લતા મંગેશકર કોરોના સામેની લડાઈ હારી ગયા હતા : પંડિતોના મંત્રોચ્ચાર વચ્ચે લતા મંગેશકરને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે મુખાગ્નિ આપી : નરેન્દ્ર મોદી, શરદ પવાર, પીયુષ ગોયલ, અમિતાભ બચ્ચન, ઝાવેદ અખ્તર શાહરૂખ ખાન, ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, સચિન તેંડુલકરે શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી, તા.૬
ભારત રત્ન લતા મંગેશકર કોવિડથી સંક્રમિત થયા બાદ ૮ જાન્યુઆરીથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા અને આજે દુનિયાને અલવિદા કહી દીધું. ભારતે તેનો સૌથી અમૂલ્ય રત્ન ગુમાવ્યો. આજે સુર સમ્રાજ્ઞી લતા મંગેશકર કોરોના સામેની લડાઈ હારી ગયાં હતા. લતાજીના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન ત્રિરંગો અડધો ઝુકેલો રહેશે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શિવાજી પાર્કમાં રાખવામાં આવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લતા મંગેશકરને અંજલિ આપવા માટે મુંબઈ પહોંચ્યા હતા. પંડિતોના મંત્રોચ્ચાર વચ્ચે લતા મંગેશકરને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે મુખાગ્નિ આપી. લતા મંગેશકરના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરના મૃતદેહ પરથી તિરંગો કાઢી લેવામાં આવ્યો હતો અને તિરંગો પરિવારને સોંપવામાં આવ્યો હતો. ૮ પંડિતો દ્વારા તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
શિવાજી પાર્કમાં મોટી હસ્તીઓનો ધસારો રહ્યો હતો.મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, જાવેદ અખ્તર વગેરેએ શ્રદ્ધાંજલિ આપી હતી. બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન પણ લતા મંગેશકરની અંતિમ યાત્રામાં હાજરી આપવા શિવાજી પાર્ક પહોંચ્યા હતા. આ સિવાય સચિન તેંડુલકર, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, રાજ ઠાકરે, પીયૂષ ગોયલ સહિત અનેક હસ્તીઓએ પણ હાજરી આપી હતી. લતા મંગેશકરની અંતિમ ઝલક માટે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમના પરિવાર સાથે, શરદ પવાર અને સચિન તેંડુલકર વગેરે અનેક લોકો પહોંચ્યા હતા. મેલોડી ક્વીન લતા મંગેશકરના નિધન પર કર્ણાટક સરકારે બે દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યમાં ૬ અને ૭ ફેબ્રુઆરીએ બે દિવસનો રાજ્ય શોક રહેશે.
લતા મંગેશકરની અંતિમ યાત્રામાં તેમનું પાર્થિવ શરીર તિરંગામાં લપેટાયેલું હતું. લતા મંગેશકરના ઘરની બહાર ભારે ભીડ જોવા મળી હતી. વંદે માતરમના નારા લગાવવામાં આવી રહ્યા હતા. લતા મંગેશકરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પછી મૃતદેહને ફૂલોથી શણગારેલી ટ્રકમાં મૂકીને શિવાજી પાર્ક લઈ જવામાં આવ્યો હતો. લતાજીના અવસાન બાદ જાહેર કરાયેલા બે દિવસના રાષ્ટ્રીય શોકના કારણે રાષ્ટ્રપતિ ભવન અને સંસદ ભવનનો રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવી દેવામાં આવ્યો છે. લતા મંગેશકરના પાર્થિવ દેહને સાંજે ૪ થી ૬ દરમિયાન શિવાજી પાર્કમાં રાખવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લતા મંગેશકરના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવાનો આદેશ આપ્યો હતો. બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલી પણ પ્રભુકુંજ પહોંચી ગયા હતા. લતા મંગેશકરના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ભણસાલી પહોંચી ગયા હતા. સંજય લીલા ભણસાલી પ્રભુકુંજની બહાર ભાવુક થતા જોવા મળ્યા હતા.
લતાજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે અમિતાભ બચ્ચન સહિતની બોલિવુડ સેલિબ્રિટિઓ પહોંચી હતી અને તેમને અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. લતાદીદીનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાન પ્રભુકુંજની બહાર શબવાહિનીમાં લાવવામાં આવ્યો હતો. ભારતીય સિનેમાના મહાન પાર્શ્વ ગાયકોમાંથી એક લતા મંગેશકરે પોતાના કરિયરની શરૂઆત ૧૩ વર્ષની વયે કરી હતી. ભારતના સ્વરકોકિલા તરીકે જાણીતાં લતા મંગેશકરે ૧૯૪૨માં પોતાનું પહેલું ગીત રેકોર્ડ કર્યું હતું. સાત દશકા લાંબા કરિયરમાં તેમણે ૩૦,૦૦૦થી વધુ ગીતો ગાયા છે. ’એક પ્યાર કા નગમા હૈ’, ’રામ તેરી ગંગા મેલી’, ’એક રાધા એક મીરા’, ’દીદી તેરા દેવર દિવાના’ વગેરે જેવા કેટલાય ગીતો જે આજે લોકકંઠે છે તેને લતા મંગેશકરે અવાજ આપ્યો હતો. લતા મંગેશકરનું જીવન સરળ નહોતું અને તેમણે જીવનમાં સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. લતા મંગેશકરને એક ઈન્ટર્વ્યુના અંતમાં પૂછવામાં આવ્યું કે, તે આવતા જન્મમાં શું બનવા માંગશે, તો તેમનો જવાબ હતો કે, હું ગમે તે બનીશ પરંતુ લતા મંગેશકર તો બનવા નહીં માંગુ. લતા મંગેશકર સાથે ઘણાં સારા સંબંધ ધરાવતા જાવેદ અખ્તરે એકવાર શૉ દરમિયાન આ વાતને યાદ કરી હતી. તેમણે કહ્યુ હતું કે, હું લતા મંગેશકરનો તે જવાબ સાંભળીને ચોંકી ગયો હતો. પરંતુ ત્યારપછી મેં જ્યારે તેમના જીવનના વિવિધ પાસાઓને ઊંડાણપૂર્વક જાણ્યા તો ખબર પડી કે, તેઓ જીવનમાં કેટલી તકલીફોમાંથી પસાર થયા હતા. તે તકલીફો એટલી હતી હતી તેઓ ફરીથી લતા બનવાથી ડરતા હતા.