ભાવનગરને અન્યાય કેમ ? ક્યાં સુધી લાંબા અંતરની ટ્રેન માટે પ્રતિક્ષા કરવાની

78

ભાવનગરથી દિલ્હી અને હરિદ્વારની ટ્રેન માટે લોકો રજૂઆતો કરીને થાક્યા પરંતુ હજુ સુધી ભાવનગરને લાંબા અંતરની ટ્રેન નસીબ થઇ નથી
લાંબા સમયથી ભાવનગરને લાંબા અંતરની ટ્રેનનો લાભ મળી શક્યો નથી. તાજેતરના બજેટમાં કરવામાં આવેલી ઘોષણા મુજબ ભારતમાં ૪૦૦ વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે. જો ભાવનગરની નેતાગીરી સકારાત્મક રીતે સરકારમાં રજૂઆત કરી શકે તેમ હોય તો ભાવનગરને લાંબા અંતરની ટ્રેનો મળી શકે તેમ છે. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે, રાજ્યસભામાંથી સાંસદ બનેલા અને હાલ કેન્દ્ર સરકારમાં મહત્વનું મંત્રીપદ ધરાવતા મનસુખભાઇ માંડવિયા પણ ભાવનગરના છે, ઉપરાંત વિરોધ પક્ષમાં બેસેલા અને ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા ભાવનગરના શક્તિસિંહ ગોહિલ પણ છે. આમ સંસદમાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ નેતાઓ છે. તે પૈકી ભારતીબેન અને મનસુખભાઈ શાસક પક્ષમાં વજન ધરાવે છે. અત્યાર સુધી ભાવનગરની ફાળવવામાં આવેલી આસનસોલ, કાકીનાડા, કોચુવેલી, ભાવનગર-બાંદ્રા દૈનિક સહિતની ટ્રેનોને હંમેશા મુસાફરો તરફથી સારો પ્રતિસાદ સાંપડે છે છતાં હજુ સુધી ભાવનગરને દિલ્હી તથા હરિદ્વારની ડાયરેક્ટ ટ્રેન મળી નથી જે ભાવેણાના લોકોની કમનસીબી પણ ગણી શકાય. ભાવનગરથી ઉત્તર ભારત તરફ જવા માટે એક પણ ટ્રેનો નથી ત્યારે લાંબા સમયથી પવિત્ર યાત્રાધામ હરિદ્વારની ટ્રેન આપવા માટેની માગણીઓ પેન્ડિંગ છે. ઉપરાંત ભાવનગર થી દિલ્હી ની ટ્રેન પણ જો ફાળવવામાં આવે તો ઉત્તર ભારતના તમામ કનેક્શન મળી શકે તેમ છે.આ અંગે ભાજપ અગ્રણી અને ડીઆરયુસીસી ના સભ્ય કિશોર પટેલ જણાવ્યું હતું કે ભાવનગર થી હરિદ્વાર ની ટ્રેન ની માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે. ભાવનગર થી દિલ્હીની કનેક્ટિવિટી મળે તો મોટી સંખ્યામાં મુસાફરો મળી શકે તેવી શક્યતાઓ છે. હાલમાં ભાવનગરને દિલ્હી સુધીની સીધી કનેક્ટિવીટી માટે એક પણ સેવા મોજુદ નથી.
લોથલ-ગાંધીગ્રામનું સેફ્ટી ઇન્સ્પેક્શન બાકી
બોટાદ થી લોથલ વચ્ચેનું લાઈનનું રેલવે સેફટીની કમિશનર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવેલ છે પરંતુ લોથલથી ગાંધીગ્રામ વચ્ચેનું ઇન્સ્પેક્શન હજુ પણ બાકી હોવાથી તેને લીલી ઝંડી મળી શકતી નથી. બોટાદથી અમદાવાદ વચ્ચે નવી બ્રોડગેજ લાઇન પર લાંબા સમયથી માલગાડી દોડાવવામાં આવી રહી છે અને હજુ સુધી કોઈ સમસ્યા સપાટી પર આવી નથી. પરંતુ રેલવે સેફટીની કમિશનરના લોથલ ગાંધીગ્રામ વચ્ચેના ઇન્સ્પેક્શન કામ બાકી હોવાને કારણે મુસાફર ટ્રેન ચલાવી શકાતી નથી. જો આ કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે તો ભાવનગર થી અમદાવાદ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન દોડાવી શકાય તેમ છે. અને ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો અને સમય ઈંધણની બચત પણ થઈ શકે તેમ છે.

Previous articleઆજે ભાવનગરમાં ૩૦ નવા કોરોનાના કેસ નોંધાયા, ૨૫૪ કોરોનાને માત આપી, ૧ના મોત
Next articleભાવનગરમાં જૈન સમુદાયના બે બાળકોએ દિક્ષા અંગિકાર કરી