IPL-૨૦૨૨-પંજાબ કિંગ્સે જોન્ટી રોડ્‌સને બેવડી જવાબદારી સોંપી

275

મુંબઇ,તા.૧૬
પંજાબ કિંગ્સના ફિલ્ડિંગ કોચ જોન્ટી રોડ્‌સે વસીમ જાફરની વિદાય બાદ ટીમના બેટિંગ કોચની વધારાની જવાબદારી સંભાળી છે. રોડ્‌સનો સમાવેશ સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે અને તેણે દક્ષિણ આફ્રિકા માટે આઠ હજારથી વધુ રન પણ બનાવ્યા છે. ૫૨ વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટર ગયા અઠવાડિયે આઈપીએલની હરાજી દરમિયાન મુખ્ય કોચ અનિલ કુંબલે અને સહ-માલિકો સાથે હાજર હતો. રોડ્‌સે ૨૪૫ વન-ડેમાં ૫૯૩૫ રન અને ૫૨ ટેસ્ટમાં ૨૫૩૨ રન બનાવ્યા છે. રોડ્‌સ ઉપરાંત કુંબલે સ્પિનરો સાથે કામ કરશે જ્યારે ડેમિયન રાઈટ ફાસ્ટ બોલિંગ કોચ હશે. એન્ડી ફ્લાવર, જેઓ ગત સિઝનમાં ટીમના સહાયક કોચ હતા, નવી ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્‌સ સાથે મુખ્ય કોચ તરીકે જોડાયા છે. અત્યાર સુધી આઈપીએલનો ખિતાબ જીતવામાં નિષ્ફળ રહેલી પંજાબ કિંગ્સની ટીમ ૨૦૧૪માં ફાઇનલમાં પહોંચી હતી. જોકે, હરાજીમાં શિખર ધવન, શાહરૂખ ખાન, લિયામ લિવિંગસ્ટોન, જોની બેયરસ્ટો, ઓડિયન સ્મિથ, કાગીસો રબાડા અને ઈન્ડિયા અંડર-૧૯ સ્ટાર રાજ બાવાને ખરીદ્યા બાદ ટીમ આ વખતે ટાઈટલ જીતે તેવી અપેક્ષા છે. પંજાબની ટીમ સૌથી વધુ રકમ સાથે હરાજીમાં પ્રવેશી કારણ કે તેણે માત્ર મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહને જાળવી રાખ્યા હતા. ટીમ ટૂંક સમયમાં તેના કેપ્ટન અંગે નિર્ણય લેશે. ટીમ માટે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહેલા મયંક અગ્રવાલે ગત સિઝનમાં લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત થયા બાદ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ભારતનો ઓપનર ધવન કેપ્ટન બનવાનો પ્રબળ દાવેદાર છે. તે અગ્રવાલનો સિનિયર છે અને આઇપીએલમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે થોડા સમય માટે સનરાઇઝર્સ હૈદરાબાદનું નેતૃત્વ પણ કર્યું હતું.

Previous articleફોટા લીક થયા બાદ જેકલીન પહેલીવાર નજરે પડી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે