ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષીય સગીરાનું આજ વિસ્તારના બે શખ્સોએ ગત શનિવારે ઇકો કારમાં અપહરણ કરી ત્રાપજ-અલંગ તરફ લઇ જઇ ત્રાપજના એક વ્યક્તિની મદદ વડે કારમાં જ ત્રણેય શખ્સોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ પ્રકરણે અલંગ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન કાર સાથે ત્રણેય અપરાધીઓ અને સગીરાનો કબ્જો લઇ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં રવિવારના રજાના દિવસે પણ પોલીસ સહિત વિવિધ સરકારી કર્મચારીઓએ કામગીરી હાથ ધરી ચાર્જશીટ ફાઇલ કરી હતી. જે સંદર્ભે માહિતી શહેર ડિવાય.એસ.પી. સફીન હસને આપી હતી. ગત શનિવારે એક ૧૪ વર્ષીય સગીરાનું શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ ભગવતી સર્કલ પાસેથી મનસુખ ભોપા સોલંકી, તેના મીત્ર સંજય છગન મકવાણાએ મારૂતી ઇકો કારમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાઓ ઉપર ફેરવી રાત્રે આ કારમાં જ ત્રાપજ પાસે દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સો સાથે પાલિતાણાનો મુસ્તુફા આયનુહક શેખ પણ જોડાયો હતો. જેમાં મોડી રાત્રે પેટ્રોલીંગ પર નિકળેલી અલંગ પોલીસે શંકાના આધારે કારનું ચેકીંગ હાથ ધરતા બેશુધ્ધ હાલતમાં અપહૃયત સગીરા મળી આવી હતી અને પ્રથમ દ્રષ્ટિએ જ કોઇ ગંભીર ઘટના ઘટી હોય તેવું પ્રત્યક્ષ પોલીસને જોવા મળ્યું હતું આથી આ શખ્સોને અટકમાં લઇ કાર સગીરા સાથે પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરતા આરોપીઓએ સગીરાના અપહરણની વાત કબુલી હતી. આથી અલંગ પોલીસે ગુનો નોંધી ભાવનગર પોલીસને સમગ્ર બનાવ અંગે વાકેફ કરતા ભાવનગરથી એલસીબી, એસઓજી સહિતનો કાફલો પહોંચ્યો હતો અને સગીરા અને આરોપીઓનો કબ્જો લઇ સગીરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સમગ્ર બાબતને ગંભીરતાથી લઇને રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે તત્કાલ કાર્યવાહીના આદેશો કરતા રવિવારે રજાના દિવસે પણ પોલીસની છ ટીમ તથા ૮૦ જણાના સ્ટાફે કાર્યવાહી હાથ ધરી ૨૪ કલાકના ટૂંકા ગાળામાં ચાર્જશીટ ફાઇલ કરી હતી અને આજરોજ ચાર્જશીટ રજૂ કરી આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રેપ જેવા બનાવમાં ભાવનગરમાં ઇતિહાસમાં કદાચ આ સૌપ્રથમ ઘટના હશે કે આટલા ટૂંકા ગાળામાં પોલીસ દ્વારા ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી હોય. સમગ્ર બાબતને લઇને ચર્ચાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.