અધ્યાત્મ અને શિક્ષણ

101

“પ્રભુ ! એટલું આપજો કે શોધવું પણ ના પડે
અને સંતાડવું પણ ના પડે.
હું ખુશ રહું એમાં મારી સફળતા નથી.
પણ મારી વાણી, વર્તન અને વ્યવહારથી
બીજા ખુશ રહે એમાં જ મારી સફળતા છે.”
અગાઉના ત્રણ ભાગમાં આપણે ધર્મ, અધ્યાત્મ, કેળવણી, શિક્ષક તથા શિક્ષણ કાર્ય ઉપર આછેરી ઝલક જોઈ હતી.આવો !આ ભાગમાં આપણે માનવ, સૃષ્ટિ અને સંબંધ ઉપર વિચાર આદાન -પ્રદાન કરીએ.
સુજ્ઞ વાચક સમુદાય !
આપણે જાણીએ છીએ કે માનવ મનનશીલ પ્રાણી છે. મનન કરીને જીવનની હર કોઈ ઉદ્ભવતી પરિસ્થિતિને યથાવત-સાંગોપાંગ- જાણી-સમજીને ગહન ચિંતન પછી, વાસ્તવિકતા સામે ઉન્નત મસ્તકે ઊભા રહેવાનું શીખ્યો છે.શીખતો આવ્યો છે અને અન્યને શીખવવાનું પણ કરે છે. આ ગુણ માણસનું સત્વ છે. માણસ એટલે નર્યો દેહ નથી. મન,બુદ્ધિ ,ચિત્ત અને અંતઃકરણનો આવિર્ભાવ.આ બધાનો સમન્વય એ માનવીનો દેહ અને આંતર દેહ છે.
આપણાં શાસ્ત્રો -પુરાણોમાં એની બ્રૃહદ પુષ્ટિ મળે છે. ઈશોપનિષદ તો કહે છે કે “॥ જિજી વિશેત્‌ શતમ્‌ સમાઃ॥” માણસે પૃથ્વી પર સતત કર્મ કરતાં રહીને સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખવી જોઈએ.”॥ શતં જીવ શરદઃ, શતાયુર્વે પુરુષ :॥” આવા જીવન માટે માનવે શારીરિક યોગ્યતા તરફ ધ્યાન આપવું જરૂરી છે.
એ માટે બને તેટલું કુદરતી જીવન જીવવું અને એનો દ્રઢ આગ્રહ રાખવો જોઈએ. આપણું આયુર્વેદ અને આપણાં વૈદકીય પદ્ધતિઓ ઢોલ વગાડીને કહે છે કે રોગોનું મૂળ કારણ અકુદરતી જીવન છે. આ વિશે ઘણું કહેવાયું છે.એટલે…. આખી મેચ કરતાં, હાઈલાઈટનો આનંદ વધુ મળે છે એ સિદ્ધાંતે ટૂંકમાં કહું .માનવે સૃષ્ટિનો સાતત્યપૂર્ણ સંપર્ક રાખવો જરૂરી છે.
“રાખો ભરોંસો તમે ખુદ ઉપર
શાને શોધો છો ફરિશ્તાઓ ?
પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ,
તોય શોધી લે છે તે રસ્તાઓ.”
પ્રાતઃકાળની સ્વચ્છ તાજી હવા ફેફસામાં શક્તિ અને ઊર્જા પ્રદાન કરે છે. પ્રકૃતિના ખોળે રહેવાથી ચિત્તમાં ઉમદા વિચારોનાં સ્પંદન જાગી ઊઠે છે. તંદુરસ્ત શારીરિક સૌષ્ઠવ અને ઉમદા વૈચારિક વૈભવથી જીવન વિકાસ તરફ વળે છે. સાત્વિક, તાજો, સંતુલિત અને શાકાહારી ખોરાક લેવા પ્રેરણા આપે છે. જેનાથી સત્વ ગુણની વૃદ્ધિ થાય છે. એથી પણ વિશેષ માણસ…… એ સારી રીતે સમજે છે કે”॥ ઉદર ભરણં નોવ્હે,જાણિજે પજ્ઞકર્મઃ ॥ અર્થાત માત્ર ઉદર ભરણ એ જીવન નથી પણ એ યજ્ઞ કાર્ય છે. યજ્ઞમાં શું, કેટલું અને કયા સમયે હોમવુંએ મહત્વનું છે.આ ટેવ બાલ-તરુણ અવસ્થાથી આદતમાં પરિણમે તો આધ્યાત્મિક સ્થિતિસ્થાપકતા આપોઆપ જન્માવે છે. અને એ તારુણ્યનું માત્ર લક્ષણ જ નહીં, ખરું આભૂષણ છે. મનની સ્થિરતા હોવી એ જીવન વિકાસનું લક્ષણ છે. આ વાત “સ્થિતપ્રજ્ઞ”— ગીતાના અધ્યાયમાં બહુ વિસ્તારથી સમજાવી છે. આવું જ્યારથી, જેનામાં વસે છે ત્યાં “॥આ નો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ ॥ મતલબ…..વિશ્વના કોઈ પણ ખૂણામાંથી મળતા સારા વિચારોને અપનાવવા આપણે તત્પર રહીએ, એવો ગુણ સહજતા નિર્માણ થાય છે. વેદ, ઉપનિષદ અને આપણાં શાસ્ત્રો-પુરાણો કહે છે કે વ્યકતિએ ઉર્ધ્વતલ બનવું જરૂરી છે. ઉપનિષદોમાં કહેવાયું છે કે મનુષ્યને બે દેહ હોય છે. એક દેહ….૧.બહિર્દેહ….જેમાં હાથ-પગ તમામ અંગ ઉપાંગો તથા બીજો દેહ….. ૨.અંતર્દેહ……જેમાં મન-બુદ્ધિ-ચિત્ત, અંતઃકરણ વગેરે વગેરે હોય છે.
અંતર્મુખી દેહ……ઇન્દ્રિયો દ્વારા અંતર જગતને જાણી શકાય છે. જગતકર્તાએ પિંડ અને બ્રહ્માંડને એક જ તત્વમાંથી બનાવ્યાં છે.એટલે જ “॥ યથા પિંડે તથા બ્રહ્માંડે ॥” કહેવાય છે.પિંડમાં બ્રહ્માંડની અનુભૂતિ કરવી હોય તો, શરીર પર એવી ચેતનાને અનુભવવા દૈહિક્તાથી ઉપર ઉઠતાં શીખવું જ પડે. આ માટે માનવના અન્ય… સમગ્ર સૃષ્ટિ સાથેના સંબંધો બૃહદ બનાવવા જોઈએ.
” ભેગા થવું એ શરુઆત છે,ભેગા રહેવું પ્રગતિ છે.
પરંતુ…ભેગા મળીને કામ કરવું એ સફળતા છે.”
સંબંધ એ જીવનનો સરવાળો છે. સંબંધનું શાસ્ત્ર પણ સમજવા જેવું છે. કુટુમ્બ સાથે, સમાજ સાથે, સકળ જીવ સાથે, સઘળી સૃષ્ટિ અને અંતે સૃષ્ટિના સર્જનહાર સાથે સ્નેહાશક્ત સંબંધ બંધાય એ જ જીવન. આ બધું મળીને માનવ જીવન સંપૂર્ણ રીતે ઘડાય છે. એવા જીવનની અનિવાર્યતા પણ છે. ફરીથી યાદ કરું, આ સિદ્ધાંત આધારિત રોજબરોજના ઉચ્ચારતા શબ્દોને “પૂર્વ જીવનના ઋણાનુબંધ સંબંધો “થી પારસ્પરિક, દૂર-નજીકની અટપટી માયા રચાય છે.
” કોઈ તમારી સાથે કેવી રીતે વર્તે છે તે તેનું કર્મ છે.
મહત્વની વાત એ છે કે તમારી પ્રતિક્રિયા શું છે ?”
આપણા સહજ વ્યવહાર જીવનમાં આપણે જોઈએ છીએ કે સાગરનાં અફાટ જળ અને આકાશનો સંબંધ અકાલ્પનિક છે. બહુધા ખારા અને દૂષિત જળમાંથી અમૃત સમાન વર્ષાનું દાન એ કોઈ સાધારણ ઘટના નથી !! વનસ્પતિ અને ધરતી… ગંદા કાદવ-કીચડને ગ્રહણ કરી અનાજ, ફળ, ફૂલ, સુગંધને પરત કરે છે. આવું જ સંત- મહાન -પુરૂષોનું પણ છે.રજ,તમસ ગુણોને વિશાળ હૃદયના કોઈ ખૂણામાં છૂપી રીતે સમાવી, સત્વગુણનાં દર્શન કરાવે છે.
આ બધું જોયા- જાણ્યા પછી આપણે માનવેતર જીવ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ………. ટૂંકમાં કહીએ તો સચરાચર સાથે વ્યાપક અને અખંડ સંબંધ રાખવાનો છે.આવા વિશાળ દિલ સાથે સર્વના હિત અને સ્વજીવનાચરણથી આવનારી પેઢીને આપણા શિક્ષણ કાર્ય સાથે સહજ શીખવતા રહેવાનું છે.
આ છે આપણું કેળવણી કાર્ય .આ કોઈ નવીન કે વર્તમાનના કોઈ તૂક્કાની વાત નથી. હા ! આપણા જ સાહિત્યમાં આવા સંબંધોની અનેક ઘટનાઓ અભિવ્યક્ત થઈ છે. આવો ! આપણે બીજા ભાગમાં એ બાબતો ઉપર થોડુંક વિહંગાવલોકન કરીએ.
શ્રી શ્યામજીભાઈ દેસાઈ
પૂર્વ શિક્ષક/કા.સુપરવાઇઝર
સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ મુ.કડી.

Previous articleઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ જસ્ટિન લેંગરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
Next article(ઝગમગતા દીવડા: ભાગ-૩)- વર્ષા જાની