૧૫ ફેબ્રુઆરીથી ૨૮ સંજીવની રથ કરી દેવાયા બંધ, ૨૨મીથી ધનવંતરી રથ પણ બંધ કરી દેવાશે
ભાવનગર શહેરમાં કોરોના ખતમ થવાની અણીએ છે આથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી કોરોનાલક્ષી કામગીરી મોટાભાગની બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તા.૨૨ મીથી ધનવંતરી રથ બંધ કરી દેવામાં આવશે. આ અંગે પ્રપોઝલ તૈયાર કરી કમિશનરને આપી દેવામાં આવી છે. મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો.સિંહાના જણાવ્યા પ્રમાણે કોરોનાના કેસ ઘટતા હવે આરોગ્ય સેવાની હાલ જરૂર ન હોય ૧૫ ફેબ્રુઆરીથી ૨૮ સંજીવની રથ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ધનવંતરી રથ પણ ૨૨મીથી બંધ કરવાનું આયોજન છે અને આ અંગેની દરખાસ્ત મુકાઇ ચુકી છે. વધુમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન શરૂ કરાયેલ ટેસ્ટ સેન્ટર પણ હવે બંધ કરી દેવાયા છે. એ.પી.એચ.ડબલ્યુ.ના ૧૨૮ સ્ટાફ પૈકી ૧૨૦ને મુક્ત કરી દેવામાં આવ્યા છે. આમ તા.૨૨ ફેબ્રુઆરી બાદ આરોગ્ય કેન્દ્ર સિવાયની કોરોનાની તમામ પ્રકારની કામગીરી બંધ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ કોરોનાના કેસ ડબલ ડીઝીટમાં આવી ગયા બાદ દિવસે દિવસે ઓછા થઈ રહ્યા છે. તેમજ હાલ પોઝિટિવ આવતા દર્દીઓમાં પણ સામાન્ય લક્ષણ જોવા મળતા ગંભીર સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા નહીવત છે. આથી હોમ આઈસોલેટ થયેલા દર્દીઓની સારવાર માટે શરૂ કરવામાં આવેલા સંજીવની રથ અને ધનવંતરી રથ સહિતની સેવાઓ બંધ કરાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, જીવીકે સંચાલિત ચાર રથ પહેલા જ બંધ કરી દેવાયા છે, આમ ભાવનગર શહેરમાં હવે કોરોના માટેની વિશેષ આરોગ્ય સેવાઓ બંધ કરાઇ રહી છે. માનવું રહ્યું કે ત્રીજી લહેર હવે પૂર્ણ થઇ ગઇ છે.
Home Uncategorized ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા સંજીવની રથ બંધ કરાયા,MPW નો મોટાભાગનો સ્ટાફ છૂટો કરાયો