સંભવતઃ ગુજરાત રાજ્યના સૌ પ્રથમ એવાં ખેલાડી છે કે જેમને આવી બર્ફીલી રમતમાં ભાગ લીધો નેશનલ સ્કી એન્ડ સ્નો બોર્ડ ચેમ્પિયનશીપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીનૂતન કેડી કંડારી
સામાન્ય રીતે આપણે જમીન પર રમાતી મેદાની રમતો એટલે કે ક્રિકેટ, ફૂટબોલ હોકી વગેરે વિષે જ જાણકારી ધરાવીએ છીએ. પરંતુ અમુક રમતો બરફની ચાદર ઓઢેલી જમીન પર પણ રમતી હોય છે. જેના વિશે આપણને બહુ જાણકારી હોતી નથી અથવા તો આપણને તેના વિશે બહુ ખ્યાલ હોતો નથી. વળી, આવી રમતો જ્યાં બરફ વર્ષા થતી નથી ત્યાં રમવી પણ અશક્ય હોય છે. મોટાભાગે યુરોપિયન દેશો કે જ્યાં વધુ બરફ વર્ષા થાય છે. ત્યાં આ પ્રકારની રમતો બહુ સામાન્ય છે અને મોટાપાયે રમાતી હોય છે. આ પ્રકારની બર્ફીલી રમતોમાં ભાવનગર જિલ્લાના સરકારી અધિકારીએ કાઠું કાઢ્યું છે અને સંભવતઃ ગુજરાત રાજ્યના સૌ પ્રથમ એવાં ખેલાડી છે કે જેમને આવી બર્ફીલી રમતમાં ભાગ લીધો છે. જામનગર શહેરના નિવાસી તથા ભાવનગર સિંચાઈ યોજના વિભાગમાં મદદનીશ ઈજનેર (ક્લાસ-૨, ગેઝેટેડ) તરીકે ફરજ બજાવતાં નચિકેતા ગુપ્તાએ ઉત્તરાખંડના ઔલી ખાતે તા. ૭ થી ૯ ફેબ્રુઆરી, ૨૦૨૨ દરમ્યાન યોજાયેલ નેશનલ સ્કી એન્ડ સ્નો બોર્ડ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી બરફમાં રમાતી રમત ગમત ક્ષેત્રે આગવી અને નવીન કેડી કંડારી છે. ગુજરાત રાજ્યનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરનાર તેઓ પ્રથમ અને એકમાત્ર ખેલાડી છે. આ વર્ષે ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસીએશન દ્વારા શ્રી નચિકેતા ગુપ્તાનું નામ આ સ્પર્ધા માટે મોકલવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બે પ્રકારની રેસ હોય છે. સ્લાલોમ તથા જાઈન્ટ સ્લાલોમ. જાઈન્ટ સ્લાલોમ સ્પર્ધામાં બરફના ૩.૫ કી.મી લાંબા સ્લોપ તથા ખૂબ જ આકરાં ઢાળવાળા ઢોળાવ ઉપર ૫૦ થી પણ વધુ વાંકાચૂકા અવરોધ સ્વરૂપ ગેઇટ માંથી અત્યંત ઝડપથી પસાર થવાનું હોય છે. જ્યારે સ્લાલોમ માં ૧.૫ કી.મી લાંબો બરફનો સ્લોપ હોય છે જે કપરા ઢાળના કારણે વધુ મુશ્કેલ બને છે. જેમાં અવરોધો સ્વરૂપ કરવામાં આવતી ગેઇટની ગોઠવણી રેસને ખૂબ જ મુશ્કેલ અને આકરી બનાવે છે. આ સ્પર્ધા ટૂંકી હોવા છતાં મુશ્કેલ સાબિત થતી હોય છે. આ બન્ને સ્પર્ધામાં જો એક પણ ગેઇટ ચૂકી જવાય તો સ્પર્ધકને ડિસક્વાલીફાઈડ ગણવામાં આવે છે અને સ્પર્ધાથી બહાર કરવામાં આવે છે.