મૂર્તિ અને હથિયાર સહિતનો મુદ્દામાલ કબ્જે લેવાયો 11 લાખની ચોરી મામલે ચાર આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ગઢડાના ચિરોડા ગામમાં રહેણાંક મકાનમાંથી થયેલી 11 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ગઢડા તાલુકાના ચિરોડા ગામે રહેતા રઘુભાઇ કરશનભાઇ કેવડીયાએ ગઢડા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.12ના રોજ રાત્રિના સુમારે પોતાના રહેણાંકી મકાનમાં તેઓ એકલા સુતા હતા તે વેળાએ ચાર અજાણ્યા શખ્સોએ મકાનમાં પ્રવેશ કરી મકાનના બે રૂમમાં ચોરી કર્યાં બાદ તેઓ જાગી જતા તેમને ઉક્ત શખ્સોએ પકડી રાખી ગળે છરી રાખી રૂમમાં પલંગ ઉપર સુવડાવી, માર મારી કબાટમાં રાખેલ રૂા.11 લાખ તેમજ રાધાકૃષ્ણની પંચધાતુની મૂર્તિની ચોરી કરી નાસી છુટ્યા હતાં. આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાતા એલસીબી અને અલંગ પોલીસની ટીમે તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા લાઠીદડ ગામે રહેતા ખીજડીયા ગામના રહેવાસી અને મજુરી કામ કરતા પ્રતાપ કાળુભાઇ જીલીયાની ઘનિષ્ઠ તપાસ કરતા અને પુછપરછ કરતા ઉક્ત શખ્સે ચોરી તેણે તથા તેના પિતા કાળુ લખુભાઇ જીલીયા અને તેના કુટુંબી ભાઇ હરેશ ચંદુભાઇ જીલીયા, ઘનશ્યામ બચુભાઇ વાઘેલા (રે.હળીયાદ) નામના શખ્સોએ ઉક્ત ચોરી કર્યાંની કબુલાત આપતા પોલીસે ઉક્ત આરોપીઓને ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા અદાલતે ઉક્ત આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતાં. પોલીસ તપાસ દરમિયાન ગુનામાં ઉપયોગ કરેલ હથિયારો, ચોરી કરેલ મૂર્તિ સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે લઇ આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.