વનવિભાગે દિપડાનો મૃતદેહ કબ્જે કરી તપાસનો ધમધમાટ આદર્યો
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામે એક દિપડાનો મૃતદેહ મળી આવતાં વનવિભાગે મૃતદેહ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. ભાવનગર જિલ્લામાં પાલીતાણા જેસર તળાજા અને મહુવા તાલુકાને સ્પર્શીને બૃહદગિરનો આરક્ષિત એરીયો આવેલો છે મિની ગિર તરીકે પ્રખ્યાત આ વિસ્તારમાં સાવજ દિપડા સહિતના રાની પશુઓ મુક્ત પણે વિચરણ કરે છે પરંતુ આ વિડાલવંશી જીવ અવારનવાર પોતાની ટેરેટરી છોડી માનવ વસાહતોનો રૂખ કરે ત્યારે અલગ અલગ સમસ્યાઓ સાથે હિંસક પશુઓ અને માનવીઓ વચ્ચે ઘર્ષણ સર્જાય છે ત્યારે પાલીતાણા તાલુકાના જળપલ્લવિત એરીયા તરીકે પ્રખ્યાત અને નયનરમ્ય ડુંગરમાળ થી ઘેરાયેલ ગરાજીયા ગામે ઝળુંબ કુવા પાસે એક વાડીની વાડ નજીક એક પુખ્ત વય ના દિપડાનો દુર્ગંધ મારતો મૃતદેહ પડ્યો હોવાની જાણ ગ્રામજનોએ વનવિભાગને કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.