જાન્યુઆરી માસમાં દૂધ, પાણી અને તેલના શહેર-જિલ્લામાંથી લેવાયેલા ૬૧૭ નમુના પાસ, એક પણમા ભેળસેળ ન મળી
ભાવનગર શહેર અને જિલ્લામાં ખાદ્ય પદાર્થ અને વિવિધ ચીજ વસ્તુઓમાં થતી ભેળસેળ રોકવા માટે સરકાર દ્વારા મહાનગર પાલિકાને ફુડ સેફટી લેબોરેટરી વાન ફાળવવામાં આવી છે જે શહેર અને જિલ્લામાં જે તે જગ્યાએ સ્થળ પર જઇ નમૂના લઇ ચેકિંગ કરે છે. જેમાં દૂધ, તેલ, પાણી સહિતના ૬૧૭ નમુનાઓ લેવાયા જે તમામ પાસ થઈ જવા પામ્યા છે અને એક પણ નમુનામા ગેર રીતી જોવા નથી મળી. તો શું ભાવનગર હવે ભેળસેળ મુક્ત થઈ ગયું છે? તેવી ચર્ચાઓ શહેરભરમાં જોરશોરથી ચાલી રહી છે.
સરકાર દ્વારા ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગને ફુડ સેફ્ટી લેબોરેટરી વાન ફાળવવામાં આવી છે જેમાં શહેર અને જિલ્લામાં વિવિધ જગ્યાએ જઇ અને વિવિધ પ્રોડક્ટ્સના નમૂનાઓ લઇ સ્થળ ઉપર જ ચેકિંગ કરવામાં આવે છે જેમાં જાન્યુઆરી માસમાં ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ ૬૧૭ નમૂના લેવામાં આવ્યા હતા તેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં દૂધના ૧૮૬, ખાદ્ય તેલના ૩, અને પાણીના ૩ નમૂના લેવામાં આવ્યા હતા આ ઉપરાંત જિલ્લામાં વિવિધ તાલુકાઓ અને ગામોમાં મળી દૂધના ૪૨૫ સેમ્પલો લઈ અને સ્થળ ઉપર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું આમ એક મહિનામાં કુલ ૬૧૭ સૅમ્પલો લેવામાં આવ્યા હતા જે તમામ પાસ થઈ ગયા હતા એક પણ સેમ્પલમાં ગેરરીતિ જોવા મળી ન હતી ભેળસેળને રોકવા તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાંથી એક મહિનામાં ૬૧૭ જેટલા નમૂના લેવાયા અને તે તમામ પાસ થઈ ગયા જે સામાન્ય રીતે માનવામાં ના આવે તેવી વાત છે. પરંતુ મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો.આર.કે. સિંહાએ સૌરાષ્ટ્ર આસપાસ સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે મહાપાલિકાને ફાળવવામાં આવેલ ફુડ સેફ્ટી લેબોરેટરી વાન હાલમાં દૂધ, પાણી સહિત લિક્વિડનું ટેસ્ટિંગ કરી શકે છે અને જાન્યુઆરીમાં લેવાયેલા તમામ નમૂનાઓ પાસ થઈ જવા પામ્યા છે આ ઉપરાંત તેમણે જણાવેલ કે મહાપાલિકા દ્વારા શહેરમાંથી ચીકી, બેકરી પ્રોડક્ટ, ભુંગળા સહિતના બાર નમુનાઓ લેવામાં આવ્યા છે આ ઉપરાંત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ચિત્રા સ્થિત ગોડાઉનમાંથી આઇસીડીએસ તથા રેશન શોપને સપ્લાય થતાં અનાજ, મીઠું વગેરેના સાત નમુના લેવાયા છે જે તમામ નમુના સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેના રિપોર્ટ આવ્યે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ આમ ભાવનગરમાં સરકારી આંકડા જોઈએ તો હવે ભેળસેળ સમાપ્ત થઈ ગયું છે.