બહુમતીના જોરે શૈક્ષણિક સંસ્થાઓનો વેરો ઘટાડવા મુદ્દે હોબાળો મચ્યો
ભાવનગર મહાપાલિકાની કચેરી ખાતે મેયર કિર્તીબેન દાણીધારીયા, કમિશનર મુકુલ ગાંધીના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળી હતી. જેમાં નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧થી ઉપયોગના પરિબળ તેમજ વિવિધ મુદ્દાઓ અંગે સમિક્ષા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં શહેરમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓના ઘરવેરામાં ઘટાડો કરવાનો મુખ્ય પ્રશ્નને લઇને મામલો ગરમા-ગરમી સુધી પહોંચ્યો હતો. ભાવનગર શહેરમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓના મિલ્કત વેરામાં ઉપયોગના પરિબળોમાં ફેરફાર કરીને ૫૦ ટકા જેવો ઘટાડો કરવાની હિમાયત શાસક પક્ષ દ્વારા કરવામાં આવતા વિપક્ષો દ્વારા આ બાબતનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ભાજપ-કોંગ્રેસના સભ્યો સામ સામે આવી ગયા હતા અને ચર્ચા ચાલી હતી કે, શૈક્ષણિક સંસ્થાઓનો જે ભુરાંક રૂપિયા ૦.૭૫ પૈસા હતો તે સીધો જ ૩ રૂપિયા કરી નાખ્યો હતો. જેમાં ૧.૭૫ કરવાની દરખાસ્ત મુકી હતી પરંતુ વિરોધ પક્ષના નેતા ભરતભાઇ બુધેલીયાએ શૈક્ષણિક સંસ્થાઓ સાથે એન.યુ-૨માં સમાવિષ્ટ તમામ સંલગ્ન મિલ્કતોના સંબંધમાં તમામ વેપારીઓ અને ધંધાર્થીઓની મિલ્કત પણ એન.યુ.-૭ એટલે કે રૂા.૧.૫૦ કરવાનું વધારાનું કાર્ય મુક્યું હતું. ચાર-પાંચ મોટી શાળાઓને લાભ કરાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓના મિલ્કત દરમાં ઘટાડો કર્યો હોવાનો આક્ષેપ પણ વિપક્ષે કર્યો હતો. વધુમાં ચર્ચા ચાલી હતી કે, શૈક્ષણિક સંસ્થાઓ વિનામૂલ્યે એજ્યુકેશન નથી આપતી, વાલીઓ પાસેથી લાખ્ખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે છતાં તેનો વેરો ઘટાડવો એ કઇ હદે ઉચ્ચીત ગણાય ? કોરોના કાળમાં નાના અને મધ્યમ કદના વેપારીઓના ધંધા-રોજગારો ઠપ્પ થઇ ગયા છે જેની શાસક પક્ષે આજ સુધી નોંધ લીધી નથી કે વેરા દરમાં તેઓને રાહત આપવાની કોઇ વાત શુદ્ધા ઉચ્ચારી કે વિચારી પણ નથી તેમ જણાવી વિપક્ષી નેતાએ ભારે રોષ ઠાલવ્યો હતો. આમ છતાં બહુમતીના જોરે શાસક પક્ષે શૈક્ષણિક સંસ્થાઓનો વેરા દર ૩ રૂપિયામાંથી ઘટાડીને દોઢ રૂપિયો કરવાની કાર્યસૂચિને બહાલી આપી હતી. સાથોસાથ શૈક્ષણિક સંસ્થાઓમાં બાળ મંદિરનો ઉલ્લેખ નહીં થતાં મિલ્કત વેરામાં તેને પણ રાહત આપવા કોંગી સભ્યોની માંગને ભાજપના શાસક સભ્યોએ મંજુર કરી હતી ! તેમજ બીજા મુદ્દામાં ચિત્રા જીઆઇડીસી ઔદ્યોગિક એકમમાંથી છોડવામાં આવતા દુષિત પાણી સ્વચ્છતા સ્ટાર રેટીંગ ચિત્રા નારી રોડમાં સફાઇ નહીં થતી હોવાનો અને પ્લાસ્ટીકના કારખાનાને રહેણાંકી વેરો વસૂલવા, મોબાઇલ ટાવરના ભાડા વસૂલવા સહિતના પ્રશ્નો ચર્ચામાં રહ્યા હતાં. સાધારણ સભાની ચર્ચામાં વિપક્ષી નેતા ભરતભાઇ બુધેલીયા, પૂર્વ વિપક્ષી નેતા જયદિપસિંહ ગોહિલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, પંકજસિંહ ગોહિલ, કુલદિપ પંડ્યા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, કાંતિભાઇ ગોહિલ, જીતુ સોલંકી, વર્ષાબા પરમાર સહિતના કોર્પોરેટરો પ્રશ્નોના થોકબંધ જથ્થા સાથે આવ્યા હતાં. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા રૂપિયા ૧૨ લાખનો જંગી ખર્ચ કરવા છતાં મિલ્કત વેરા અંગેના બીલો સમયસર અને ઘણાખરા કિસ્સાઓમાં આસામીઓ સુધી પહોંચતા જ ન હોવાની ફરિયાદ પણ ખુદ ભાજપના નગરસેવીકાએ કરી હતી. દર સભાની જેમ આ વખતની સભામાં પણ પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદિપસિંહ ગોહિલે માર્મીક અને રમુજી વાક્યો થકી સભાનું વાતાવરણ હળવું કરવા પ્રયત્ન કર્યો હતો તેમજ દર વર્ષે વ્યાજમાફી અને માંડવાળની યોજના બહાર પડે છે જે અંતર્ગત આ સભામાં વર્ષ ૨૦૦૯-૧૦ પહેલા જુની કર પદ્ધતિના બાકી વેરા માટે એકસાથે ચાર વર્ષનો વેરો ભરપાઇ કરે તેની બાકી રકમ માંડવાળ કરી વ્યાજમાં રિબેટ યોજના મંજુર કરી હતી. આ ઉપરાંત અનેક કોર્પોરેટરો રોડ-રસ્તા, ડ્રેનેજ તેમજ સાફ-સફાઇને લગતા પ્રશ્નોને લઇને આવ્યા હતાં પરંતુ આ નગરસેવકોની રજૂઆત કરવાની ઇચ્છા મનની મનમાં જ રહી ગઇ હોવાનું જાણવા મળ્યું છે.