કોર કમિટીની બેઠકમાં લેવાયો મહત્વપુર્ણ નિર્ણય : ઓફલાઈન શિક્ષણ માટે રાજ્યની તમામ શાળા અને કોલેજો દ્વારા કોવિડ ગાઈડલાઈન્સનું કડક રીતે પાલન કરવું પડશે
ગાંધીનગર, તા.૧૭
રાજ્યમાં સતત કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને પગલે હવે રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલાં પ્રતિબંધો ધીમે-ધીમે ઘટાડવામાં આવી રહ્યા છે. રાજ્યમાં આજથી બે વર્ષ બાદ આંગળવાડી અને પ્રી-સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે આ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં હવે તમામ શાળા અને કોલેજોમાં સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કોર કમિટીમાં થયેલી ચર્ચા બાદ રાજ્ય સરકાર દ્વારા ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૨થી રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ માટે શાળા અને કોલેજો દ્વારા કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે તેવું પણ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, શિક્ષણના વિશાળ જાહેર હિતમાં માન. મુખ્યમંત્રી @BhupendrapbjpS ના માર્ગદર્શન,વિચાર વિમર્ષ અને સુચના મુજબ આજની કોર કમિટીમાં થયેલ ચર્ચા અન્વયે તા.૨૧/૦૨/૨૦૨૨, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારશ્રીએ મહત્વનો નિર્ણય લીધો છે. અન્ય એક ટ્વીટમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ શાળા-કોલેજોએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ/ વાલીઓ/ શાળા-કોલેજોના સંચાલકોને ઓફલાઇન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે તે બાબત ધ્યાને લેતાં આ નિર્ણયનું અમલીકરણ તા.૨૧/૦૨/૨૦૨૨ સોમવારથી થશે. ઉલ્લેખનીય છે કે, આજથી રાજ્યમાં બે વર્ષ બાદ પ્રી-પ્રાયમરી શાળાઓ ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારીની શરૂઆતથી જ આંગળવાડી સહિત બાલમંદિરો અને પ્રી-પ્રાયમરી શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. જો કે બે વર્ષ બાદ આજે જ્યારે નાના ભૂલકાંઓ આંગળવાડી, બાલ મંદિર અને પ્રી-સ્કૂલમાં પ્રવેશ્યા હતો તો તેમના કોલાહલથી શાળાઓનું વાતાવરણ જીવંત બની ગયું હતું. બે વર્ષ બાદ ફરીથી સ્કૂલે આવવાનું થતાં અમુક બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, તો કેટલાય બાળકોને સ્કૂલે આવવાનું ન ગમતાં તેઓ રડી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોનને કારણે આવેલી ત્રીજી લહેર ધીમે-ધીમે નબળી પાડતાં રાજ્ય સરકાર દ્વારા કોલેજો, માધ્યમિક, પ્રાથમિક અને પ્રી-સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. અને હવે સોમવારથી તમામ શાળાઓ અને કોલેજોમાં ફરીથી રાબેતામુજબ ઓફલાઈન શિક્ષણ શરૂ થશે.