” ખૂદકી તરક્કી મેં ઈતના વખ્ત લગા દો કી કિસી દૂસરોં કી બુરાઈ કરને કા વખ્ત હી ન મિલેં !!!”

79

સાંપ્રત સમય (વિતક બે વર્ષ સહિત) ભયંકર મહામારી અને હાડમારીઓનો ચાલે છે.દરરોજની ઘટનાઓ દેખી હ્‌દય હચમચી ઊઠે છે.ઈશ્વર પ્રત્યેની આસ્થાનું ઓક્સિમીટર ઉતાર- ચઢાવે ચડે છે.મન ઘડિકમાં આસ્તિક અને ઘડિકમાં નાસ્તિકના રસ્તે -રવાડે ચડી જાય છે.આ હલચલ – ઘટમાળમાં લગભગ ઘણાંની મનઃ સ્થિતિ ડામાડોળ બને છે.આવું થવાનાં કારણોમાં મારું ચિત્ત એક જ જગ્યાએ સ્થિર થાય છે અને તે છે આપણા સૌના સદ્‌ ગુણોનો સતત થતો જતો અભાવ.સદ્‌ ગુણોનું અસ્તિત્વ કેમ ઓછું થતું ગયું એ ચિંતા અને ચિંતનનો વિષય છે.હાલ એમાં ઊંડા ઊતરવા અવકાશ નથી.
” પ્રકૃતિ કે નિયમોં કો કોઈ નહીં બદલ શકતા.
એક હી માર્ગ હૈ ….ધીરે ધીરે ખુદકો બદલો.”
આપણી ભવ્ય ભાતિગળ સંસ્કૃતિ અને સહસ્ત્ર વર્ષોથી ચાલી આવતી ઉજ્જવળ પરંપરાઓમાંથી આપણને વિનય,વિવેક,વિનમ્રતા,પ્રામાણિકતા, સમય પ્રતિબધ્ધતા, સમાદર ,પ્રકૃતિપૂજન, અતૂટ- અખંડ ઈશ્વર આસ્થા,સત્ય ,પ્રેમ કરુણા, અહિંસા, સાદગી, કરકસર, નિર્મોહ,ઉદારતા, દ્રઢતા, દક્ષતા, પ્રસન્નચિત્તતા, નિયમિતતા, જાગૃતતા, સર્વધર્મ
સમભાવ,સહિષ્ણુતા, સુઘડતા, કાર્ય પ્રાવિણ્ય વગરે વગેરે સદ્‌ગુણોનું સાનિધ્ય અને સેવન કરવાનું સૌભાગ્ય મળતું રહેતું હતું. આજે વિકાસની આંધળી દોટ અને વૈભવ લાલસાથી એ ઘટતી માત્રામાં મળી રહ્યું છે.આ સત્ય સ્વીકારવું જ રહ્યું.
આજે અહીં બાહ્ય અને આંતરિક સદ્‌ગુણોની પળોજણમાં ઉતરવાનું ઔચિત્ય હોવા છતાં સમયની ખેંચે ઉચિત માનતો નથી.પરંતુ મારે એટલું ચોક્કસ કહેવું છે કે આંતરિક સદ્‌ ગુણોનો સરવાળો એટલે જ મહાનતા. વડવાઓના સમયમાં મોટે ભાગે બહુજન મતે મહાનતા જ સાચી સંપત્તિ ગણાતી હતી.એના સદ્‌ પ્રભાવથી વ્યક્તિમાં શ્રેષ્ઠગુણોનો સમાવેશ થતો હતો. એ સાથે સદ્‌ગુણોથી જ વ્યક્તિનું સન્માન વધતું હતું તથા એવી વ્યક્તિઓ માટે સહયોગનું ક્ષેત્ર વિસ્તૃત બનતું હતું.આપણે સૌએ પણ મહાનતા જ્યાં ભાળી એવી જનવિભૂતિઓને સદ્‌ ગુણી કે મહામાનવ તરીકે સ્વીકાર્યા છે જ.આવા સ્વીકાર કાર્યનો વિવેક દિન-પ્રતિદિન ઓસરી રહ્યાનું અનુભવી રહ્યા છીએ.ખૂબ સરળ શબ્દોમાં કહીએ તો જીવનમાં હરક્ષણે વિચાર, વચન અને વર્તન( મન, વચન અને કર્મ) કરતી વખતે સાર- અસાર પારખવાની શક્તિ, એટલે વિવેકને અનુસરીએ છીએ ?.શું એ વિવેકની માત્રા બરાબર છે ? આ દરેકના જબાબ જાતને આપવાનો છે.આપણામાં સદ્‌ ગુણોનું સંચરણ, સંવર્ધન અને સપ્રમાણ થતુૃં રહે એ માટે દર્શન મહાત્મ્ય -પરંપરા હતી. ઘર,બેઠક કે આંગણે એનું સતત સ્મરણ થતું રહે તેનું સહેતુક આયોજન અને આચરણીય અમલીકરણ થતું.
“આવશે દોડીને મળવા તને નદીઓ સામે,
છે શરત એટલી, પહેલાં તું સમંદર થઈજા.”
સદ્‌ ગુણના અનેક ફાયદા આપણે ઈતિહાસના પાને નોંધાયાના અને જીવનની કેટલીક ક્ષણે પ્રત્યક્ષ અનુભવ્યા છે.જેનાં દ્રષ્ટાંતો પ્રાચીનકાળથી વર્તમાન સમય સુધી જીવિત રહ્યાં છે. સદ્‌ગુણથી નકકર અને ટકાઉ સફળતા મળે છે.ઈચ્છિત ફળ પણ મળે છે.જીવનની પ્રગતિનો રસ્તો મોકળો બને છે.વિશ્વાસ પ્રાપ્ત થાય છે.વિશ્વાસુને જ સમાજમાં આદર સાથે અપનાવવામાં આવે છે. એવી વ્યક્તિને જ મહત્વનાં કામ સાંપવામાં આવે છે.સદ્‌ ગુણ હકીકતે વરદાનરુપ છે. જેનામાં એ હોય તેને અંદરથી આનંદ, ઉલ્લાસ અને હરક્ષણે હળવાશનો અનુભવ થાય છે.નિર્ભીક, નિષ્પક્ષ અને નિજાનંદમાં રાચે છે.ઘણાં એવાં ગુણીયલ જીવ- અજાતશત્રુરુપ ઉજ્વળ પાત્રો ઈતિહાસને પાને અમર થયાં છે.ટૂંકમાં કહી શકાય કે…………આવી વ્યક્તિના હ્‌દયમાં અહર્નિશ ” વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે……….જાણે રે.!” વિચારોની ધારા વહેતી રહે છે.
” દિપક કભી બોલતા નહીં,
ઉસકા પ્રકાશ હી હરદમ
ઉસકા પરિચય દેતા રહતા હૈ…….!”
આપણે અવાર- નવાર કોઈના મુખેથી સાંભળીને, પુસ્તક-પત્રિકા- સામાયિક-અખબારના લેખમાંથી વાંચીને કે મિડિયા માધ્યમથી જોઈને સ્વયં અનુભવીએ છીએ કે……………
(૧) શ્રી લાલ બહાદૂર શાસ્ત્રી, પૂ.નાનાભાઈ ભટ્ટ,મોતીભાઈ ચૌધરી,પૂ છગનભા,આ.હરીસિંહભાઈ ચાવડા,આ.જુગતરામકાકા,ઠકકરબાપા,શ્રી બબલભાઈ મહેતા…. વગરે વગેરે જેવા મનેખની સાદગી, નિષ્કલંકી વહીવટી દક્ષતા,સમદ્રષ્ટિ વગેરેને…..આજે પણ લોકો યાદ કરે છે.
(૨)સરદાર સાહેબ, ઈન્દિરાજી, સુભાષચંદ્ર બોઝનું સાહસ અવર્ણનીય અને ગાંઠે બાંધવા જેવું રહ્યું છે.
(૩)સ્વામી વિવેકાનંદજી,કલામ સાહેબ,ટાગોર સાહેબ, ડો.રાધાકૃષ્ણન, જે.કૃષ્ણમૂર્તિ વગેરેનું ગહન અધ્યયન, ચિંતન,અને શુભત્વ સર્જનની ખેવના વંદનીય રહી છે.
(૪)રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પૂ.મોરારીબાપુ અને એ હરોળની ઘણી પૂજ્યપાદ મૂર્તિઓ નિયમિતતા- સાદગી – સૌજન્યશીલતા તથા ધ્યેયનિષ્ઠાની પૂજારી રહી છે.
(૫) ગોરા કુંભાર,ભક્તભૂષણ નરસૈયો, કૃષ્ણ પ્રેમ પૂજારણ મીરાં, વનાંચલવાસી શબરી વગેરે ઈશ્વર આસ્થાની દીવાદાંડી સમાન રહ્યાં છે.
આ ઉપરાંત પિતૃભક્તિ- વચન પાલનમાં રામ તથા કેલૈયો,પ્રકૃતિપ્રેમ અને જનસાધારણના સુખ-દુઃખના સખા- લોકનાયક , હમદર્દી શ્રીકૃષ્ણ,પર દુઃખ ભંજન રાજા વીર વિક્રમને કેમ ભૂલી શકાય ??? અહિંસાના અડગ ઉપાસક શ્રીમદ્‌ રાજચંદ્ર , સુઘડતાના સ્વામી મોરારજી દેસાઈ,પ્રામાણિકતાનું પવિત્ર પાત્ર રાજા હરિશ્ચંદ્ર ,પ્રેમ અને કરુણાથી સદા છલકાતું મધર ટેરેસાનું જીવતર અને દ્રઢતાપૂર્વક સંઘર્ષોનો સામનો કરનાર આંબેડકરજી જેવાં અનેક પાત્રો માટે માંહ્યલો સદા પુલકિત થઈ ઊઠે છે.સંયમનાં શ્રેષ્ઠતમ ઉદા…..લક્ષ્મણ- ઉર્મિલાની જોડી આ ક્ષણે યાદ ન કરું તો શે રહેવાય ??? વિશ્વાસભક્ત રત્નો રાયકા,પાવિત્રયની પ્રતિમૂર્તિ સતી સીતા,અનસુયાનું સ્મરણ સહજ ઉભરી આવે છે.
મિત્રો !
” આ જિંદગીમાં બસ હરદમ એવી યાદોનું વાદળ બંધાય,
જેની વૃષ્ટિ થકી જીવનબાગ હરિયાળી-ફૂલોથી સુગંધાય.”
કર્ણ, ૠષિ દધિચી,રાજકુમાર સિધ્ધાર્થ,સતી સીતામાતા અને છેલ્લે ભીષ્મ પિતામહની ત્યાગભાવનાને કઈ ઉપમાઓ આપી સંતોષ લઉં ???
આ બધાં જ પાત્રોએ સદ્‌ ગુણ સેવન થકી આપણને હરપલ જીવન જીવવાની દ્રષ્ટિ અર્પણ કરી જ છે.હું માનું છું કે બધા ગુણો મુજબ જીવવું – રહેવું શક્ય નથી – નથીને -નથી જ ……….! એથી પણ આગળ…. ફક્ત એક જ ગુણની આંગળી પકડી જીવનભર તેનું સાતત્ય જાળવવું એ પણ ખૂબ અઘરું કામ છે,એ હું સારી રીતે સમજુૃ છું.છતાં આચરણમાં એક બૂંદ ઉમેરાશે તો ઈશ્વર હાલ જે સ્વરુપે નારાજ છે- એની નારાજગીમાંથી આંશિક રાહત અચૂક થશે તેવો વિશ્વાસ ધરાવું છું.
“સમય ઔર જિંદગી
દુનિયા કે સર્વશ્રેષ્ઠ
શિક્ષક હૈં…….!”
શ્રી શ્યામજીભાઈ દેસાઈ પૂર્વ શિક્ષક સર્વ વિદ્યાલય હાઈ.કડી

Previous articleસાચું પરિવર્તન:- સમીર પ્રજાપતિ (વચનામૃત : જીવન માર્ગદર્શક )
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે