વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માં રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો (NQAS) પર ખરું ઉતરતું ભાવનગરનું વધુ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર : જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી કરનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને આ એવોર્ડ આપવામાં આવે છે
ભાવનગર ગ્રામ્યના ફરીયાદકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો(NQAS) એવોર્ડ પ્રાપ્ત થયો છે. જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી કરનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ભારત સરકારના રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો(NQAS)પ્રોગ્રામ અંતર્ગત એવોર્ડ આપવામાં આવે છે. થોડા સમય પહેલાં જ ભાવનગરના ૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉમરાળા તાલુકાના દડવા, શિહોર તાલુકાના સણોસરા અને વલ્લભીપુર તાલુકાના રતનપર (ગા) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણોમાં ઉચ્ચતર ગુણાંક પ્રાપ્ત કરતા સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. ભાવનગર ગ્રામ્યના ફરીયાદકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ ૯૪ ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાના(NQAS) એવોર્ડમાં સમગ્ર જિલ્લામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
જાહેર આરોગ્ય ક્ષેત્રે ભારત સરકારના (NQAS)પ્રોગ્રામ અંતર્ગત જ્ઞાન, ગુણવત્તા, કૌશલ્ય, ઇન્ફેક્શન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવાં માટે આ એવોર્ડ આપવામાં આવે છે. ભાવનગરની યશકલગીમાં આ રીતે વધુ એક મોરપીંચ્છ ઉમેરાયું છે. રાષ્ટ્રીય કક્ષાના મૂલ્યાંકનકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વિવિધ વિભાગો જેવાં કે, બહારના દર્દીઓનો વિભાગ, અંદરના દર્દીઓનો વિભાગ, લેબોરેટરી, પ્રસૂતિ વિભાગ, સામાન્ય વહીવટ અને રાષ્ટીય સ્વાસ્થ્ય કાર્યક્રમોનું વિવિધ આયામો અંતર્ગત ૨ દિવસ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેના આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. જિલ્લામાં આરોગ્યની સ્થિતિ વધુ બહેતર બને તે માટે જિલ્લા વિકાસ અધિકારી ડૉ.પ્રશાંત જિલોવા પ્રયત્નશીલ છે. તેમના જિલ્લામાં આરોગ્ય સ્થિતિ સુધારવાના પગલા રંગ લાવ્યા છે અને કેન્દ્ર સરકાર શ્રેષ્ઠ આરોગ્ય કેન્દ્રમાં ભાવનગરનું ૫ મુ? કેન્દ્ર પસંદગી પામ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરણા ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.કે.તાવીયાડના માર્ગદર્શન અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ અધિકારી ડૉ.બી.પી.બોરીચાની સીધી દેખરેખ હેઠળ વર્ષ-૨૦૨૧ માં કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા ફરીયાદકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્તરના ગુણવત્તા ધોરણોમાં આ આરોગ્ય કેન્દ્રને પ્રમાણપત્રિત કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં કોરોનાકાળમાં પણ દર્દીઓની ગુણવત્તાસભર કાળજી લેવામાં આવી હતી. આ ઉપરાંત પણ આરોગ્ય સ્તર ઉંચું જાય તે માટે સઘન પ્રયત્નો કરવામાં આવે છે. આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા અને ગુણવત્તા સાથે દર્દીઓ સાથે આત્મીયતાપૂર્વક સેવા કરીને દર્દી દેવો ભવઃ ની ભાવના સાર્થક થતી જોવાં મળે છે. મેડિકલ ઓફિસર ડૉ.સુનિલ પટેલ અને ડૉ.સ્મિતા પાટિલ તેમજ ડૉ.સુફિયાન લાખાણી અને ક્વોલિટી ટીમ ભાવનગર દ્વારા આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવાન્વિત કરવામાં ખૂબ મોટો ફાળો રહ્યો છે.આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્યકર્મીઓ દર્દી સાથે ખૂબ પ્રેમભાવથી વર્તે છે અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખાનગી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ જેવી સેવાઓ આપવામાં આવે છે. યોગ્ય વાતાવરણ સાથે ગુણવત્તાયુક્ત સેવાઓ મળે છે. તેમજ ઉત્તમ આરોગ્ય સેવાઓને લઇને ગામના લોકોનો ખૂબ જ સહયોગ મળે છે.સમગ્ર પ્રમાણપત્રની પ્રક્રિયામાં જિલ્લા કક્ષાએથી ડૉ.ધવલ દવે, ડૉ.યોગેશ્વર ઉપાધ્યાય અને નીરવ ત્રિવેદી દ્વારા સંકલન અને અન્ય જરૂરી તમામ સહકારની કામગીરી કરવામાં આવી હતી. આમ, સમગ્ર જિલ્લા તંત્રની મહેનત, સંકલન અને સેવાભાવનાને કારણે ભાવનગરના ફરીયાદકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ આરોગ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.