શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ કેમ હોવું જોઈએ ???

329

વિશ્વ માતૃભાષા દિન
” હીરા પરખને વાલે સે,
પીડા પરખનેવાલા જ્યાદા
મહત્વપૂર્ણ હોતા હે !!”
આઝાદીના અમૃત મહોત્સવ સુધીમાં શિક્ષણમાં અનેક પરિવર્તનો વાવાઝોડાની જેમ ત્રાટકતાં રહ્યાં છે. શિક્ષણ પરિવર્તનશીલ રહેવું જોઈ પણ, પરિવર્તનના ઓઠા તળે એનું સત્વ અને મહત્વ છીનવાઈ જાય તે જરા પણ યોગ્ય નથી. દેશના વિકાસની રૂપરેખા અને આપણી આગવી રાષ્ટ્રીય ઓળખ બંનેનો સમન્વય ધ્યાનમાં રાખી શિક્ષણનું પ્લાનિંગ થાય તેવું રાષ્ટ્રીય કક્ષાએ વિચારવું, આયોજન કરવું અને દ્રઢતાથી આયોજનનો અમલ થાય તે જરૂરી છે.એનું એક એક પાસું પ્રવર્તમાન સમયે અધ્યયનનો આગવો વિષય બની શકે તેમ છે.
૨૧ ફેબ્રુઆરી જ વિશ્વ માતૃભાષા દિવસ,એનો ઈતિહાસ,યુનોમાં એનો ઠરાવ વગેરે થી આપ પરિચિત હશો એમ માની,આજે તો આપણે ફક્ત શિક્ષણના માધ્યમ ઉપર જ વિચાર કરીએ.માધ્યમ સંબંધે વિદ્યાર્થી, વાલી, શિક્ષક, સંચાલક મંડળ અને શિક્ષણ ક્ષેત્રના બુદ્ધિજીવીઓ પણ તટસ્થ નિર્ણય બાબતે અવઢવમાં છે. એવું આજે સતત લાગ્યા કરે છે. આ સ્થિતિમાં બાળકોની પરિસ્થિતિ”સૂડી વચ્ચે સોપારી સમાન”– મૂંઝવણભરી બની રહી છે.આવો !! જોઈએ,બાળમાનસ થી લઇ શિક્ષણના ઉદ્દેશો સુધી શિક્ષણનું માધ્યમ કયું હોવું જોઈએ?? એ બાબતે થોડીક વિચાર ગોષ્ટી કરીએ.
“અનેક સારા ફાયદા તમે ગણાવી શકો છો પણ,
એનાં મૂળની ખરાબ ભૂમિ ભૂલીને જળ કેટલું
સિંચશો ? આખર,અવરોધો વચ્ચે ફળ
એનાં તમે કેવી રીતે– કેટલાં પામશો ??”
સમય સાથે કદમ મિલાવી, જીવનના પડકારો અને પ્રશ્નોનું સ્વયં નિરાકરણ લાવી, જીવન જીવવાની આવડત વિકસાવી, જ્ઞાનનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરી અંતે ઈશ્વરે આપેલા અવતારને સન્માનજનક-સંતોષકારક રીતે સાર્થક કરવાની તાલીમ નું સ્વરૂપ એટલે જ શિક્ષણ.સામાન્ય રીતે બાળકના શારીરિક અને માનસિક વિકાસ સાથે ગળથુથીમાંથી પાલ્યો દ્વારા માતૃભાષાનો જીવન વ્યવહારમાં અનુભવ થાય છે.
બાળકની સ્વર્ણન્દ્રીય શક્તિના વિકાસ સાથે શબ્દ-શ્રવણીય સમજણનો વિકાસ સતત થયા કરે છે.જીવન વ્યવહારમાં શબ્દ પરંપરા અવિરત પણે તેને પ્રાપ્ત થાય છે. આ તમામની અસર બાળકની ભીતર ચિત્ત, મન, બુદ્ધિ અને અહંકાર સાથે જોડાય છે.વહેવારમાં સહજ રીતે બોલાતી ભાષાથી તેનું માનસિક ઘડતર થાય છે.અંતર-મનમાં એટલે કે ચિત્તમાં એ બાબતો અંકિત થતી રહે છે.
સ્વર્ણેન્દ્રીય સમજ સાથે, આપમેળે બાળકના મનમાં શબ્દદેહ રચાય છે. આ ભંડોળના સહારે એની બુદ્ધિનો નિર્ણય ભાષાકીય અભિવ્યક્તિમાં એટલે કે માતૃભાષાથી વિકાસનો પાયો રચાય છે. માતૃભાષા દ્વારા બોલીનું પ્રભુત્વ પેદા થાય છે. જે એની સમજ,વ્યવહાર કરવાના નિર્દેશ દ્વારા શારીરિક સાથે આંતરિક વૃદ્ધિમાં વિકસિત થાય છે. આપણે આગળ જોઇ ગયા કે જીવન જીવવાનું શીખવાડે એ કળા એટલે જ કેળવણી.
બાળકના ઉછેર દરમિયાન માતા-પિતાથી લઈ કુટુંબ પરિવાર, મિત્રો, શાળા આસપાસની વ્યક્તિઓ વગેરે વગેરેના વર્તન-વ્યવહારનો સાંવેગિક સ્પર્શ પણ બાળકને થાય છે. એના ભીતરમાં લાગણીઓ કે ભાવનું સર્જન પણ થયા કરે છે. સ્વર્ણેન્દ્દીય શક્તિ મારફત દરેક શબ્દમાંથી નીત નવું મેળવી અંતે વ્યક્તિત્વનું ઘડતર થાય છે. બાળ મનોવિજ્ઞાનની આટલી ટૂંકી સમજ શિક્ષણના પાયામાં હોવી જરૂરી છે.આ બાબત વાલી,શિક્ષક,સંચાલક કે સમગ્ર સમાજના પરીઘને આવરી લે છે.
” દરેક જીવ પોતાના સ્વભાવમાં નહીં પણ,
બીજાના પ્રભાવમાં જીવે છે.એટલે તો
દર્શન કરતાં પ્રદર્શન વધારે હોય છે. ”
આપણને આઝાદી મળી પરંતુ માનસિક રીતે હજી અંગ્રેજી ના ગુલામ છીએ. પરદેશ જવાની લાલચ કે અન્ય ઘણા કારણો ને લીધે આજકાલ અંગ્રેજી માધ્યમ તરફનો ઝોક વિશેષ રહ્યો છે. આ બાબતે ત્રણ પરિબળો મુખ્ય ભાગ ભજવે છે. ૧.અંગ્રેજી માધ્યમમાં પોતાના બાળકને ભણાવવું એ આજ કાલ સામાન્ય રીતે ઘેલશા,મોભો કે પ્રતિષ્ઠાનું કારણ બની ગયું છે. આ બાબત કેટલાક અંશે સામાજિક દૂષણમાં ફેરવાતી જોઈ શકાય છે.અંગ્રેજી માધ્યમ તરફના મોહ કરતાં સ્ટેટ્‌સને મહત્વ અપાય છે.૨.અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલી કેટલાંક સંચાલક મંડળો શિક્ષણ વ્યાપારની નવી તરાહ ઊભી કરી રહ્યા છે. ૩.વાલીઓ પોતાના બાળકોને પરદેશ મોકલવાની કે અન્ય બાહ્ય દેખાવની લ્હાયમાં અંગ્રેજી માધ્યમમાં ભણાવવા તત્પર બન્યા છે.બિન તંદુરસ્ત હરિફાઈ વધતી જાય છે. કોણ,શું અને કેટલું સાચું ???એ ઈશ્વર જાણે !
આવો !! હવે જોઈએ માતૃભાષાની તુલનામાં અંગ્રેજી માધ્યમમાં ભણાવવા બાબતે બાળકની શું સ્થિતિ થાય છે ??એ તરફ એક દૃષ્ટિ કરીએ.
અંગ્રેજી ભાષા માધ્યમમાં ભણતું બાળક શારીરિક રીતે, શિક્ષણ કાર્યમાં હાજર હશે. પરંતુ તેના મસ્તિષ્કમાં શબ્દોની અનુભૂતિ માતૃભાષા જેટલી અસરકારક નહીં હોય.હર્ષ,શોક, હાસ્ય, કારુંણ્ય, વિસ્મય વગેરે વગેરે તમામ રસોનો પ્રભાવ જલ્દીથી અંકિત થતો નથી. સમગ્ર અધ્યયન પ્રક્રિયાનો અનુભવ ચિત્ત ઉપર થવામાં અનેક સમસ્યાઓ સર્જાય છે. આપણી સંવેદનાઓ, મૂલ્યો કે ગુણોનો વિકાસ રૂંધાય છે. વ્યક્તિનું ઘડતર કુંઠિત થાય છે.
“દરેક ચીજનું મૂલ્ય સમય આવે ત્યારે જ
સજાય છે,વાતાવરણમાં મળતો ઓક્સિજન
હોસ્પિટલમાં કેવો વેચાય છે?? ”
જ્યારે બીજી તરફ મસ્તિષ્કમાં કોઈ પણ વિષયને સમજવા, એની ભાવાનુભૂતિ કરવામાં,પહેલાંથી માત?ભાષિક અંકિત શબ્દ અને એની વિસ્તૃત સમજ- કૌશલ્ય ઝડપથી કામ કરે છે.વિષય સરળતા,ઝડપથી સમજી શકે છે, તથા સમજ પાકી થાય છે. આ સમજણનો પાયો અન્ય વિષય શિક્ષણમાં ત્વરિતા લાવે છે.
જ્ઞાન સાથે બાળકની આંતરિક લાગણીઓ અને સંવેદનાઓ પણ એમાં ઉમેરાઈ, વર્ગ કાર્ય દરમ્યાન તથા અન્યત્ર વિષય સમજવા સંબંધી ગૂંચવણ કે કઠિનતા બાબતે ઉપયોગી રહે છે.માતા-પિતાને શિક્ષણની સાર્થકતા સમજાતાં બાળક અને શાળામાં રસ પડે છે.બાળકોના પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી, વાલીઓના માધ્યમથી થાય છે. વાલી બાળકના વિકાસનું અને શાળાનું સક્રિય અંગ બને છે.પૂર્વ જ્ઞાનના સંદર્ભનો અનુબંધ કરી અન્ય વિષયો સમજવાની સરળતા રહે છે. વિચારોનું આદાન-પ્રદાન-ભાવાભિવ્યક્તિ સરળતાથી અને ઝડપી કરી શકે છે.
વારંવાર સ્મરણ કે પુનરાવર્તન સરળતાથી થાય છે. આમ થવાથી વિષયમાં રૂચિ વધે છે, રસ કેળવાઈ ભણવામાં ઉત્સાહ પેદા થાય છે.આવા છાત્રો હંમેશા તેજસ્વી બને છે. આનાથી બિલકુલ વિપરીત પરિસ્થિતિ અંગ્રેજી માધ્યમમાં નિર્માણ પામે છે.છાત્ર છેવટે અભ્યાસ છોડવા કે અધકચરા જ્ઞાનનો શિકાર બને છે. હઠાગ્રહથી છાત્રોના વાલીઓ, સંચાલક મંડળો અને શિક્ષણ ક્ષેત્રની કેટલીક વ્યક્તિઓ બાળકોને તટસ્થ રાહ બતાવવામાં ઊંણા ઉતરે છે.. પરિણામ સ્વરૂપ સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે.બાળકમાં યોગ્ય ગુણ,સંવેદનો, સંસ્કાર કે ચારિત્ર્ય ઘડતરના જ્ઞાનનો પાયો ખામીમય રહી જાય છે અને ક્યારેક વિકૃતિઓના સર્જનની સંભવિત તકો પૂરી પાડે છે. બાળકની સંવેદનાઓને રુંધવાથી શિક્ષણ સાથે સંકળાયેલ એવાં તમામ પાસાં અનાયાસે દોષિત બને છે.
એનો અર્થ એ નથી કે આપણે અંગ્રેજી વિષય શિક્ષણના આલોચક છીએ. વિષય તરીકે અંગ્રેજી વિષય અવશ્ય ભણાવો. એમાં બેમત નથી. પણ માતૃભાષાના માધ્યમથી જ્ઞાનની ભાવાત્મક મનોસ્થિતિ, સંવેદના વગેરેમાં સમૃદ્ધ થયા પછી જ. બાળકની સર્જકતાને ખેલવા ન દે એવી અંગ્રેજી માધ્યમની દુકાનોને નિશાળનો દરજ્જો કેવી રીતે આપી શકાય?? બાળકો માહિતીની વખાર બની રહે એ જ આપણા ઉદ્દેશો હોય તો આપણા ઘરમાં પુસ્તકોનો આહાર કરતી ઉધાઈને પંડિત કહેવી પડે .શ્રી ગુણવંત શાહનું આ સૂક્ષ્મ નિરીક્ષણ છે.
વૈશ્વિક કક્ષાએ એવા ઘણા મહાનુભાવો થઈ ગયા છે કે જેમણે માતૃભાષામાં જ્ઞાન મેળવ્યા બાદ અંગ્રેજી ભાષા જ નહીં સમસ્ત વિશ્વને ચકિત કરી દીધું છે.
માનવ ઈતિહાસના વિશ્વ માં મહાન વિચારક સોક્રેટિસ,પ્લેટો,એરિસ્ટોટલ, પાયથાગોરસ અને હિરેકિલટસ પોતાની માતૃભાષામાં, આઈન્સ્ટાઈન,બર્ટ્રાન્ડ રસેલ ,ચેખોવ વગેરે વગેરે પણ પોત પોતાની માતૃભાષામાં જ ભણ્યા હતા. ગાંધીજી,વિનોબાજી,રજનીશજી માતૃભાષામાં જ ભણ્યા હતા છતાં અંગ્રેજી સાહિત્યનું એમનું વાચન કોઈ અંગ્રેજ પ્રોફેસર કરતાં જરા પણ ઓછું ન હતું.
અબ્દુલ કલામ ધો.૧૦ સુધી માતૃભાષામાં જ ભણ્યા હતા.નાગપુરમાં એક વખત એમણે કહ્યું હતું કે વિજ્ઞાનનું શિક્ષણ બાળકોને માતૃભાષામાં જ આપવું જોઈએ.આપણા જાણીતા વૈજ્ઞાનિક અને લેખક શ્રી જયંત નર્લીકરે પણ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો માતૃભાષામાં ભણાવવા જોઈએ એવો આગ્રહ રાખ્યો છે.આમ બાળકોના શારીરિક, માનસિક, શૈક્ષણિક, બૌધિક વિકાસના ઘડતર માટે માતૃભાષામાં શિક્ષણ વધુ યોગ્ય લાગે છે કે કેમ ?? એ અંતે આપ સૌ સજ્જનો ઉપર છોડું એ જ ઉચિત સમજું છું.
“કોઈનો સંગ કરતાં પહેલાં,એ જોઈ
લેજો કે એના રંગ અને વેશ કેટલા છે ?
તથા આપણા માટે એ કેટલા લાયક છે ??”
શ્રી શ્યામજીભાઈ દેસાઈ
પૂર્વ શિક્ષક સર્વ વિદ્યાલય હાઈ.કડી,
જિ.મહેસાણા ૯૪૨૭૪ ૭૨૯૯૧.

Previous articleએક વિચાર જીવન બદલે…:- ભક્ત તરુણ (વચનામૃત : જીવન માર્ગદર્શક )
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે