ભાવનગર જૈન સંઘમાં 6ઠી ફેબ્રુઆરીના રોજ મુમુક્ષુ વંશ તથા ભવ્યનો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે

120

લગભગ 25 વર્ષ બાદ આટલી નાની ઉંમરે કોઈ બાળકો દીક્ષા ગ્રહણનો અવસર આવ્યો. વંશ પારેખ ઉ.મ.11 વર્ષ જ્યારે ભવ્ય શાહ ઉ.મ.12 વર્ષ છે
જૈન ધર્મમાં તપશ્ચર્યા કરવી અને પુણ્યનું ભાથું બાંધવું તે એક અધરી વાત છે અને તેમાં પણ સંસારનો ત્યાગ કરી પ્રભુને પામવા સંયમના માર્ગે જવું એ તેનાથી પણ વધુ કઠિન હોય છે. ત્યારે ભાવનગરના બે કલ્યાણમિત્રો ભવ્ય અને વંશ આગામી 6 ફેબ્રુઆરીએ માતા-પિતા અને સગા સંબંધીઓનો ત્યાગ કરી પ્રભુને પામવા દીક્ષા અંગીકાર કરવાના છે. જેવા લીધે તેમના પરિવારમા જ નહીં, પરંતુ ભાવનગર જૈન સમાજ માટે આ ગૌરવની ઘડી એટલા માટે છે કે ભાવનગર જૈન સંઘમા લગભગ 25 વર્ષ બાદ આટલી નાની ઉંમરે કોઈ બાળકો દીક્ષા લેતા હોય તેવો અવસર આવ્યો છે. જૈનોની નગરી આમ તો પાલીતાણા છે અને તેની સુવાસ માત્ર ભાવનગર કે ગુજરાત નહીં પુરા દેશ-વિદેશમાં પણ ફેલાયેલી છે. અહિંસાની આ નગરીમા કરોડો મુનિઓ મોક્ષને પામ્યા છે. ત્યારે ભાવનગરમાં તો ધર્મ લાભ થાય તેમાં કોઈ શંકાને સ્થાન જ નથી. ભાવનગરના જૈન સમાજમાં 25 વર્ષ બાદ એવી ઘટના બનવા જઈ રહી છે. ભાવનગરના કળાનાળા વિસ્તારમા રહેતા બે જૈન પરિવારના કિશોરો ભવ્ય અને વંશ આગામી 6 તારીખે શાશન સમ્રાટ આચાર્ય વિજયનેમી સુરીશ્વરજી મહારાજ સાહેબનાં સમુદાયનાં સમુદાય નાયક આચાર્ય પ્રવર વિજયહેમચંદ્રસુરીશ્વરજી, વિજયવિમલકીર્તીસુરીજી તથા શાશન સમ્રાટ સમુદાયનાં શ્રમણી ભગવંતોની નીશ્રામાં આ બંને દીક્ષા અંગીકાર કરશે. આ બન્ને કિશોરો હજુ તો રમવા અને મસ્તી કરવા અને અભ્યાસ કરવાની ઉંમર ધરાવે છે. પરંતુ હવે તેમનું મન મક્કમ કરી પ્રભુ ભક્તિમાં રંગાઈ જવાના છે આ પરિવારોમાં આનંદનો કોઈ પાર નથી રહ્યો. કારણ આ બન્ને કિશોરો દીક્ષા લઈ ને મુનિ મહારાજ બની જશે અને તેમના કુળ નું નામ રોશન કરવાના છે. બંને કલ્યાણમિત્રોની માતાઓ નાનપણથી જ પોતાના બાળકોને ધર્મ અંગેનું જ્ઞાન આપતી જેથી તેઓ મોટા થઇ ભાવનગર કે કુટુંબ જ નહી પરંતુ સમાજ ક્લ્યાણ માટે કઈક કરે તેવી ભાવના હતી. આ પરિવારોમાં 5 દિવસીય મહોત્સવ ઉજવાશે અને હાલ તડામાર તૈયારીઓ પરિવારમાં ચાલી રહી છે. બન્ને બાળકો નાનપણથી જ જૈન ધર્મમા રુચિ ધરવતા હતા. અનેક તપશ્ચર્યા પણ કરી ચુક્યા છે. જૈન ધર્મના અનેક પુસ્તકોનું પણ તેઓ વાંચન કરી ગુણ મેળવી ચુક્યા છે. જૈન ધર્મમાં દીક્ષા અગાઉ ભક્તિ અને રાત્રી કાર્યક્રમો તેમજ વર્ષીદાનની શોભાયાત્રા અને ત્યારબાદ દીક્ષા પહેલાની વિધિઓ અને જૈન મહારાજ સાહેબના હસ્તે જ્યારે ઓઘો આપવામાં આવશે. ત્યારે આ બન્ને બાળકો સંસાર છોડયાનો આનંદ માણી ઝુમી ઉઠશે પરિવારોનું કહેવું છે કે અમારા બાળકો સંયમના માર્ગે જઇ રહ્યા છે. તેનો અમને અનેરો આનંદ છે. આ બન્ને બાળકો અગાઉ ઘર પરિવારથી દૂર રહી મહારાજ સાહેબ સાથે ઉપધાન તપમા ગયા હતા. ત્યારેથી જ દીક્ષા લેવનું નક્કી કર્યું હતું. હર્મિશકુમાર શાહ (ભવ્યનાં પિતા)જે કપડાનો ધંધો કરે છે અને તેમના હાથ નીચે જ્યારે 50 જેટલા કારીગરો કામ કરે છે. ત્યારે પોતાના બાળકને સમાજ કલ્યાણ માટે રાહ ચીંધે એ સરાહનીય બાબત છે. તે જ રીતે વંશનાં પિતા ટેકનોલોજી અને સોફ્ટવેર ડેવલપમેન્ટનાં સારું એવું તેમનું નામ છે. ટેકનોલોજીનાં યુગમાં ધર્મ સાથેનું જોડાણ માટે પોતાના બાળકોને સંસ્કાર આપવા એ મહત્વની બાબત છે. દીક્ષા સમારોહમાં પરિવારમાં તો ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે, પરંતુ પાડોશીઓ અને ભાવનગર જૈન સમાજ પણ બહુમાન કરવા જ્યારે ઉત્સુક છે. ત્યારે શુભેચ્છકોએ પણ આ પરિવારોને વધાવ્યા છે અને આગામી દીક્ષા સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બંને બાળકોને આશીર્વાદ પાઠવવામાં ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પાંચ દિવસ મહોત્સવમાં પ્રેમવર્ધક પ્રથમ દિવસ તા. 2નાં ગચ્છાધીપતિ આદી મુની ભગવંતોનું સામૈયુ-નવપદજીની પૂજા, બપોરે હિત શિક્ષા, દોષનાશક દ્વિતીય દિવસ તા. 3નાં સવારે ઉપાધ્યાયજી વિનયવિજયજી મહારાજ રચિત ચાર ભાવના, બપોરે વસ્ત્રોત્સવ, સાંજે કુમારપાળ રાજાની આરતી, તૃપ્તિકારક ત્રીજો દિવસ તા. 4નાં સવારે શકસ્તવ મહા અભિષેક, સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા બહુમાન સમારંભ, પુષ્ટીકારક ચતુર્થ દિવસ, શનિવાર તા. 5ના સવારે 8-30 કલાકે મુમુક્ષુઓનાં નિવાસ સ્થાનેથી દીક્ષાર્થીઓની વર્ષીદાન યાત્રા, બપોરે બેઠું વર્ષીદાન, સાંજે 6.30 કલાકે રુડા રાજમહેલથી વિદાય, તેજવર્ધક પંચમ દિવસ તા. 6નાં સવારે 6.30 કલાકે બંને મુમુક્ષુઓનો ગ્રહ ત્યાગ તથા સવારે 7.30 કલાકે દીક્ષા વિધિનો પ્રારંભ દાદાસાહેબમાં થશે. પાંચ દિવસના મહોત્સવમાં પધારવા શાહ પ્રવીણચંદ્ર ડાયાલાલ પરિવાર (પાલીતાણા) તથા પારેખ ભારતીબેન ભરતભાઈ પરિવારે પધારવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

Previous articleભાવનગરના વિપ્ર દંપતીએ ત્રણ હજાર કિ.મી નર્મદા કિનારાની પદયાત્રા પૂર્ણ કરી
Next articleઝાંસીની રાણી શ્રી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા.નં-49 રંગોળી મેકીંગ સ્પર્ધામાં ઝળકી.