દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૨૭ લાખ નવા કેસ નોંધાયા

78

એક જ દિવસમાં ૨,૩૦,૮૧૪ દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે અને હાલ દેશમાં ૧૩,૩૧,૬૪૮ દર્દીઓ સારવાર હેઠળ છે
નવી દિલ્હી, તા.૫
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૨૭ લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે પોઝિટિવિટી રેટ ૮ ટકાથી નીચે ગયો છે. ભારતમાં ગઈ કાલે ૧.૪૯ લાખ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૧૦૭૨ લોકોના મોત થયા હતા. ગઈ કાલે ડેઈલી પોઝિટિવિટી રેટ ૯.૨૭ ટકા નોંધાયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧,૨૭,૯૫૨ દર્દીઓ નોંધાયા છે. જ્યારે તેની સામે રિકવરી કરનારા દર્દીઓની સંખ્યા વધુ છે. એક જ દિવસમાં ૨,૩૦,૮૧૪ દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી. હાલ દેશમાં ૧૩,૩૧,૬૪૮ દર્દીઓ સારવાર હેઠળ છે. સરકારી આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૧૦૫૯ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુનો આંકડો ૫,૦૧,૧૧૪ થઈ ગયો છે. ડેઈલી પોઝિટિવિટીની વાત કરીએ તો દેશમાં હાલ ડેઈલી પોઝિટિવિટી રેટ ૭.૯૮% થયો છે. જ્યારે કોરોનાથી રિકવરી રેટ ૯૫.૬૪ છે. દેશમાં અત્યાર સુધીમાં ૭૩.૭૯ કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે. જેમાંથી ૧૬,૦૩,૮૫૬ ટેસ્ટ છેલ્લા ૨૪ કલાકમાં થયા છે. કોરોનાને પછાડવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના ૧,૬૮,૯૮,૧૭,૧૯૯ ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬૦૯૭ કેસ નોંધાયા. જ્યારે ૩૫ દર્દીઓએ જીવ ગુમાવ્યા. કોરોનાને માત આપીને ૧૨૧૦૫ દર્દીઓ સાજા પણ થઈ ગયા. સૌથી વધુ કેસ અમદાવાદમાં ૨૦૨૫ નવા કેસ નોંધાયા. જ્યારે વડોદરામાં ૧૫૧૨, સુરતમાં ૩૫૮ અને રાજકોટમાં ૩૭૨ નવા કેસ નોંધાયા.

Previous articleરાજ્યની સ્કૂલોમાં સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ થશે
Next articleમાર્ચ સુધીમાં કોરોનાની ત્રીજી લહેર ખતમ થવાનું અનુમાન