પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલની ચિમકી
કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ વ્યાજબી ભાવના દુકાનદારોને કોરોના વોરિયર્સ ગણી આર્થિક સહાય ચુકવવા સહિતના પડતર પ્રશ્ને આજે ભાવનગર શહેર-જિલ્લાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારોએ હડતાલ પાડતા અનાજની વિતરણ વ્યવસ્થા ઠપ્પ થઇ ગઇ હતી. જ્યારે પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો વ્યાજબી ભાવના દુકાનદારોએ અચોક્કસ મુદતની હડતાલની પણ ચિમકી ઉચ્ચારી હતી. ભાવનગર, રાજકોટ સહિત સૌરાર્ષ્ટ્ર-કચ્છના ૬ હજારથી વધુ સસ્તા અનાજના દૂકાનદારોએ આજે શનિવારે એક દિવસીય હડતાલ પાડી હતી. જેના કારણે શહેર-જિલ્લામાં અનાજની વિતરણ વ્યવસ્થા ઠપ્પ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં મૃત્યુ પામેલ ૬૩ જેટલા વેપારીઓને વળતર નહીં ચૂકવતાં રાજ્ય સરકાર સામે વ્યાજબી ભાવના દુકાનદારોએ આંદોલનનું રણશીંગુ ફૂક્યું છે. આર્થિક સહાય આ ઉપરાંત કેટલાક પડતર પ્રશ્નો પણ હજુ નહીં ઉકેલાતાં હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. વ્યાજબી ભાવના દુકાનદારોનું એસોસીએશન ચલાવતા અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારી દરમિયાન સસ્તા અનાજના વેપારીઓએ મહા મહેનતે ગરીબોના ઘર સુધી અનાજ પહોંચાડ્યું હતું. કોરોના વોરિયર્સની ભૂમિકામાં રહેલા રેશનિંગ વેપારીઓ પણ ઝપટે ચડી ગયા હતા. એટલું જ નહીં ૬૮ જેટલા વેપારીઓના મોત થયા હોવાનું રેશનિંગના વેપારીઓ જણાવી રહ્યા છે. જૂનાગઢમાં સૌરાષ્ટ્ર-કચ્છ રેશનિંગ એસોસીએશનની બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકારે કોરોના વોરિયર્સને ૨૫ લાખની સહાય આપવા જાહેરાત કરી હતી. ૬૮ રેશનિંગ વેપારીઓ પૈકી સરકારે માત્ર પાંચ જ વેપારીઓને વળતર ચૂકવ્યું છે. જ્યારે હજુ ૬૩ વેપારીઓને વળતર ચૂકવ્યું નથી. ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ શોપ્સ એસોસીએશન દ્વારા આર્થિક સહાય બાબતે અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ પ્રશ્નોનો ઉકેલ આવેલ નથી ઉપરાંત એક ટકા વિતરણ ઘટ, પુરવઠા નિગમની કમિશન રિફંડ ચુકવણીમાં મનમાની, પુરતો જથ્થો ન આપવા, ૯૫ ટકા વિતરણ, સાહિત્ય, હયાતીમાં વારસાઇ સહિતના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવા પણ વેપારીઓ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.