કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને ૧૧ લાખ ૮ હજાર ૯૩૮ થઈ
નવી દિલ્હી,તા.૭
દેશમાં હવે કોરોનાની ઝડપ ઘટી ગઈ છે. આજે કોરોનાના નવા કેસ એક લાખથી ઓછા આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૮૩ હજાર ૮૭૬ નવા કેસ સામે આવ્યા છે, જો કે આ દરમિયાન ૮૯૫ લોકોના મોત થયા છે. જ્યારે ૧ લાખ ૯૯ હજાર ૫૪ લોકો સાજા થયા છે. આ સાથે, કોરોનાની સકારાત્મકતા દર હવે ઘટીને ૭.૨૫ ટકા પર આવી ગયો છે. કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને ૧૧ લાખ ૮ હજાર ૯૩૮ થઈ ગઈ છે, જ્યારે આ મહામારીને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૫ લાખ ૨ હજાર ૮૭૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક તરફ જ્યાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અત્યાર સુધીમાં ૧૬૯ કરોડનું રસીકરણ કરવામાં આવ્યું છે. શનિવારે કોરોના ચેપના ૧ લાખ ૦૭ હજાર ૪૭૪ નવા કેસ નોંધાયા હતા અને ૮૬૫ લોકોના મોત થયા છે. એટલે કે નવા કેસોમાં લગભગ ૨૪,૦૦૦નો ઘટાડો થયો છે. હાલમાં દેશમાં કુલ એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને ૧૧.૦૧ લાખ થઈ ગઈ છે. દેશમાં મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૪.૨૨ કરોડ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે.