૨૨-૨૩ના બજેટમાં ઈન્ફ્રાસ્ટકચર પર જોર

320

નાણાંપ્રધાને ટેક્સ સ્લેબમાં ફેરફારની લોકોની અપેક્ષા ન સંતોષી :LICનો આઈપીઓ લાવવાની પણ આખરી તૈયારી કરી લેવાઈ, રિઝર્વ બેંક દ્વારા ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરાઈ
નવી દિલ્હી, તા.૧
દેશનું વર્ષ ૨૦૨૨-૨૩નું સામાન્ય બજેટ આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરી દેવાયું છે. જેમાં ૪૦૦ નવી વંદે ભારત ટ્રેનો શરુ કરવા ઉપરાંત, ૨૫,૦૦૦ કિમીના હાઈવે બનાવવાની તેમજ રિઝર્વ બેંક દ્વારા ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. એજ્યુકેશન ક્ષેત્રે પણ હવે સરકાર ડિજિટલ બનવા માગે છે, જેના ભાગરુપે ડિજિટલ યુનિ. તેમજ સ્કૂલના શિક્ષણ માટે વન ક્લાસ-વન ચેનલ શરુ થશે. સરકારે ગામડાં અને ખેડૂતો માટે પણ મહત્વની જાહેરાત કરી છે. શહેરોને વધુ સારા બનાવવા પ્રયાસો શરુ કર્યા છે, અને એર ઈન્ડિયાના વેચાણ બાદ એલઆઈસીનો આઈપીઓ લાવવાની પણ આખરી તૈયારી કરી લીધી છે. જોકે, બીજી તરફ બજેટમાં પગારદાર વર્ગને રાહત થાય તેવી એકેય જાહેરાત નથી કરાઈ. બહુચર્ચિત ક્રિપ્ટોકરન્સીમાં તો સરકારે એવું સ્ટેન્ડ લીધું છે કે ’ખોટ ટ્રેડરની અને નફામાં સરકારનો ૩૦ ટકા ભાગ’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હોમ લોન કે પછી ૮૦ઝ્ર હેઠળ પગાદાર વર્ગને મળતી રાહતોમાં પણ કોઈ વધારો નથી કરાયો. નાણાંમંત્રીએ આજે પોતાની સમગ્ર બજેટ સ્પીચમાં ઈનકમ ટેક્સ શબ્દનો ઉલ્લેખ સુદ્ધા નથી કર્યો. જેના કારણે પગારદાર વર્ગને નિરાશા સાંપડી છે. બીજી તરફ, સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સ્કીમમાં છૂટનો વ્યાપ ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરવામાં આવ્યો છે. રિટર્ન ભરવામાં કોઈ ભૂલ થાય તો તેને સુધારવા માટે પણ બે વર્ષનો સમય આપવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. કસ્ટમ ડ્યૂટીના દરોમાં કરવામાં આવેલા ફેરફારને કારણે લેધરની આઈટમ્સ, કપડાં, મોબાઈલ ચાર્જર સસ્તા થશે. આ ઉપરાંત, ખેતીનો સામાન અને પોલિશ્ડ ડાયમંડ તેમજ જેમ્સ પણ સસ્તાં થશે. અત્યારસુધી ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગમાં થતી કમાણી પર અધર ઈનકમ સોર્સ ગણીને ટેક્સ વસૂલાતો હતો. જોકે, હવે તેમાં થતાં નફા પર ૩૦ ટકા જેટલો તગડો ટેક્સ ભરવો પડશે. એટલું જ નહીં, ક્રિપ્ટોના ટ્રેડિંગમાં કોઈ લોસ થાય તો તે પણ નફામાંથી બાકાત નહીં મળે. મતલબ કે લોસ ટ્રેડરનો પોતાનો રહેશે, અને નફામાંથી સરકાર ૩૦ ટકા ટેક્સ લઈ જશે. આ સિવાય રિઝર્વ બેંક આગામી વર્ષે ડિજિટલ કરન્સી શરુ કરશે તેવું પણ આજે નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. કોર્પોરેટ ટેક્સને ૧૮ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે. તેના પર લાગતો સરચાર્જ પણ ૧૨ ટકાથી ઘટાડીને ૭ ટકા કરી દેવાયો છે. કંપનીઓ માટે સ્વેચ્છાએ કારોબારમાંથી બહાર થવા માટેની સમયસીમા બે વર્ષથી ઘટાડીને છ મહિના કરી દેવામાં આવશે. ડિફેન્સ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવા માટે બજેટમાં ખાસ ભાર મૂકાયો છે. તેના માટે ખાનગી ઉદ્યોગો, સ્ટાર્ટ-અપનો સહયોગ લેવાશે. પ્રાઈવેટ સેક્ટરને મિલિટરી પ્લેટફોર્મ્સની ડિઝાઈન તૈયાર કરવા તેમજ વિવિધ પ્રોડક્ટ્‌સ વિકસાવવા પ્રોત્સાહન આપવામાં આવશે. ટેસ્ટિંગ અને સર્ટિફિકેટના કામકાજ માટે સ્વતંત્ર બોડીની રચના કરવામાં આવશે. દેશના ૭૫ જિલ્લામાં ૭૫ ડિજિટલ બેન્કની સ્થાપના કરવામાં આવશે. તે જ રીતે આગામી નાણાકીય વર્ષથી ચિપ આધારિત ઈ-પાસપોર્ટ પણ ઈશ્યૂ કરવામાં આવશે. બજેટ રજૂ કરતાં સીતારમણે કહ્યું હતું કે રેલવે નાના ખેડૂતો, સ્જીસ્ઈ માટે નવી સેવા શરુ કરશે. આ ઉપરાંત, હાલ દિલ્હી-વારાણસી વચ્ચે દોડી રહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત જેવી નવી ૪૦૦ ટ્રેન આગામી ત્રણ વર્ષમાં શરુ કરવામાં આવશે. આગામી નાણાકીય વર્ષમાં દેશમાં હાઈવેના નેટવર્કમાં પણ ૨૫ હજાર કિમીનો વધારો થશે તેમ તેમણે સંસદમાં જણાવ્યું હતું. દેશમાં હવે ૫જી સર્વિસ માટે વધુ સમય રાહ નહીં જોવી પડે. ખાનગી કંપનીઓ માટે ૨૦૨૨-૨૩માં ૫ય્ સ્પેક્ટ્રમ માટે હરાજી શરુ કરી દેવામાં આવશે. આ ઉપરાંત નાણાંમંત્રીએ બજેટમાં ડિજિટલ યુનિ. બનાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. જેનું નિર્માણ હબ અને સ્પોક મોડેલ પર કરવામાં આવશે. કોરોનાકાળમાં બાળકોનો અભ્યાસ બગડ્યો હોવાથી સરકાર ધોરણ ૧થી ૧૨ના વિદ્યાર્થીઓને પૂરક શિક્ષણ પૂરું પાડવા માટે વન ક્લાસ-વન ટીવી ચેનલ શરુ કરશે. આજના બજેટમાં પૂર્વોત્તર ભારતમાં વિકાસને પ્રોત્સાહન આપવા માટે પીએમ વિકાસ પહેલ નામની નવી યોજનાની જાહેરાત કરાઈ છે. જેના હેઠળ દેશની ઉત્તરી સીમા પર સ્થિત ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કાર્યો કરવામાં આવશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleત્રણ વર્ષમાં ૪૦૦ નવી વંદેભારત ટ્રેન તૈયાર કરાશે