આપણે ત્યાં કહેવત છે કે, ‘તીર કમાનમાંથી, વાણી જીભમાંથી અને પ્રાણ શરીરમાંથી નીકળી ગયાં બાદ પરત ફરતાં નથી.’ મૃત્યુ એ અફર છે… તે ક્યારે, કેવાં સંજોગોમાં આવે તેને કહી શકાય નહીં. તેને આપણે રોકી શકતાં નથી. પરંતુ તે કદાચ આવે તો તેની સામે આપણે સુરક્ષા રાખી શકીએ તે આપણાં હાથની વાત છે. કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણવાળી સંવેદનશીલ સરકાર આ વાત સારી રીતે સમજે છે અને એટલે જ વડાપ્રધાનશ્રીએ ગરીબો માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની શરૂઆત કરી છે.
જીવનની આ અકળ ગતિને ધ્યાનમાં લઇને આપણે સૌ એટલાં માટે જ ‘’જીવન કે સાથ ભી, ઔર જીવન કે બાદ ભી’’ સમજીને જીવન વીમો લેતાં હોઇએ છીએ અને તે રીતે આપણાં તેમજ આપણાં બાદ આપણાં કુટુંબની સુરક્ષા સુનિશ્ચિત કરતાં હોઇએ છીએ. પરંતુ આ માટે ભરવાં પડતાં પ્રિમિયમ ભરવાં માટે સમાજના તમામ લોકો સક્ષમ હોતાં નથી. તો આવાં પરિવારનું શું ?? પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કદાચ આ વ્યથાને અનુભવી છે તેથી જ તેમણે માત્ર રૂા.૧૨ માટે ૨ લાખનું અકસ્માત સુરક્ષા વિમા યોજના શરૂ કરી છે.
કોઇપણ બચત બેંક ખાતાધારક કે જેની ઉંમર ૧૮ થી ૭૦ વર્ષ છે તેને આ યોજનાનો લાભ મળી શકે છે. આ માટેનું પ્રિમિયમ પણ જે-તે ખાતાધારકના ખાતામાંથી આપોઆપ કપાઇ જાય છે એટલે આ માટે પ્રિમિયમ ભરવાની માથાકૂટ તથા તેને યાદ રાખવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળે છે. આ ઉપરાંત આ વિમામાં દૂર્ઘટના પ્રેરિત સ્થાયી દૂર્ઘટનાનો પણ તેમાં સમાવેશ થાય છે. દેશના લાખો લોકોને તેનાથી લાભ થયો છે. ભાવનગરના તળાજા તાલુકાના પીથલપુર ગામે રહેતાં ઢાપા કમલેશભાઇ કાકુભાઇએ પણ આ યોજના વિશે બેંક મિત્ર ઢાપા મહેશકુમાર ધીરાભાઇ પાસેથી જાણીને આ વિમો લીધો હતો. પરંતુ વિધિની વક્રતાને લીધે તાજેતરમાં માત્ર ૨૨ વર્ષના ઢાપા કમલેશભાઇને અકસ્માત નડ્યો અને તેઓનું આકસ્મિક મૃત્યુ થયું. તેમના પરિવાર પર અચાનક આભ તૂટી પડ્યું પરંતુ તેવા સમયે તેમની વ્હારે પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના આવી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પીથલપુર બ્રાન્ચને આ બાબતની જાણ કરવામાં આવતાં જરૂરી કાર્યવાહી કરીને તેમના માતા એવાં લીલુબેન કાકુભાઇ ઢાપાને તુરંત રૂા.૨ લાખનો ચેક આપવામાં આવ્યો હતો.