ભાવનગરમાં ત્રણ માસ પૂર્વે જ પ્રભુતામાં પગલાં પાડનાર યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

123

મૃતક યુવાન ભાવનગરમાં હોસ્ટેલમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આંકોલાળી ગામનાં યુવાને શહેરના વિક્ટોરિયા પાર્ક પાછળ એક ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતાં ચકચાર મચી છે. મૃતક યુવક ત્રણ મહિના પહેલા જ લગ્નગ્રંથિએ જોડાયો હોવાનું જાણવા મળ્યું છે. શહેરના વિક્ટોરિયા પાર્ક પાછળ કાળીયાબિડ વિસ્તારમાં માધવાનંદ આશ્રમ પાસે એક ઝાડ પર યુવાનનો મૃતદેહ લટકતો જોવા મળતાં લોકોએ એ ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લાશને નીચે ઉતારી તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક પાલીતાણા તાલુકાના આંકોલાળી ગામનો ઈન્દ્રજીત હિંમતભાઈ ખસીયા ઉ.વ27 વાળો હાલ ટોપ-થ્રી સિનેમા સામે આવેલ હોસ્ટેલમાં રહી અભ્યાસ સાથે સરકારી નોકરી માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા ઓની તૈયારી કરતો હોવાનું અને ગત તા.30.1 ના રોજ સાંજે મિત્રો સાથે બાઈક લઈને નિકળ્યા બાદ ગુમ થયો હોવાનું ખુલવા પામ્યું હતું. મૃતક યુવાન ભાઈ- બહેનમા સૌથી નાનો હોવાનું જાણવા મળ્યું છે આશાસ્પદ યુવાને એકાએક આવું અજુગતું પગલું કેમ ભર્યું એ અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ મૃતકના પરિજનો સાથે વાતચીત દરમ્યાન એવું જણાવ્યું હતું કે મૃતકના હજું ત્રણ માસ પૂર્વે જ પાલીતાણા તાલુકાના હાથસણી ગામે લગ્ન થયા હતા અને મૃતકની પત્નીને પિયરીયાઓ રિવાજ મુજબ પિયરમાં તેડી લાવ્યાં છે. છેલ્લા થોડા દિવસોથી મૃતકને તેની પત્ની સાથે મનદુઃખ ચાલી રહ્યું હોય જેથી વ્યથિત ઈન્દ્રજીતે આવેશમાં આ અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે. આ અંગે એ-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

Previous articleભાવનગરમાં પ્લાસ્ટિક એસોસિએશનનું બંધનું એલાન, તંત્ર દ્વારા વેપારીઓની હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ
Next articleન્યાયની માગ સાથે પાલીતાણા-ગારિયાધારમાં રેલી યોજાઈ, ખુંટવડા સજ્જડ બંધ રહ્યું