આપણે પરિવર્તનશીલ યુગમાં જીવી રહ્યા છીએ. ફૂલો ખીલે છે અને ખરી જાય છે. સૂર્ય-ચંદ્ર ઉગે છે અને આથમી જાય છે. કૅલેન્ડરનાં પાનાં રોજ બદલાય છે. કુદરતનાં આ પરિવર્તનોની સામે મનુષ્યે પણ પરિવર્તનની એક શૃંખલા ખડકી છે. આજે માણસ અગાસી પર આંટો મારે એટલી સરળતાથી અવકાશમાં આંટો મારતો થઈ ગયો. ગૅલેરીમાં બેઠો બેઠો જેટલી સરળતાથી પાડોશી સાથે વાત કરે તેટલી જ સરળતાથી ૧૦,૦૦૦Km..દૂર રહેલી વ્યક્તિ સાથે વાત કરી શકે છે. ઘરના બેઝ્મેન્ટમાં જાય એટલી સરળતાથી દરિયાના પેટાળમાં જતો થઇ ગયો.
આ પરિવર્તનો પાછળનો મનુષ્યનો મુખ્ય હેતુ હતો – જીવનમાં સુખી થવું. પરંતુ શું માણસ આજે ખરા અર્થમાં સુખી થયો છે? પરિવર્તનોએ દૂનિયાને નાની બનાવી, પરંતુ આપણા પ્રશ્નોને વિકરાળ બનાવી દીધા છે.
વોબલ પ્રાઈઝ વિજેતા કવિ ટી.એસ. ઇલિયટ કહે છે, ‘Endless invention, endless experiment brings knowledge of motion but not of stillness.` અનંત શોધો અને અનંત પ્રયોગોએ માનવને ગતિનું જ્ઞાન આપ્યું છે, પણ સ્થિરતાનું નહીં.
તો આવું શાથી બન્યું? ખાટલાના ચાર પાયામાંથી કયો પાયો ખૂટે છે? જવાબ છે – પરિવર્તનના સ્થાનની પસંદગીમાં આપણે માર ખાઈ ગયા.
રાફડા ઉપર લાકડી મારવાથી દરમાં રહેલા સાપને હણી શકાતો નથી. તેમ બાહ્ય પરિવર્તનોથી ભીતરમાં રહેલી અશાંતિ હણી શકાતી નથી. અંદરની શાંતિ માટે અંદરથી પરિવર્તિત થવું પડશે. વિશ્વવિખ્યાત ચિંતક વિલિયમ જેમ્સ કહે છેઃ ‘The Greatest invention of 20th century is that a man can change his life by changing the attitude of his mind.`
‘ મનુષ્ય પોતાના મનના વલણથી પોતાના જીવનનું વહેણ બદલી શકે છે.’
Altitudey™u Attitude નેસીધો સંબંધ છે. ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે મનના વલણની ખાસ જરૂર પડે છે. ૧૯૧૪ના ડિસેમ્બરમાં એક સાંજે ન્યૂજર્સીમાં આવેલી એક પ્રયોગશાળામાં આગ લાગી. ૨૦ લાખ ડૉલરથી વધુનું નુકસાન થયું. વીમો ફક્ત ૨ લાખ ૩૮ હજાર ડૉલરનો હતો! ૬૭ વર્ષની તે વ્યક્તિનું સઘળું તેની નજર સમક્ષ ભસ્મીભૂત થઈ ગયું. તેણે તેની પત્નીને બોલાવી કહ્યું, ‘સારું થયું. આમાં મારી બધી ભૂલો બળી ગઈ. હવે હું નવેસરથી શરુઆત કરીશ.’ અને આવી વિકટ પરિસ્થિતિના ત્રણ અઠવાડિયાંમાં જ તેણે વિશ્વને સૌપ્રથમ ફોનોગ્રાફની ભેટ આપી. તે વ્યક્તિ હતો – મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન.આમ, ખરાબ પરિસ્થિતિને પણ એક નવી આશાના પ્રભાતમાં પરિવર્તિત કરવાનું વલણ જ વ્યક્તિને એક નવી ઊંચાઈ આપે છે.બની ગયેલી ઘટના ફરી બદલી નહિ શકાય, પરંતુ તે ઘટનાને જોવાનું વલણ બદલવાથી સદાય દુઃખમાં પણ હસતાં રહેવાય છે.
એક વખત યોગીજી મહારાજ ટ્રેનમાં અમદાવાદ જતા હતા. સંતો સૌ ભજન ગાતા હતા. ત્યાં કેટલાક યુવકા પત્તા રમતા હતા. તેઓએ સંતોને કહ્યુ કે તમારું ગાવાનું બંધ કરો અમને તકલીફ પડે છે. સંતોએ ગાવાનું બંધ કર્યું. તે યુવકો પત્તા રમવામાં એટલા મશગુલ હતા કે તેઓનું સ્ટેશન ચૂકી ગયા. સંતોએ યોગીજી મહારાજને કહ્યુ૬ કે તેઓએ આપણને ગાવાનું બંધ કરાવ્યું એટલે આવું ભોગવવું પડ્યું. ત્યારે યોગીજી મહારાજ કહે, ‘ગુરુ! એવું ન બોલાય. તેઓ જેમ પત્તા રમવામાં મશગુલ હતા તેમ આપણે ભજનમાં મશગુલ થવું!
મનમાં કોઈ કડવાશ નહીં, કોઈ સંઘર્ષ નહીં. જે બને તેને સવળી રીતે જોવાનું એક વલણ, એક દૃષ્ટિકોણ જીવનમાં સદાય આનંદ આપે છે. વિશ્વવિખ્યાત પુસ્તક ‘The 7 Habits of Highly Effective People`માં લેખક સ્ટીવન કોવીએ આ વાતને ‘પેરેડાઇમ શીફ્ટ’ દ્વારા રજૂ કરી છે. અડધા ભરેલા ગ્લાસને બે રીતે જોઈ શકાય છે. જે અડધો ખાલી જોશે તેને અધૂરપનો અહેસાસ થશે. અને જે તેને અડધો ભરેલો જોશે તેને પ્રાપ્તિનો આનંદ થશે.
ભગવાન સ્વામિનારાયણ કહે છે-
“જેમ બાહેર ગૂમડું થયું હોય તેને ઓષધ ચોપડે ત્યારે જ કરાર થાય પણ કેવળ વાર્તા સાંભળ્યે કરાર થાય નહીં અને જેમ ક્ષુધા-પિપાસા લાગી હોય તે ખાધે-પીધે જ નિવૃત્તિ થાય પણ અન્ન-જળની વાત કર્યે નિવૃત્તિ ન થાય.”
આમ, પરિવર્તનની દિશા અંદરથી થવી જોઈએ, તો સુખી થવાની થવાની ચાવી એ આપણા હાથમાં જ છે. તમે કયા રસ્તે ચાલશો તે તમારા પર આધારિત છે. તો આવો, આપણા વલણો, અભિગમોને બદલીએ અને એક નવી પ્રભાતમાં આનંદથી જીવીએ.