કલેક્ટર કચેરી બહાર ધરણાં સાથે રસ્તા પર સુઈ ચક્કાજામ કરવા જતાં કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી
ભાવનગરમાં પેગાસેસ જાસૂસી કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. તાજેતરમાં સોશ્યિલ મીડિયા પર એક સોફ્ટવેરના માધ્યમથી દેશના અનેક કોંગ્રેસી નેતાઓની જાસૂસી કરવામાં આવી રહી હોવાનો ધડાકો થયો હતો. આ બાબતનો સંસદમાં જોરશોરથી વિરોધ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે ભાવનગર શહેર યુથ કોંગ્રેસ દ્વારા ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. જે બાદ રોડ પર કાર્યકરો સુઈ ચક્કાજામ કરવા જતાં એ-ડીવીઝન પોલીસે 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. દેશના અલગ અલગ રાજ્યોમાં “પેગાસેસ” મુદ્દે વિરોધનો વંટોળ ઉડ્યો છે અને વર્તમાન સમયે દિલ્હી સ્થિત સંસદ સત્રમા પણ પેગાસેસ માધ્યમથી કરાતી જાસૂસી મુદ્દે જવાબદારો સામે કાયદાકીય પગલાં લેવાની કોંગીઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર શહેર યુથ કોંગ્રેસ દ્વારા પેગાસેસ જાસૂસી કાંડમાં સંડોવાયેલા વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણાં સાથે રોડરોકો આંદોલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધરણાં પર બેઠેલા યુથ કોંગ્રેસના પ્રમુખ, કાર્યકરો, આગેવાનો સહિતના 20 જેટલા સભ્યોની એ-ડીવીઝન પોલીસે અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.