શિમોગા જિલ્લામાં પથ્થરમારો પણ થયો હતો અને એ પછી અહીંયા કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ
બેંગલોર, તા.૮
કર્ણાટકમાં સ્કૂલો અને કોલેજોમાં હિજાબ પહેરવાના વિવાદમાં સ્થિતિ બગડી રહી છે.રાજ્યમાં હવે ઉકળતા ચરુ જેવી સ્થિતિનુ નિર્માણ થઈ રહ્યુ છે. દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન બાસવરાજ બોમાઈએ રાજ્યમાં શાળા અને કોલેજો ત્રણ દિવસ બંધ રાખવાની જાહેરાત કરી હતી. રાજ્યમાંથી કેટલાક વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.આવા એક વિડિયોમાં એક વિદ્યાર્થી એક શિક્ષણ સંસ્થામાં ભગવો ઝંડો લગાડતો નજરે પડે છે. જેના પર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમારે નિવેદન આપતા કહ્યુ છે કે, જ્યાં આવી ઘટનાઓ બની રહી છે તે સંસ્થાઓને એક સપ્તાહ માટે બંધ કરવામાં આવે. જે વિડિયો વાયરલ થયો છે તે કર્ણાટકના શિમોગા જિલ્લાનો હોવાનુ કહેવાય છે.જેમાં એક વ્યક્તિ પોલ પર ચઢીને ઉભો છે અને બીજા લોકો નીચે ઉભા છે.પોલ પર ભગવો ઝંડો લગાવ્યા બાદ નીચે ઉભેલા વિદ્યાર્થીઓ ખુશીથી બૂમો પાડી રહ્યા છે. શિમોગા જિલ્લામાં સવારે પથ્થરમારો પણ થયો હતો અને એ પછી અહીંયા કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે.સરકારે કોલેજોને પણ સૂચના આપી છે કે, જો તમારા કેમ્પસમાં માહોલ ખરાબ થતો હોય તો બે થી ચાર દિવસની રજા જાહેર કરી દો. કર્ણાટક સરકારે હિજાબના વિવાદ વચ્ચે નવો કાયદો લાગુ કર્યો છે.તે પ્રમાણે સ્કૂલો અને કોલેજોમાં યુનિફોર્મ અનિવાર્ય કરાયો છે.ખાનગી સ્કૂલોને પણ પોતાનો યુનિફોર્મ પસંદ કરીને તેને લાગુ કરવા માટે કહેવાયું છે.