વિસ્તારમાં હોસ્પિટલ બનાવવાની હિલચાલથી સ્થાનીકોમાં રોષ
ભાવનગરના શિલ્પીનગર રહેણાંકીય વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ કરવામાં આવતા મોડી રાત્રીના સમયે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે મહાનગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. ભાવનગર શહેરના શિલ્પીનગરમાં રહેણાંકીય વિસ્તારમાં ઉમંગ દેસાઈનું દવાખાનું હતું, પરંતુ તબીબે દવાખાનું બંધ કરી આ જગ્યા રોટરી ક્લબ ઓફ ભાવનગરને આપી છે. આ સંસ્થા દ્વારા રોટરી કરુણા હોસ્પિટલ બનાવવાની હિલચાલ ચાલી રહી છે, જેને કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો.
આ બાબતે સ્થાનિક લોકોએ મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી અને તત્કાળ પગલાં લેવા માગણી કરી હતી. જેના પગલે મહાનગરપાલિકાએ તબીબોને નોટિસ આપી ખુલાસો પુછ્યો છે. જોકે, હોસ્પિટલ બનાવવાની કાર્યવાહી બંધ ન થતા ગત રાત્રીના સમયે શિલ્પીનગરના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આ બાબતે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. શહેરના શિલ્પીનગરના ખૂણા ઉપર આવેલા શાલીભદ્ર એપાર્ટમેન્ટમાં નીચે રહેણાંકના ત્રણ ફ્લેટમાં રેસિડન્સમાંથી કોમર્શિયલ ઉપયોગ કરવા જઈ રહ્યા છે. આ કામગીરી અટકાવવા શાલિભદ્ર એપાર્ટમેન્ટ, અન્નપૂર્ણા ફ્લેટ, મહાવીર દર્શન, વસ્તુપાલ તેજપાલ એપાર્ટમેન્ટ, નેમનાથ એપાર્ટમેન્ટ, શિલ્પી એપાર્ટમેન્ટ તેમજ આજુબાજુના ટેનામેન્ટ ધારકો દ્વારા વાંધાઓ લેવામાં આવ્યા છે.
શાલીભદ્ર ફ્લેટ ધારકોએ ફરિયાદ કરી હતી. જેને લઈ તંત્ર દ્વારા તત્કાલ નોટિસ આપવામાં આવી છે. ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા 15-2-2022ના રોજ નોટિસ આપવામાં આવી છે, જેમાં સ્થાનિક રહીશો દ્વારા લેખિત ફરિયાદના આધારે ફેલટનો ઉપયોગ હોસ્પિટલ માટે કરવામાં આવતા રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે તેના આધારે નોટિસ આપવામાં આવી છે.