હંગામી ધોરણે શરૂ કરાયેલી યાર્ડમાં ફક્ત ડુંગળનું જ વેંચાણ થશે
ભાવનગર શહેરના પ્રવેશદ્વાર ગણાતા નારીચોકડી સામે આવેલી સરકારી પડતર જગ્યાનો ઉપયોગ દરવર્ષે ડુંગળીની સીઝન દરમિયાન હંગામી યાર્ડ તરીકે કરવામાં આવે છે. ત્યારે આ સ્થળે 1 ફેબ્રુઆરીથી હંગામી યાર્ડનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેમાં મંગળવારે સાંજથી વહેલી સવાર દરમિયાન મોટા પ્રમાણમાં ડુંગળીનો જથ્થો ખેડૂતોએ વેચાણ માટે ઠાલવ્યો છે. પ્રતિવર્ષ જાન્યુઆરી માસનાં અંતથી માર્ચ માસના અંતિમ પખવાડિયા દરમિયાન ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાથી ડુંગળીનો મોટો જથ્થો વેચાણ માટે આવે છે. પરીણામે ચિત્રા સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પન્ન બજાર-મુખ્ય માર્કેટિંગ યાર્ડની જગ્યા ડુંગળી ઉતારવા માટે ઓછી પડે છે. જેને પગલે માર્કેટિંગ યાર્ડ સત્તાવાળ દ્વારા યાર્ડ સામે આવેલા સ્વામિનારાયણ મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં તથા નારીચોકડી સામે આવેલી પડતર જગ્યાનો ઉપયોગ ડુંગળીનો જથ્થો ઉતારવા માટે કરવામાં આવે છે. ગત તા.1 ફેબ્રુઆરીના રોજ નારી ચોકડી સામે ખુલ્લી જગ્યામાં હંગામી ધોરણે માર્કેટિંગ યાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. જયાં માત્ર ડુંગળીનો જથ્થો ઉતારવામાં આવશે અને વેચાણ-હરરાજી પણ અહીં જ યોજાશે. ગત તા.1 ના રોજ ઢળતી સાંજે ડુંગળીની આવક શરૂ થઈ હતી અને વહેલી સવાર સુધી આવક અકબંધ રહી હતી.