આયાતી સ્ક્રેપની માફક સ્ક્રેપ માટે આવતા જહાજો પરની ડ્યૂટી હટાવવાની માંગ નહિ સંતોષાતા શિપબ્રેકીંગ ઉદ્યોગને કોઈ ફાયદો નહિ
મંગળવારે દેશના રજૂ થયેલા સામાન્ય બજેટમાં ભાવનગર જિલ્લામાં ધમધમતા અને એશિયાના સૌથી મોટો શિપબ્રેકિંગ ઉદ્યોગ એવી અલંગ ઇન્ડસ્ટ્રીઝને દેખીતો કોઈ જ ફાયદો કે લાભ થયો નથી, બે વર્ષથી શિપબ્રેકરો દ્વારા સ્ક્રેપ માટે આવતા જહાજો પરની કસ્ટમ ડ્યુટી આયાતી સ્ક્રેપની માફક ૦% કરવા થતી માંગને પણ નજરઅંદાજ કરી દેવાઈ છે. આથી અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગ કે તેને આનુસંગિક અન્ય ઉદ્યોગ માટે ફાયદાકારક નહીં હોવાનો સુર ઉઠયો છે. કેન્દ્રનાં નાણામંત્રી નિર્મલા સિતારમણે રજુ કરેલા વર્ષ ૨૦૨૨-૨૩નાં કેન્દ્રીય બજેટમાં એશિયાના સૌથી મોટા ગણાતા અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ કે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના વિકાસને ગતિ મળે તેવી કોઈ બાબત રજૂ કરવામાં નહિ આવતા અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગને નિરાશા સાંપડી હતી. આયાતી સ્ક્રેપની ડ્યુટી હટાવવામાં આવી છે તેવી જ રીતે સ્ક્રેપ માટે આવતા જહાજો પરની ડ્યૂટી હટાવવાની માગણી કરી હતી. તેમાં કોઇ ફેરફાર થયો નથી, આથી બજેટની કોઈ જ અસર શિપ બ્રેકિંગ વ્યવસાયને પડી નથી.
શિપ રિસાયકલિંગ એસો.ઓફ ઇન્ડિયા (અલંગ)ના સેક્રેટરી હરેશ પરમારે બજેટ અંગે પ્રતિભાવમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી જહાજો પર વસુલાતી ૨.૫૦ % કસ્ટમ ડ્યુટી સ્ક્રેપની માફક ૦% કરવા ઇન્ડસ્ટ્રીઝ માંગ કરી રહી છે, તે સંતોષાઈ નથી. આથી ફરી એક વખત નિરાશા સાંપડી છે. પૂર્વ સેક્રેટરી નીતિન કાણકીયાએ પણ આયાતી સ્ક્રેપની માફક સ્ક્રેપ માટે આવતા જહાજો પર વસુલાતી ૨.૫૦% કસ્ટમ ડ્યુટી આ બજેટમાં માફ થવાની આશા હતી તેમ જણાવી અલંગ ઉદ્યોગને નજર અંદાઝ કરી દેવાયો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લા માટે આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગ સરકારને કરોડો અબજો રૂપિયા રળી આપે છે, ઉપરાંત અનેક રોજગારીની તકો પણ પુરી પાડી છે. બીજી બાજુ સરકારે આયાત કરાતા સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટી ફ્રી કરી દીધી છે જયારે અલંગમાં ભાંગવા આવતા જહાજોને સ્ક્રેપની વ્યાખ્યામાં નહિ ગણી ૨.૫૦% કસ્ટમ ડ્યુટી વસુલવાનું શરૂ રાખતા આર્થિક ફટકા સાથે ઉદ્યોગ માટે પડકારરૂપ બાબત પણ બની છે.