રવિ ડેબ્યુ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનનારા ક્રિકેટર્સની યાદીમાં

82

રવિ બિશ્નોઈએ ઈન્ટરનેશનલ કરિયરની ખૂબ જ ધમાકેદાર અંદાજમાં શરૂઆત કરી છે. વેસ્ટઈન્ડીઝ સામેની પહેલી ટી૨૦માં તેણે ૪ ઓવરમાં માત્ર ૧૭ રન આપ્યા અને ૨ વિકેટ પણ ઝાટક્યા. શાનદાર પ્રદર્શન માટે તે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદગી પામ્યો. આ રીતે તે ડેબ્યુ ઈન્ટરનેશનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનનારા ખાસ ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. પહેલી ટી૨૦માં વેસ્ટઈન્ડીઝની ટીમે પહેલા રમીને ૭ વિકેટ પર ૧૫૭ રન બનાવ્યા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ ૧૮.૫ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ભારત ૬ વિકેટથી મેચ જીત્યું હતું. કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધારે ૪૦ રન બનાવ્યા. આ રીતે ટીમે ૩ મેચની સીરિઝમાં ૧-૦ની બઢત મેળવી લીધી. અગાઉ ટીમ વનડે સીરિઝ પણ ૩-૦થી જીતી હતી. ૨૧ વર્ષીય યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈ માટે ક્રિકેટની સફર સરળ નહોતી. રાજસ્થાનના જોધપુરના રહેવાસી એવા આ બોલરે ખેતરોમાં પણ પ્રેક્ટિસ કરવી પડી. ત્યાર બાદ તેણે પોતાની મિત્ર અને કોચ સાથે મળીને એક એકેડમી શરૂ કરી. એકેડમી બનાવતી વખતે તેણે પોતે પણ મજૂરી કરી પરંતુ મહેનત ચાલુ રાખી. અંડર-૧૯ વર્લ્‌ડ કપમાં શાનદાર પ્રદર્શન દ્વારા તેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ૨૦૨૦ની ફાઈનલમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે હારી ગઈ હતી પરંતુ તેણે ૬ મેચમાં ૧૭ વિકેટ લઈને પોતાની જાતને સાબિત કરી હતી. પહેલી ટી૨૦ મેચ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ બિશ્નોઈની ખૂબ પ્રશંસા કરી હતી. આઈપીએલ ૨૦૨૨ માટે લખનૌ સુપર જાયન્ટ્‌સે તેને ૪ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ટીમ પહેલી વખત ટી૨૦ લીગમાં ઉતરી રહી છે.

Previous articleઅભિનેત્રી કાજોલે જૂહુ વિસ્તારમાં ખરીદ્યા નવા મકાન
Next articleબાળકોનો ખોવાયેલો અવાજ પ્રિ-સ્કૂલમાં ફરી ગુંજતો થયો