આપણા દેશમાં છ ઋતુઓ હોય છે જે પોતાના ક્રમમાં આવીને પોતાનો રંગ બતાવે છે પણ વસંત ઋતુનુ પોતાનુ જ વિશેષ મહત્વ છે. તેથી વસંત ઋતુઓનો રાજા કહેવાય છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી.
વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યોવન એ જીવનની વસંત છે. વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઊઠેલું ઉલ્લાસ.
વસંત ઋતુ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. પ્રકૃતિનું સૌથી રમણીય રૂપ જોવુ હોય તો વસંત પંચમીથી કુદરતને ધ્યાનથી નિહાળવી શરૂ કરો. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ, સૌંદર્યની લહાણ કરતી સૌને આકર્ષે છે.
વસંત પંચમી પર આપણા પાક, ઘઉં, ચણા, જવ વગેરે તૈયાર થઈ જાય છે. તેથી તેની ખુશીમાં આપણે વસંત પંચમીનો તહેવાર ઉજવીએ છીએ. સંધ્યા સમયે વસંતનો મેળો લાગે છે જેમા લોકો પરસ્પર એકબીજાના ગળે ભેટીને પરસ્પર સ્નેહ, મેળાપ અને આનંદનુ પ્રદર્શન કરે છે. વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પહેરવાની પ્રથા છે. જો કે આજે શહેરોમાંથી તે લુપ્ત થઈ ગઈ છે. ગામડાઓમાં જરૂર તેનો થોડો પ્રભાવ જોવા મળે છે. હા પણ વસંત પંચમીના દિવસે ગાજરનો હલવો, કેસરિયા ભાત કે કેસરિયા ખીર ખાઈને આજે પણ વસંત પંચમીનો ઉલ્લસ ઉમંગ પ્રગટ થાય છે. પરિવારમાં પ્રસન્નતાનુ વાતાવરણ બને છે. વૃક્ષ-વનસ્પતિમાં નવું ચેતન ઊભરાય છે, ડાળી ડાળીએ નવું જીવન રેડાય છે. લીલા પર્ણો ફૂટે છે, આમ્રવૃક્ષોનો ઉત્સાહ સમાતો નથી. વૃક્ષોમાં પણ જીવ છે. વિવિધ પુષ્પોની સુગંધથી વાતાવરણ છલકાય છે. વસંતઋતુના કામણ પણ અજબ હોય છે. રૂપ, રસ, રંગ, સુગંધ, પંચમસ્વર વગેરેની વસંત પંચમીના દિવસે રંગત જામે છે. ઉત્સવ-સમૈયાનું આયોજન કરવામાં આવે છે. ઋતુરાજ વસંતનો વિજય થાય છે. ભલભલા મુનિવર્યોને કે મુનિવરોને વસંતે પીગળાવી નાંખ્યાં છે.
વસંત પંચમી સરસ્વતી પુજનનું અનેરું મહત્વ
જ્ઞાનનાં અધિષ્ઠાત્રી મા સરસ્વતીનો જન્મ વસંતપંચમીના દિવસે થયો હોઇ આ દિવસે સરસ્વતી પૂજનનું અનેરું મહત્ત્વ છે. ગુજરાતમાં વસંતપંચમીએ સરસ્વતી પૂજાનું મહત્ત્વ છેલ્લાં કેટલાંક વર્ષોથી અનેક શિક્ષણ તેમજ ધાર્મિક સંસ્થાઓમાં વધવા લાગ્યું છે. વિદ્યાર્થીઓ સરસ્વતી દેવીની મૂર્તિ સ્થાપીને પોતાનાં પાઠ્યપુસ્તકો અને નોટબુકો તેમની આગળ મૂકીને પૂજા કરી આશીર્વાદ મેળવે છે. શિક્ષણ સંસ્થાઓમાં જ્ઞાનોત્સવ મનાવાય છે. સરસ્વતી દેવી વાણી, શબ્દ, વિચાર, કલા, સાહિત્ય, સંસ્કૃતિ સર્જનનાં દેવી છે. મૂંઝવણ અને મુશ્કેલીઓમાંથી માર્ગ સુઝાડનારાં દેવી છે, જ્ઞાન અને સમજણનાં અધિષ્ઠાત્રી છે. આજના સમયમાં સૌથી વધુ જરૂર હોય તો જ્ઞાન અને સમજણની.
મા સરસ્વતી સૃષ્ટિના સર્જનકર્તા બહ્માજીનાં પુત્રી છે. સૃષ્ટિસર્જન માટે જ્ઞાનની જરૂર રહે છે. મા સરસ્વતીના શરીરનો રંગ પીળો હોય છે. તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે. તેમના હાથમાં વીણા છે અને હંસના વાહન પર બિરાજમાન છે. તેમના ચારેય હાથ મન, બુદ્ધિ, સંશોધન અને ગરિમાના દ્યોતક છે. તેમની પાછળ ઊભો રહેતો મો૨ સૌંદર્યનું પ્રતીક છે. વિદ્યાર્થીઓ, જ્ઞાનપિપાસુઓ, સંશોધકો, વૈજ્ઞાનિકો, ચિંતકો મા સરસ્વતીની આરાધના કરે છે. નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓને લખવા-વાંચવાનું વસંતપંચમીથી શીખવવામાં આવે છે. જ્ઞાનકર્મ પહેલાં મા સરસ્વ પૂજા-આરાધના વંદના કરવાની આપણે ત્યાં પરંપરા છે. જ્ઞાનપ્રાપ્તિ માટે અને સમજણ કેળવવા માટે મા સરસ્વતીનાં ચરણ પૂજવાં પડે છે. તેની કૃપા વિના જ્ઞાન સંભવિત નથી. મનુષ્યમાં સત્બુદ્ધિ રૂપે ભગવતી સરસ્વતીનો આવિર્ભાવ આ દિવસે થયો એટલે વસંતપંચમી જ્ઞાન અને સમજણનું પર્વ છે.
આસી.પ્રો.ડો સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ -ભેસાણ