જ્યાં સુધી તંત્ર રાહત ન આપે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો – પ્રમુખ
ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરમાં છેલ્લા બે દિવસથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓને ઝડપી લઈ દંડીત કરવામાં આવી રહ્યા છે. આજથી પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આજથી દુકાનો સજ્જડ બંધ રાખી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરમાં પ્લાસ્ટિક એસોસીએશન દ્વારા તંત્રની જોહુકમી અને ભારે તવાઈના કારણે આજથી ધંધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનુસંધાને આજે તમામ દુકાનો બંધ રહી હતી. આ અંગે પ્લાસ્ટિક એસોસીએશનના પ્રમુખ પરસરામ મુલાણીએ એક વાતચીતમાં જણાવેલ કે રાજ્યભરમાં સૌથી વધારે પ્લાસ્ટિકનો કાયદો ભાવનગરમાં જ અમલ કરાવાઈ છે અને ચેકીંગ કરવા આવતી ટીમો ટોળાશાહી રૂપે આવી અને વેપારીઓને ગુનેગાર હોય તેવું વર્તન કરે છે. આ ઉપરાંત નાના વેપારીઓને પ્લાસ્ટિક અંગે તમામ નિયમો લાગુ કરાવતું તંત્ર મલ્ટિનેશનલ કંપનીઓ તેમજ દુધ અને દુધની બનાવ વહેચતી કંપનીઓની સામે કોઈ કાર્યવાહી કરતી નથી. પાંચ રૂપિયાનું વેફરનું પેકટ પણ પાતળા પ્લાસ્ટિકની કોથળીના પેકેટમાં મળે છે તેની સામે કોઈ કાર્યવાહી કરાતી નથી અને નાના વેપારીઓને જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમ જણાવી આગામી સમયમાં નક્કર કાર્યવાહી નહી થાય ત્યાં સુધી ભાવનગરના પ્લાસ્ટિકના વેપારીઓ દુકાનો બંધ રાખશે તેમ જણાવેલ આજે તમામ વેપારીઓ એકઠા થઈ અને આગામી કાર્યક્રમ અંગે નિર્ણય કરવાના હોવાનું પણ જાણવા મળેલ છે.