પીઠી ચોળવાની તૈયારી કરી રહેલી મહિલાઓ કૂવામાં પડી, ૧૩નાં મોત

87

મહિલાઓ અને બાળકીઓ કૂવા પર બનેલા ચબૂતરા પર બેઠા હતા, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કૂવાનો ચબૂતરો મજબૂત નહોતો માટે તૂટી ગયો
કુશીનગર,તા.૧૬
ઉત્તરપ્રદેશના કુશીનગરમાં નૌરંગિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. થોડી વાર પહેલા જ્યાં ખુશીનો માહોલ હતો, લોકો ઉજવણી કરી રહ્યા હતા, ત્યાં હવે હૈયાફાટ રૂદન થઈ રહ્યા છે. લગ્નની એક વિધિ ધરમિયાન હસતા-રમતા ૩૦ લોકો કૂવામાં સમાઈ ગયા. કોઈને સમજ નથી પડતી કે આખરે થઈ શું ગયું. દોઢ કલાક પછી જ્યારે તેમને બહાર નીકાળવામાં આવ્યા તો ૧૧ બાળકો સહિત ૧૩ લોકોએ જીવ ગુમાવી દીધા હતા. દુર્ઘટના તે સમયે થઈ જ્યારે પીઠીને લગતી એક વિધિ મટકોડવા માટે મહિલાઓ અને યુવતીઓ કૂવા પર પહોંચી હતી. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, નૌરંગિયા ગામ પંચાયતની શાળા પાસે બુધવારની રાતે લગભગ ૯ વાગ્યે એક માંગલિક કાર્યક્રમમાં કૂવાના પૂજનની વિધિ માટે મહિલાઓ અને બાળકીઓ ભેગી થઈ હતી. કૂવો પાણીથી ભરેલો હતો અને ભીડ પણ વધારે હતી. મહિલાઓ અને બાળકીઓ કૂવા પર બનેલા ચબૂતરા પર બેઠા હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કૂવાનો ચબૂતરો મજબૂત નહોતો માટે તૂટી ગયો અને આ દુર્ઘટના બની. ગામના અમુક લોકો કહી રહ્યા છે કે, સ્લેબ પર ચઢવાની ના પાડી હતી, પરંતુ કોઈએ વાત માની નહીં. એકાએક સ્લેબ તૂટી ગયો અને લગભગ ૩૦ લોકો કૂવામાં પડી ગયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મહિલાઓ લગ્નના એક દિવસ પહેલા કૂવા પાસે કોઈ વિધિ કરવા પહોંચી હતી. સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. કૂવામાં પડી ગયેલી મહિલાઓ અને બાળકીઓને કેવી રીતે બહાર નીકાળવામાં આવે તે કોઈને સમજ નહોતી પડતી. બે કલાકની મહેનત પછી ૧૧ બાળકીઓ અને બે મહિલાઓને કૂવામાંથી નીકાળીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. જિલ્લા અધિકારી અને પોલીસ અધિકારી મોડી રાત સુધી લોકોને નીકાળવાનો પ્રયત્ન કરતા રહ્યા. ઘટના એટલી ભયાનક હતી કે આખા ગામમાં કોહરામ મચી ગયો. લગ્નના ઘરમાં તો ચીસાચીસ થઈ ગઈ. ગામથી લઈને હોસ્પિટલ સુધી, તમામ સ્થળોએ હાહાકાર મચી ગયો. કમિશનર, ડીઆઈજી, ડીએમ, એસપી ઘટનાસ્થળ પર પહોંચ્યા. પીડિત પરિવારને તમામ શક્ય મદદ અપાવવાનો ભરોસો આપ્યો. પોલીસ જણાવે છે કે, તેઓ જ્યારે ગામ પહોંચ્યા તો ગામના પુરુષ ફરાર હતા. તેમને ડર હતો કે ક્યાંક દામના લોકો ગુસ્સામાં આવીને તેમની સાથે મારપીટ ન કરે. પરિવારના મહિલા સભ્યોનું કહેવું છે કે, અમને અંદાજો નહોતો કે સ્લેબ તૂટી જશે. જો કે જ્યારે લોકો તેના પર ચઢી રહ્યા હતા ત્યારે ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ લોકો ડાન્સ જોવા માટે આવ્યા અને કંઈ સાંભળવા તૈયાર નહોતા. ગામની સાથે સાથે હોસ્પિટલમાં પણ આ ઘટના પછી હાહાકાર મચી ગયો હતો. એક સાથે ૧૩ મૃતદેહો જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. બચાવકાર્ય હજી પણ ચાલુ છે અને મૃતકોની સંખ્યા વધી પણ શકે છે.

Previous articleમોદી ભૂલો સ્વિકારે, નહેરુને જવાબદાર ઠેરવવાનું બંધ કરે
Next articleભાવનગરના નિવૃત જવાને સહાયની રકમ વધારીને 1 કરોડ રૂપિયા કરવા અભિયાન હાથ ધર્યું