને ફેંકી દે છે. કેટલાક સંશોધકોના મતે સ્પર્મ વ્હેલ મળવાટે પણ અંબરગ્રીસનો નિકાલ કરે છે. એટલે જ કેટલીક વખત અંબરગ્રીસમાંથી શિકારના ધારદાર અંગ પણ મળી આવે છે. વ્હેલે ત્યજી દીધેલો ભાગ દરિયાની સપાટી ઉપર તરે છે. સૂર્યપ્રકાશ અને ખારાશવાળું પાણી મળીને તેને અંબરગ્રીસનું સ્વરૂપ આપે છે, જે સુગંધીત દ્રવ્ય બનાવવામાં મદદરૂપ થાય છે. અંબરગ્રીસ કાળા, સફેદ અથવા ગ્રૅ કલરનું અને તૈલી હોય છે. તે અંડાકાર કે ગોળાકાર હોય છે. દરિયાઈ પાણીમાં સફર ખેડીને તે આવો આકાર ધારણ કરે છે. સળગાવવામાં આવે તો તે સળગી ઉઠે છે. તેના ઉપયોગ માટે આલ્કોહોલ કે ઇથરની જરૂર પડે છે. જાણકારોના કહેવા પ્રમાણે, પહેલાં તેની સુગંધ સારી નથી લાગતી, પરંતુ જેમ-જેમ સમય જતો જાય છે અને જેમ-જેમ હવા સાથે ભળે છે, તેમ-તેમ તે મીઠી સુગંધ ધારણ કરે છે. આ સિવાય અત્તરની સુગંધ ઝડપથી ઉડી ન જાય, તે માટે તેમાં સ્ટૅબિલાઇઝર તરીકે અંબરગ્રીસનો ઉપયોગ કરવામાં આવે છે.તે જ્વલ્લે જ જોવા મળતું હોય તેનો ભાવ ખૂબ જ વધારે હોય છે. તેનો ભાવ સોના કરતાં પણ વધારે હોવાથી તેને ‘દરિયાઈ સોના’ કે ‘તરતા સોના’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં લગભગ ૧૬૦૦ કિલોમીટરનો દરિયાકિનારો આવેલો છે, જે સમગ્ર દેશમાં સૌથી લાંબો છે. એટલે જ દરિયાઈ જીવનો કે તેનાં અંગોનો વેપાર કરનારાઓની નજર અહીંના કિનારા પર રહે છે. ગુજરાત સિવાય ઓડિશા અને કેરળના દરિયાકિનારે પણ ક્યારેક-ક્યારેક અંબરગ્રીસ મળી આવે છે.