સંસ્થામાં શિક્ષણનું સ્તર કથળવા સાથે વહિવટ પણ ખાડે ગયો
સઘન ક્ષેત્ર યોજના સમિતિ મણાર સંચાલિત હાથબ ગામના દરિયા કિનારે મંગલભારતી લોકશાળા આવેલી છે. આ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓ અહિ જ રહી અભ્યાસ સાથો સાથ ભણતર સાથે ગણતરનું પણ જ્ઞાન મેળવે એવી વ્યવસ્થા હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સંસ્થાનો વહિવટ ધરાવતા વહિવટીઓ સંસ્થાનો જ વહિવટ કરી નાખ્યો છે ! અભ્યાસનું સ્તર તો કથળ્યું પરંતુ સંસ્થાની મનમાની જોહુકમીને પગલે વિદ્યાર્થીઓના ભાવી પર પ્રશ્નાર્થ સર્જાયો છે. લોકભારતી સણોસરા શૈક્ષણિક સંસ્થાની માફક ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામે સમુદ્ર ટતે સુંદર પ્રકૃતિ પર્યાવાસમાં લોકશાળા એક સમયે ધમધમતી હતી. આ મંગલભારતી લોકશાળામાં આસપાસના ગામડાઓમાં રહેતા અને આર્થિક-સામાજીક રીતે પછાત એવા બાળકો સંસ્થામાં જ રહી વિદ્યાભ્યાસ સાથોસાથ સામાજિક ઘડતર કેવી રીતે થાય એ અંગેના બખુબી પાઠ ભણતા હતાં અને આ સંસ્થામાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ખાસ પસંદગી કરેલા શિક્ષકો અને શિક્ષણ તજજ્ઞોની નિમણૂંક કરી ભાવી ભારતના યુવાઓનું શ્રેષ્ઠત્તમ ઘડતર થાય એવા ઉમદા પ્રયત્નો કરવામાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આ સંસ્થા પ્રત્યે સતત દુર્લક્ષ્ય સેવાતા હાલમાં આ સંસ્થા ખાડે ગઇ હોય એવું લાગી રહ્યું છે. અત્રે અભ્યાસ કરતા બાળકોના વાલીઓ ફરિયાદ કરી રહ્યા છે કે, આ સંસ્થામાં જે પાયાકીય શિક્ષણ તથા સવલતો મળવી જોઇએ એ મળતી નથી. ઉપરાંત શિક્ષણ વિભાગના જે-તે નિયમો હોય તે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. તાજેતરનો જ દાખલો છે કે, આ સંસ્થામાં કોઇ માંગલિક પ્રસંગ (લગ્ન) જેવો પ્રસંગ હોય એ પ્રસંગને સંસ્થાનો પ્રસંગ બનાવી વહિવટદારોએ શૈક્ષણિક કાર્ય બંધ રાખી શિક્ષણ વિભાગની ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓને આ માંગલિક કાર્યોમાં જોતરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહિ પ્રાથમિક સુવિધા નહિવત માત્રામાં છે. તો આમાં ‘‘ક્યાંથી ભણે ગુજરાત, કેવી રીતે ભણે ગુજરાત ?’’ આ સંસ્થાની દેખરેખ જેના શિરે છે એવા અધિકારીઓ પણ પોતાની મરજીના હુકમો ચલાવે છે. આ અંગે વિદ્યાર્થીઓ પણ પોતાની કેરીયર બગડવાના ભયે એક હરફ પણ ઉચ્ચારતા નથી. આ અંગે સરકાર વહેલીતકે અમીદ્રષ્ટિ કરે અને પ્રાચીન શિક્ષણ પદ્ધતિને જીવંત રાખે તેવી માંગ વાલીગણમાં ઉઠવા પામી છે.