ગુરૂવારે એક લાખ ૭૨ હજાર ૪૩૩ કેસ સામે આવ્યા હતા, દેશમાં પોઝિટિવિટી રેટ હવે ૯.૨૭ ટકા છે : છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૭૨ મૃત્યુ
નવી દિલ્હી,તા.૪
દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના મામલામાં કાલની તુલનામાં આજે મોટો ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના એક લાખ ૪૯ હજાર ૩૯૪ કેસ સામે આવ્યા છે અને ૧૦૭૨ લોકોના મૃત્યુ થયા છે. ગુરૂવારની તુલનામાં શુક્રવારે નવા કેસમાં ૧૩ ટકાનો ઘટાડો થયો છે. ગુરૂવારે એક લાખ ૭૨ હજાર ૪૩૩ કેસ સામે આવ્યા હતા. દેશમાં પોઝિટિવિટી રેટ હવે ૯.૨૭ ટકા છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૪ લાખ ૩૫ હજાર ૫૬૯ થઈ ગઈ છે. તો મહામારીમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને ૫ લાખ ૫૫ થઈ ગઈ છે. કાલે બે લાખ ૪૬ હજાર ૬૭૪ લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી ૪ કરોડ ૧૭ હજાર ૮૮ લોકો સંક્રમણથી મુક્ત થયા છે. મહત્વનું છે કે કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ હજાર ૪૩૬ નવા કેસ સામે આવ્યા અને ૪૪ હજાર ૮૧૯ દર્દી સાજા થયા છે. તો ૬૦ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા ૧ લાખ ૪૮ હજાર ૮૦૦ છે. તો કેરલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૨ હજાર ૬૭૭ નવા કેસ સામે આવ્યા છે અને ૧૧૪૪ લોકો સાજા થયા છે. આ દરમિયાન ૩૭ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૩ લાખ ૬૯ હજાર ૭૩ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જણાવ્યું કે ભારતમાં કાલે કોરોના વાયરસ માટે ૧૬ લાખ ૧૧ હજાર ૬૬૬ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, આમ દેશમાં અત્યાર સુધી કુલ ૭૩ કરોડ ૫૮ લાખ ૪ હજાર ૨૮૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વિરોધી રસીના ૧૬૮ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કાલે ૫૫ લાખ ૫૮ હજાર ૭૬૦ ડોઝ આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી દેશમાં ૧૬૮ કરોડ ૪૭ લાખ ૧૬ હજાર ૬૮ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.