આસપાસના ગામના સરપંચો અને અલંગ પી.આઇ. ડામોરે ઉપસ્થિત રહી કામગીરીને બિરદાવી
અલંગ અને આસપાસના ગામડાના લોકોને સરળતાથી લોહી મળી રહે તે માટે ઉત્તમ એન. ભુતા- રેડક્રોસ બ્લડ બેંક દ્વારા અલંગ રેડક્રોસ પ્રાયમરી હોસ્પિટલ, પ્લોટ નંબર-૯ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવમાં આવેલ, આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા અલંગના તમામ પ્લોટ હોલ્ડર્સ અને શિપ રિસાયકલિંગ એસોસિએશનનો અને આસપાસના ગામના સરપંચોનો ખુબજ સારો એવો સહકાર મળ્યો હતો, ૯૯ રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી આ માનવતાના કાર્યમાં આહુતિ આપી હતી. આ કેમ્પમાં ભાવનગર અલંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડામોર, અલંગના પ્લોટ હોલ્ડરઓ, મેનેજરો, સેફટી ઓફિસરો, અલંગના સરપંચ ઘનશ્યામસિંહ, માથાવડા સરપંચ ઘુસાભાઇ સોલંકી, ભારાપરાના સરપંચ દિનેશભાઇ સોલંકી, રેડક્રોસ સોસાયટીના હોદેદાર સુમિતભાઈ ઠક્કર, વર્ષાબેન લાલાણી, રોહિતભાઈ ભંડેરી, ડો.કાર્તિકભાઈ દવે, ડો.દીપકભાઈ જોશી, ડો.કશ્યપ અધ્વર્યુ, ડો.અગ્રાવત અને હોસ્પિટલની સમગ્ર ટિમ ઉપસ્થિત રહેલ અને રક્તદાતાઓને શુભકામના પાઠવેલ. અલંગ અને આસપાસના વિસ્તારમાં રેડક્રોસ ૧૯૮૩થી વિનામૂલ્યે સેવાઓ આપી રહેલ છે જેમાં રક્તદાન કેમ્પના માધ્યમથી જરૂરિયાતના સમયમાં રક્ત ઉપલબ્ધ થઈ શકે તેવા સંકલ્પ સાથે સેવાઓનો વ્યાપ વધારવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.