સ્વચ્છતા અને ગુણવત્તા સાથે દર્દીઓની આત્મીયતાપૂર્વક સેવા કરીને દર્દી દેવો ભવઃની ભાવ સાકાર કર્યો
જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી કરનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ભારત સરકારના રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો (NQAS )પ્રોગ્રામ અંતર્ગત એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે આ એવોર્ડ માટે ભાવનગર જિલ્લામાંથી દડવા, સણોસરા અને રતનપર (ગા) ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વર્ષ 2021-22 માટે રાષ્ટ્રીય કક્ષાના NQAS એવોર્ડ માટેની પસંદગી કરવામાં આવી છે.
જાહેર આરોગ્ય ક્ષેત્રે ભારત સરકારના NQAS પ્રોગ્રામ અંતર્ગત જ્ઞાન, ગુણવત્તા, કૌશલ્ય, ઇન્ફેક્શન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવાં માટે આ એવોર્ડ આપવામાં આવે છે. આ સાથે હવે ભાવનગર જિલ્લામાં કુલ 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાષ્ટ્રીય કક્ષાના NATIONAL QUALITY ASSURANCE STANDARDSના પ્રમાણપત્ર ધરાવતો જિલ્લો બન્યો છે. તે ભાવનગર જિલ્લા માટે ગૌરવપ્રદ ઘટના છે. ભાવનગરની યશકલગીમાં આ રીતે વધુ એક મોરપીંચ્છ ઉમેરાયું છે. રાષ્ટ્રીય કક્ષાના મૂલ્યાંકનકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વિવિધ વિભાગો જેવાં કે, બહારના દર્દીઓનો વિભાગ, અંદરના દર્દીઓનો વિભાગ, લેબોરેટરી, પ્રસૂતિ વિભાગ, સામાન્ય વહીવટ અને રાષ્રીરીય સ્વાસ્થ્ય કાર્યક્રમોનું વિવિધ આયામો અંતર્ગત 2-2 દિવસ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેના આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
જિલ્લામાં આરોગ્યની સ્થિતિ વધુ બહેતર બને તે માટે જિલ્લા વિકાસ અધિકારી ડૉ.પ્રશાંત જિલોવા પ્રયત્નશીલ છે. તેમની પ્રેરણા ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.કે.તાવીયાડના માર્ગદર્શન અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ અધિકારી ડૉ. બી.પી.બોરીચાની સીધી દેખરેખ હેઠળ વર્ષ-2021 માં કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા ઉમરાળા તાલુકામાં દડવા, શિહોર તાલુકામાં સણોસરા અને વલ્લભીપુર તાલુકામાં રતનપર (ગા) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્તરના ગુણવત્તા ધોરણોમાં આ આરોગ્ય કેન્દ્રોને પ્રમાણપત્રિત કરવામાં આવ્યાં છે. ભાવનગર જિલ્લામાં કોરોનાકાળમાં પણ દર્દીઓની ગુણવત્તાસભર કાળજી લેવામાં આવી હતી. આ ઉપરાંત પણ આરોગ્ય સ્તર ઉંચું જાય તે માટે સઘન પ્રયત્નો કરવામાં આવે છે. આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા અને ગુણવત્તા સાથે દર્દીઓ સાથે આત્મીયતાપૂર્વક સેવા કરીને દર્દી દેવો ભવઃ ની ભાવના સાર્થક થતી જોવાં મળે છે. દડવા ખાતે ડૉ. સંજય બારૈયા, ડૉ મનિષ ભોજ, સણોસરા ખાતે ડૉ.આશીયા હૂનાણી, ડૉ. રાહુલ પ્રબતાણી અને રતનપર (ગા) ના ડૉ.મૃગા બધેકા, ડૉ.સુરેશ પોકળની ટીમ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.જયેશ વાકાણી અને ડૉ.મનસ્વિની માલવીયા તેમજ ક્વોલિટી ટીમ ભાવનગર દ્વારા આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવાન્વિત કરવામાં ખૂબ મોટો ફાળો રહ્યો છે.
આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્યકર્મીઓ દર્દી સાથે ખૂબ પ્રેમભાવથી વર્તે છે અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખાનગી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ જેવી સેવાઓ આપવામાં આવે છે. યોગ્ય વાતાવરણ સાથે ગુણવત્તાયુક્ત સેવાઓ મળે છે. તેમજ ઉત્તમ આરોગ્ય સેવાઓને લઇને ગામના લોકોનો ખૂબ જ સહયોગ મળે છે. સમગ્ર પ્રમાણપત્રની પ્રક્રિયામાં જિલ્લા કક્ષાએથી ડૉ. ધવલ દવે, ડૉ. યોગેશ્વર ઉપાધ્યાય અને નીરવભાઈ ત્રિવેદી દ્વારા સંકલન અને અન્ય જરૂરી તમામ સહકારની કામગીરી કરવામાં આવી હતી. આમ, સમગ્ર જિલ્લા તંત્રની મહેનત, સંકલન અને સેવાભાવનાને કારણે ભાવનગરના આ ત્રણ આરોગ્ય કેન્દ્રો રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ આરોગ્ય કેન્દ્રો તરીકે ઉભરી આવ્યાં છે.