પોણા ત્રણ માસ સુધી દંપતીએ પદયાત્રા કરી
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા વિપ્ર દંપતીએ ત્રણ હજાર કિલોમીટરની નર્મદા કિનારે પદયાત્રા કરી હતી. આ વિપ્ર દંપતી પદયાત્રા પૂર્ણ કરી આજે ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં પરિવારજનો અને વિસ્તારના રહીશો દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે તેમનું સ્વાગત કર્યું હતું.
શહેરના કાળિયાબીડ હરિઓમનગરમાં રહેતા મહેશ બાબુભાઇ ત્રિવેદી અને તેમના પત્ની ક્રિષ્નાબેન બંનેએ કારતક સુદ અગિયારસ તુલસી વિવાહના દિવસથી બાર જ્યોતિર્લિંગ પૈકીના ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી નર્મદા કિનારે પદયાત્રા કરવાનો પ્રારંભ કર્યો હતો. પોણા ત્રણ માસ સુધી સતત પદયાત્રા કરી ત્રણ હજાર કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી આજે પહેલી ફેબ્રુઆરીના રોજ તેઓ ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં કાળીયાબીડ ખાતે તેમના પરિવારજનો તથા શુભેચ્છકો અને વિસ્તારના રહીશો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મહાપાલિકા વોટર વર્કસ કમિટિના ચેરમેન પરેશ પંડ્યા, સુરેશ ત્રિવેદી, અશ્વિન ત્રિવેદી, કથાકાર મહેશ પાઠક, એડવોકેટ પંકજ પાઠક, અરવિંદ દવે, નીરજ ભટ્ટ સહિત જોડાયા હતા.