એક દિવસમાં ૧૮૦૪૫૬ દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા, રિકવર થનારા દર્દીઓની સંખ્યા સતત વધી
નવી દિલ્હી, તા.૮
કોરોના વાયરસની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૭૦ હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો હવે વધીને ૪ કરોડ ૨૩ લાખ ૩૯ હજાર ૬૧૧ પર પહોંચી ગયો છે. એક દિવસમાં કોરોનાથી ૧૧૮૮ લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૭,૫૯૭ દર્દીઓ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા ઓછા છે. ગઈ કાલે ૮૩,૮૭૬ નવા દર્દીઓ નોંધાયા હતા. એક દિવસમાં ૧,૮૦,૪૫૬ દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. રિકવર થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જે સારા સંકેત છે. જ્યારે એક્ટિવ કેસ ઘટી રહ્યા છે. હાલ દેશમાં ૯,૯૪,૮૯૧ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે પરંતુ મોતનો આંકડો વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ ૧,૧૮૮ લોકોનો ભોગ લીધો. ગઈ કાલે ૮૯૫ દર્દીઓના મોત નોંધાયા હતા. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે ૫,૦૨,૮૭૪ થયો છે. હાલ દેશમાં કોરોનાથી ડેઈલી પોઝિટિવિટી રેટ ઘટીને ૫.૦૨% થયો છે. કોરોનાને માત આપવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોના રસીના ૧,૭૦,૨૧,૭૨,૬૧૫ ડોઝ અપાયા છે.