ઉત્તરાખંડ અને ગોવાની તમામ બેઠકો માટે અને યુપી વિધાનસભાની ૫૫ બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ સંપન્ન

55

નવીદિલ્હી,તા.૧૪
આજે મતદાનના બીજા તબક્કામાં ઉત્તરાખંડ અને ગોવાની તમામ બેઠકો માટે અને યુપી વિધાનસભાની ૫૫ બેઠકો માટે મતદાન કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયું છે જો કે આ દરમિયાન કેટલાક સ્થળોએ ઇવીએમ મશીન બગડી જવાની અને રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે મારામારી અને ઝપાઝપીના અહેવાલો મળ્યા હતાં.જો કે કોઇ મોટી અપ્રિય ઘટના બની ન હતી. મતદાન દરમિયાન પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત વૃધ્ધોએ પણ મતદાન કરી લોકશાહીના પૂર્વની ઉજવણી કરી હતી. લોકતંત્રના આ પર્વમાં દિવ્યાંગ વોટરો પણ આગળ પડીને ભાગ લીધો હતો ઉત્તરાખંડમાં સવારે ભારે ઠંડી હોવાને કારણે મતદાન ધીમી ગતિથી ચાલુ થયું હતું જો કે બપોરના સમયે મતદાનમાં વેગ આવ્યો હતો. બીજા તબક્કામાં બપોરે એક વાગ્યા સુધીમાં યુપીમાં ૩૯.૦૭ ટકા, ઉત્તરાખંડમાં ૩૫.૨૧ ટકા અને ગોવામાં ૪૪.૬૩ ટકા મતદાન થયું હતું. ચુંટણી પંચના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશમાં સરેરાશ ૬૫ ટકા મતદાન થયું હતું જયારે ઉત્તરાખંડમાં ૬૬ ટકા મતદાન થયું હતું. જયારે ગોવામાં સૌથી વધુ મતદાન થયું હતું અહીં સરેરાશ ૮૦ ટકા મતદાન થયું હતું. જેલમાં બંધ અને રામપુરથી સપાના ઉમેદવાર આઝમ ખાનના પત્ની તંઝીમ ફાતિમાએ કહ્યું કે તેઓ અહીં નથી પરંતુ રામપુરની જનતા તેમની સાથે છે. તેઓ પહેલા કરતા વધુ મતથી જીતશે. ઉન્નાવ જિલ્લામાં આજે સપા અને ભાજપના સમર્થકો વચ્ચે ખુબ મારામારી થઈ. જેમાં મહિલાઓ અને બાળકો સહિત આઠ લોકો ઘાયલ થયા. પુરવા કોટવાલી વિસ્તારના હાથીખેડા ગામમાં રાજકીય વિવાદને પગલે બે જૂથો વચ્ચે લાકડીઓ ઉછળી. જેમાં ચાર યુવકોને ગંભીર ઈજા થઈ છે. હુમલામાં ત્રણ મહિલાઓ અને એક બાળક પણ ઘાયલ થયા છે. ભાજપ ઉમેદવારે દલિત સપા પદાધિકારી અને પરિજનોની પીટાઈનો આરોપ લગાવ્યો છે. ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડના પણ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મતદાન કર્યું. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં એકવાર ફરીથી ભાજપની સરકાર બનશે. ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. અહીં ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી પણ જોર અજમાવી રહી છે. ઉત્તરાખંડમાં -પુષ્કર સિંહ ધામી (ભાજપ-ખટીમા), હરીશ રાવત (કોંગ્રેસ-બાજપુર), રામશરણ નૌટિયાલ (ભાજપ-ચકરાતા), સતપાલ મહારાજ (ભાજપ-ચૌબુટ્ટખલ), સુબોધ ઉનિયાલ (ભાજપ-નરેન્દ્રનગર), પ્રીતમ સિંહ (કોંગ્રેસ-ચકરાતા), રેખા આર્યા (ભાજપ-સોમેશ્વર), મદન કૌશિક (ભાજપ-હરિદ્વાર), ધનસિંહ રાવત (ભાજપ-શ્રીનગર), અનુકૃતિ ગુસાઈ (કોંગ્રેસ- લૈન્સડાઉન)ના ભાવીનો નિર્ણય મતદારોએ ઇવીએમમાં સીલ કર્યો છે.જયારે ઉત્તરપ્રદેશમાં સુરેશ ખન્ના (ભાજપ-શાહજહાંપુર), આઝમ ખાન (સપા-રામપુર), અબ્દુલ્લા આઝમ ખાન (સપા- સ્વાર), ધર્મ સિંહ સૈની (સપા-નકુડ), ગુલાબ દેવી (ભાજપ-ચંદૌસી). મહેબૂબ અલી (સપા-અમરોહા) નું ભાવી મતદારોએ નક્કી કર્યું હતું ઉત્તરાખંડમાં રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ વિધાનસભામાં જગ્ગી-બગવાનમાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરી રહેલી અનેક યુવા મુસ્લિમ યુવતીઓએ લોકશાહીના આ મહાન તહેવારમાં ભાગ લીધો હતો અને હિજાબ મુદ્દે પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી હતી. દેશને વિશ્વની સર્વશ્રેષ્ઠ લોકશાહી ગણાવતા આ યુવતીઓએ સ્પષ્ટપણે કહ્યું કે હિજાબને લઈને આખા દેશમાં જે રાજકારણ થઈ રહ્યું છે. તે સંપૂર્ણપણે બંધ થવું જોઈએ. હિજાબ સંપૂર્ણપણે અંગત બાબત છે. આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. પરંતુ તમામ રાજકીય પક્ષો આના પર પોતાની રાજકીય રોટલી શેકી રહ્યા છે. યુપીમાં બીજા તબક્કાના મતદાનની વચ્ચે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પરદાનશીન મહિલાઓની ઓળખ કર્યા વગર મતદાન કરાવવામાં આવી રહ્યું છે, જેના કારણે નકલી મતદાન કરવામાં આવી રહ્યું છે. સમાજવાદી પાર્ટી સતત નકલી વોટિંગના આરોપો લગાવી રહી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, મુરાદાબાદ નગર વિધાનસભા-૨૮, બૂથ-૩૩ અને ૩૬ પર નકલી વોટિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણી પંચ કૃપા કરીને તપાસ કરીને યોગ્ય મતદાનની ખાતરી કરે. સંભલ જિલ્લામાં અસમોલી વિધાનસભાના ભાજપના ઉમેદવાર હરેન્દ્ર ઉર્ફે રિંકુના વાહનનો ઓવરટેક કરીને હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરો લાકડીઓથી સજ્જ હતાં. ભાજપના ઉમેદવારની કારમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી બે લોકોની અટકાયત કરી છે. સહારનપુર દેહાત વિધાનસભા ક્ષેત્રમાં લોકો છેલ્લાં એક કલાકથી લાઈનમાં ઊભા રહ્યાં હતાં કારણ કે અહીં ઇવીએમ મશીન બંધ થઇ ગયું હતું ગોવામાં ૩૦૧ ઉમેદવારો મેદાનમાં હતાં. એક ચુંટણી અધિકારીએ જણાવ્યું હતું કે કોવિડ ૧૯ના પ્રસાર અટકાવ માટે મતદારોને મતદાન કેન્દ્રો પર દસ્તાના આપવામાં આવ્યા હતાં.જયારે મહિલા મતદારોની સુવિધા માટે રાજયમાં ૧૦૦થી વધુ મહિલા મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા હતાં. ગોવામાં રાજયપાલ પી એસ શ્રીધરન પિલ્લઇ અને તેમના પત્ની રીતા શ્રીધરની સાથે તેલંગાંવ વિધાનસભા વિસ્તારના મતદાન કેન્દ્ર સંખ્યા ૧૫ પર મતદાન કર્યું હતું.પૂર્વ મુખ્યમંત્રી સ્વ મનોહર પરિકરનો પુત્ર ઉત્પલ પરિકરે પણજીમાં મુખ્યમંત્રી સાવંતે અને તેમની પત્નીએ પણ મતદાન કર્યું હતું આ પહેલા તેમણે પુજા પાઠ કર્યા હતાં.

Previous articleઈસરોએ PSLV-C52 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું
Next articleરાહુલ પર બીજેપી ૧૦૦૦ રાજદ્રોહના કેસ દાખલ કરશે