કરદેજ ગામની ઘટનાને લઈ સંકલન સમિતિની એસ.પી.ને રજૂઆત : એક જ ગામમાં અનેક સ્થળે મુસાફરોની અપેક્ષા-અનુકૂળતા મુજબ ઉતારવા-લેવાના હઠાગ્રણથી સુરક્ષા-સલામતીના પ્રશ્નો ઉપસ્થિત થવાની દહેશત
એસ.ટી. ના ડ્રાઈવર અને કંડક્ટર ઉપર ઓનડયૂટી હુમલાની ઘટના વધતા કર્મચારીઓ ભયભીત થયા છે. કર્મચારીઓ ઉપર હુમલાના પાંચ બનાવ પોલીસ ચોપડે પણ નોંધાયા છે. જેને લઈ કર્મચારીઓમાં રોષ સાથે કેટલાક રૂટ ઉપર ફરજ બજાવવા વિરોધનો સૂર પણ ઉઠયો છે. તાજેતરમાં બનેલી કરદેજની ઘટનાને લઈ સંકલન સમિતિએ એસ.પી.ને રજૂઆત કરી છે.
એસ.ટી.ના પ્રવાસી, ગ્રામજનો, વિદ્યાર્થીઓ દ્વારા નજીવા કારણોસર ફરજપરના કંડક્ટર-ડ્રાઈવર સાથે મનમાની કરી એક જ ગામમાંથી અનેક સ્થળે અલગ-અલગ પ્રવાસીઓ પોતાની અપેક્ષા અને અનુકૂળતા મુજબ સ્થળે ઉતારવા અને બસમાં બેલવાનો હઠાગ્રહ રાખે છે. જેના કારણે સુરક્ષા અને સલામતીના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય, એસ.ટી.ના કર્મચારીઓ સાથે પ્રવાસીઓના ઘર્ષણના બનાવો કાયમી બને છે. કેટલાક કિસ્સામાં તો ડ્રાઈવર-કંડક્ટર સાથે મારામારી, વાહનને નુકશાન કરવાની ઘટનાઓ પણ છાશવારે બને છે. તાજેતરમાં જ કરદેજ ગામમાં બોટાદ ડેપોના ડ્રાઈવર ઉપર બસ ઉભી રાખવા બાબતે હુમલો થયો હતો. જે અંગે વરતેજ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી હતી. અહીં આવી ઘટનાઓ કાયમી બનતી હોય, આવા રૂટ ઉપર ફરજ બજાવવામાં કર્મચારીઓ ભય અનુભવે છે. ત્યારે આ ઘટનાને લઈ ભાવનગર એસ.ટી. કર્મચારી મંડળ, ભારતીય મઝદૂર સંઘ અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ યુનિયન (મજૂર મહાજન)-ભાવનગર વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી કર્મચારી હુમલો કરનાર તત્ત્વ સામે કડક પગલા ભરવા માંગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૧૨થી ૨૦૨૨ સુધીમાં બોરતળાવ પોલીસ મથકમાં બે, વરતેજ પોલીસ મથકમાં બે અને ધાર-અમરેલી પોલીસ સ્ટેશનમાં ઓનડયૂટી કર્મચારી ઉપર હુમલાની ઘટના અંગેની ફરિયાદો પણ દાખલ કરાવવામાં આવેલી છે.