સ્વાતંત્ર્ય સંગ્રામની ઝાંખી કરાવતાં ચિત્ર પ્રદર્શન સાથે વિવિધ સ્પર્ધાઓનું થયું આયોજન : આઝાદીની સંઘર્ષ ગાથાને યાદ કરી રાષ્ટ્રનાં વિકાસમાં સહભાગી થવાનો અવસર એટલે આઝાદીનો અમૃત મહોત્સવ : દેવેન્દ્ર ત્રિવેદી
સ્વતંત્રતા સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે જાણકારી આપી લોકોમાં રાષ્ટ્ર ભાવનાનો સંચાર કરવાના ઉદ્દેશ્ય સાથે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે.
જેના ભાગરૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના શિહોરનાં બુઢણા ગામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ આઝાદીની જુદી-જુદી ચળવળ સાથે સ્વતંત્રતા સંઘર્ષ વિશે જાણકારી આપી દેશમાં ઉજવાઈ રહેલાં આઝાદીના અમૃત મહોત્સવ વિશે માહિતી આપી હતી. અમૃત મહોત્સવની ઉજવણીના પાંચ સ્તંભો આઝાદીનો સંઘર્ષ, ૭૫ વર્ષે વિચારો, ૭૫ વર્ષે સિદ્ધિઓ, ૭૫ વર્ષે કાર્યો અને ૭૫ વર્ષે આપણા સંકલ્પો વિશે વિસ્તૃતમાં જાણકારી આપવાની સાથે સરકારની વિભિન્ન યોજનાઓ અને અભિયાનો વિષયક જાણકારી તેમજ માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. કોરોના માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે આયોજિત થયેલ આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડૉ. મનાલીબેને કોરોના સંબંધિત જાણકારી આપવાની સાથે આ મહામારીથી બચવાનાં અને તેનાથી સુરક્ષિત રહેવાંનાં ઉપાયો સૂચવ્યા હતાં અને તે અંગે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ સાથે જ તેમણે દેશમાં શરૂ થયેલા ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોનાં રસીકરણ કાર્યક્રમ તેમજ બુસ્ટર ડોઝ વિશે પણ જાણકારી પૂરી પાડી સૌને રસી લેવાં માટે અપીલ કરી હતી. સંતશ્રેય એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પનારાએ આપણા દેશને આઝાદી અપાવવામાં પોતાના પ્રાણોની આહૂતિ આપનાર યુવા સ્વાતંત્ર સેનાનીઓ વિશે જાણકારી આપવાની સાથે સૌ કોઈને રાષ્ટ્રહિતનાં કાર્યોમાં આગળ આવવા માટે આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની ઝાંખી કરાવતું ચિત્ર પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાથે જ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ વિચાર પ્રસ્તુતિકરણ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન, કોવિડ-૧૯ જાગૃતતા અભિયાન, કોવિડ-૧૯ રસીકરણ અભિયાન જેવાં અભિયાનોમાં જન જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતાં. તેમજ સરકારની વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ અંગે જાણકારી આપી લોકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે બુઢણા પ્રાથમિક શાળાનાં આચાર્ય, શિક્ષકગણ, ગામનાં સરપંચ તેમજ પંચાયતના સભ્યોની કામગીરી પ્રશંસનીય રહી હતી. કાર્યક્રમમાં શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ ગામના સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લેતાં કાર્યક્રમનો હેતુ સાર્થક થયો હતો. આ કાર્યક્રમમાં નવજીવન કેળવણી મંડળનાં ટ્રસ્ટી રામભાઈ ધામેલીયા, શિહોરના સી.ડી.પી.ઓ. હેમાબેન, બુઢણા ગામના સામાજીક આગેવાન ભાયાંભાઇ ચૌહાણ, આર્મીમેન કુલદીપભાઈ, એસ.એમ.સી.ના સભ્યો, પ્રાથમિક શાળાના આચાર્ય મુનિરખાન બલોચ તેમજ ગામના સ્થાનિક આગેવાનો સહિત પંચાયતના સભ્યો, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.