કોરોના કાળમાં આત્મનિર્ભર શાળાઓએ પુરેપુરી ફી વસુલી છે તો તેમને વેરામાં રાહત શા માટે? : પ્રકાશ વાઘાણી

99

ભાવનગર મહાનગરપાલિકાએ શાળાઓને ઘરવેરામાં રાહત આપી જ્યારે ગરીબ લોકોને રાહત ન આપતા કોંગ્રેસનો વિરોધ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વર્તમાન કોરોનાની મહામારીમાં ઘરવેરામા લોકોને કોઈ રાહત આપવામાં આવી નથી. જેને લઈ શહેર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે મેયર-કમિશ્નર ને આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસ દ્વારા લોકોને ઘરવેરામાં રાહત આપવા માંગ કરી છે. આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી શહેરીજનો કોરોનાની મહામારી સામે જજૂમી રહ્યાં છે. લાંબા સમય સુધી લોકડાઉન ચાલ્યુ હતું. જેમાં અનેક નાના અને ગરીબ લોકો-પરીવારો ધંધા રોજગાર વિહોણા રહ્યાં હતા. ત્યારે હાલમાં પણ મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે આવાં વિકટ સમયમાં લોકોને ઘરવેરામા રાહત તથા રીબેટ યોજનાનો મહત્તમ લાભ આપવાનાં બદલે શહેરની સેલ્ફ ફાયનાન્સ શાળાઓને ઘરવેરામાં 50 ટકાની રાહત આપી છે.

વધુમાં જણાવ્યું કે, કોરોના કાળમાં ઓફલાઈન શિક્ષણ બંધ હોવા છતાં શાળાઓએ વાલીઓ પાસેથી ફી પુરેપુરી વસુલી હતી તેમ છતાં વેરામા માફી શા માટે…?! હકીકતે રાહત શહેરના ગરીબ વર્ગના લોકોને આપવી જોઈએ. આ માંગ સાથે શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિતના સભ્યો હોદ્દેદારો ઢોલ-શરણાઈ સાથે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને મેયર-કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ઘરવેરામા રાહત આપવાની માંગ કરી હતી. આ અંગે વિપક્ષ નેતા ભરત બુધેલીયાએ જણાવ્યું હતું કે, 130 કરોડનો વેરા બાકી છે, તેની ઉધરાણી કરી શકતા નથી, જ્યારે અમારો વિરોધ તો શૈક્ષણિક સંકુલો જે લાખો રૂપિયા ફ્રી લે છે એનો વેરો 50 ટકા કરી નાખ્યો, અમારી માંગણીતો એટલી છે કે જે તે નાના-મધ્યમ વેપારીઓ આવતા હોય તેનો પણ વેરો માફ કરવો જોઈએ.

Previous articleભાવનગરમાં મુખ્ય માર્કેટયાર્ડમાં જગ્યાનાં અભાવે નારી ચોકડી સામે હંગામી ધોરણે યાર્ડ શરૂ કરાઈ, ડુંગળીનો મોટા પ્રમાણમાં જથ્થો ઉતારાયો
Next articleબજેટમાં અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગને ભાગે માત્ર નિરાશા