કાર્ય નાનું હોય કે મોટુ, સારું હોય કે ખરાબ. દરેક કાર્યની પાછળ એક વિચાર રહેલો જ હોય છે. જો વિચારને યોગ્ય દિશા આપવામાં આવે તો એક વિચાર દુનિયાને કંઈક આપી શકે છે, દુનિયામાં ક્રાંતિ લાવી શકે છે અને જો તેને પોતાના માર્ગથી ફંટાઈ જાય તો એક વિચાર દુનિયાને વિનાશ પણ કરી શકે છે.
ઈ.સ.૧૬૬૬ની વાત છે. ઉનાળાનો સમય હતો. આઇઝેક ન્યુટન બગીચામાં સફરજનના ઝાડ નીચે બેઠો હતો. અચાનક એણે જોયું કે ઝાડ ઊપરથી એક સફરજન નીચે પડ્યું. આ દૃશ્ય જોઈને તેના મગજમાં એક વિચાર ચમક્યો કે સફરજન નીચે જ કેમ પડ્યું? ઘણા દિવસો સુધી તેણે એ વિષય પર મનન કરતો રહ્યો કે બધી વસ્તુઓ નીચેની તરફ જ પડે છે. આમાં કોઈક રહસ્ય તો હોવું જ જોઈએ. અને એણે ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો. સફરજન કે બીજા ફળને પડતાં આપણે પણ કેટલી વાર જોયા છે પણ વિચાર કેટલાને આવ્યો? આમ એક આઇઝેક ન્યુટનના એક વિચારના કારણે દુનિયાને ગુરુત્વાકર્ષણના નિયમની ભેટ મળી.
એક ટનલનું ખોદકામ થઈ રહ્યું હતું. ઘણા મજૂરો આ કાર્યમાં જોડાણા હતા. દરરોજના નિત્યક્રમ પ્રમાણે બપોરના સમયે આ મજૂરો હાથ-પગ સાફ કરીને જમવા માટે બેસે. હાથ-પગ ધોવામાટે ટનલની તિરાડમાંથી આવતા પાણીનો ઉપયોગ બધા કરતા. ભોજન કરીને બધા આ જ પાણીનો ઉપયોગ પીવામાટે કરતા. કારણ કે આ તીરાડમાંથી આવતું પાણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હતું. એક દિવસ એક મજૂરને વિચાર આવ્યો કે જો આ પાણીને આપણે બોટલમાં ભરીને લોકોને વહેચીએ તો? આ એક વ્યક્તિના વિચારથી દુનિયાને બિસ્લેરી કંપનીની ભેટ મળી. બાકી પાણી તો પૃથ્વી પરના અબજો લોકો પીતા હતા.
ગોંડલના રાજા ભગવતસિંહજી ઇંગલેન્ડની બજારમાં ફરતા હતા ત્યારે તેમણે નવા શબ્દોનો સંગ્રહ કરવાનો વિચાર આવ્યો. આ એક વિચારને કારણે આજે આપણને ગુજરાતી ભાષાનો વિશ્વકોષ ભગવદ્ ગોમંડળ પ્રાપ્ત થયો. જે ગુજરાતી ભાષાનો દુનિયાનો સૌથી મોટો વિશ્વકોષ ગણાય છે. જેમાં અઢી લાખથી પણ વધુ શબ્દોના અર્થનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આમ, એક વિચાર યોગ્ય દિશા મળતા દુનિયાને ગુરુત્વાકર્ષણનો નિયમ આપી શકે છે. એક વિચાર સમાજને બિસ્લેરી જેવી મોટી કંપની આપી શકે છે. એક વિચાર દુનિયાને સૌથી મોટો ગુજરાતી ભાષાનો વિશ્વકોષ આપી શકે છે. અને હા, એક વિચાર દુનિયાને કે સમાજને ઘણુ પ્રદાન કરી શકે છે પણ જો આ જ વિચારને યોગ્ય દિશા આપવામાં ન આવે તો દુનિયામાં વિનાશ પણ સર્જી શકે છે.
હિટલરનું નામ આપણે સૌએ સાંભળ્યું જ છે. તેમના શિક્ષકના શબ્દો તેમના કાને પડ્યાં અને યહુદી જાતે પ્રત્યે તેને વેર બંધાયું. જેને કારણે તેને વિચાર આવ્યો કે, ‘યહુદી જાતિનું અસ્તિત્વ ન રહેવું જોઈએ.’ આ એક વેરના વિચારે બીજા વિશ્વયુદ્ધમાં ૬૦ લાખ યહુદીઓની હત્યા થઈ. મંથરાએ કૈકેયીના મનમાં એક અવળો વિચાર વાવ્યો. જેના ફળરૂપે રામ ભગવાનને ૧૪ વર્ષનો વનવાસ મળ્યો.
એક રીસર્ચ પ્રમાણે દરરોજ વ્યક્તિને સરેરાજ ૭૦ હજારથી વધુ વિચારો આવે છે. જેમાંથી આપણે કેટલાક વિચારોને પકડી શકીએ છીએ. જેમાં કેટલાક સારા પણ હોય છે અને ખરાબ પણ હોય. કેટલાક સર્જનાત્મક હોય છે અને કેટલાક વિનાશ કરનાર પણ હોય છે. તો પછી આપણે કયા વિચારને અનુસરવું અને કયા વિચારનો ત્યાગ કરવો? આ પ્રશ્નનો ઉત્તર આપતાં સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમ પ્રકરણના ૧૬મા વચનામૃતમાં કહે છે કે, ‘સવળો વિચાર હોય તેને ગ્રહણ કરવો અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરવો.’
વિચારની સૃષ્ટિ અત્યંત વિશેષ છે. જો સાર્થક અને યોગ્ય દિશામાં વિચાર નિયંત્રિત સ્વરૂપે કાર્યાન્વિત થાય તો વિકાસ સર્જે છે. જયારે અનિયંત્રિત, અયોગ્ય અને કુત્સિત વિચાર હાનિકારક હોય છે અને ભયાનક પરિણામને નોતરે છે. આ બાબત પર વિચારીએ.
ભગવાન સ્વામિનારાયણ પણ વિચારની મહત્તા બતાવતાં વચનામૃતમાં જણાવે છે, “ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તે જે તે અતિશય ભૂંડા જે શબ્દાદિક પંચવિષય તે સરખા થાય નહીં અથવા તેથી અતિશય ઊતરતા પણ થાય નહીં.”
આમ, આધ્યાત્મિક માર્ગે ચાલતા મુમુક્ષુને પણ વિચાર કરવો જરૂરી છે. વિચારથી જ તેને અંતર્દૃષ્ટિ થાય અને વિવેકનો ઉદય થાય છે.