ચીનની આક્રમકતાને ધ્યાને રાખીને ભારતનું પગલું : સવિટ સેલ્ફી એચડી, બ્યૂટી કેમેરા અને સેલ્ફી કેમેરા, ટેનસિએન્ટ ઝેવિયર, વિવા વીડિયો,એડિટર, ઓનમાયોજી અરેના,એપલોક, ડ્યૂઅલ સ્પેશ લાઈટનો સમાવેશ
નવી દિલ્હી, તા.૧૪
દેશની સુરક્ષા માટે જોખમી ચાઈનીઝ એપ્સ પર ભારતે ફરી એક વખત પ્રતિબંધનું શસ્ત્ર ઉગામ્યું છે. આ વખતે ભારતે ૫૪ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. આ બધી એવી એપ્સ છે જેના દ્વારા ભારતની સુરક્ષાને લગતી મહત્ત્વની માહિતીની ચોરી થવાનો ભય હોય છે. સરહદ પર ચીનની આક્રમકતાને ધ્યાનમાં રાખીને ભારત ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકીને જવાબ આપી રહ્યું છે. ભારતે જે ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે તેમાં સવિટ સેલ્ફી એચડી, બ્યૂટી કેમેરા – સેલ્ફી કેમેરા,ટેનસિએન્ટ ઝેવિયર, વિવા વીડિયો,એડિટર, ઓનમાયોજી અરેના,એપલોક અને ડ્યૂઅલ સ્પેશ લાઈટનો સમાવેશ થાય છે. અગાઉ પણ ભારતે ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકવાના પગલાં લીધા છે. છેલ્લે ભારતે ચીનની ૫૯ મોબાઈલ એપ્સને પ્રતિબંધિત કરી હતી જેમાં ટિકટોક, વીચેટ સામેલ હતા. તે સમયે પણ દેશની સુરક્ષા સામેના જોખમનું કારણ આપવામાં આવ્યું હતું. આ એપ્સ પર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન ૬૯એ હેઠળ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ચીન અને ભારત વચ્ચે મે ૨૦૨૦માં સરહદ પર ટક્કર થઈ હતી ત્યારથી તણાવ વધ્યો છે.ભારતે ચીનની સેલ્સ ફોર સીઈએનટી, આઈસોલેન્ડ ૨-એસેશ ઓફ ધ ટાઈમ લાઈટ, વિવા વીડિયો એડિટર, ટેન્સિઅન્ટ ઝિવર, ઓનમોયોજી ચેસ, ઓનમોયોજી અરેના, એપ્લોક, ડ્યુઅલ સ્પેસ લાઈટ એપ્સને પ્રતિબંધિત કરી છે. બે વર્ષ અગાઉ ભારત અને ચીનના દળો વચ્ચે ગલવાન વેલીમાં અથડામણ થઈ હતી જેમાં ભારતના ૨૦ સૈનિકો માર્યા ગયા હતા. ચીનના કેટલા સૈનિકોના મોત નિપજ્યા હતા તે જાણી શકાયું નથી. ત્યાર પછી સપ્ટેમ્બરમાં ભારતે ચીનની ૧૧૮ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. ચીને આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ પ્રકારનું પગલું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમોની વિરુદ્ધ છે.ભારતે હવે ચીનની જે કંપનીઓના એપ્સ પર પ્રતિબંધ મુક્યા છે તેમાં ટેન્સેન્ટ, અલીબાબા અને ગેમિંગ કંપની નેટઈઝની પ્રોડક્ટ સામેલ છે અને તેને નવા નામે રજુ કરવામાં આવેલી છે. સરકારે જણાવ્યું કે આ એપ્સ દ્વારા ભારતીયોની મહત્ત્વની માહિતી ચીન જેવા દેશમાં આવેલા સર્વર પર ટ્રાન્સફર કરવામાં આવી હતી. સરકારે ગૂગલના પ્લેસ્ટોરને પણ આવી એપ્સને બ્લોક કરવા માટે જણાવ્યુંછે. જૂન ૨૦૨૦થી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો સરકારે કુલ ૨૨૪ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ ઝીંક્યા છે જેમાં ટીકટોક, શેરઈટ,વીચેટ, હેલો, લાઈકી,યુસી ન્યૂઝ, બીગો લાઈવ, યુસી બ્રોસર અને એમઆઈ કોમ્યુનિટી સામેલ છે.